ભારતીયોને આ દેશોમાં મળે છે વિઝા ફ્રી એન્ટ્રી, જુઓ યાદી, 40 દેશોમાં તો વિઝા ઓન અરાઇવલની સુવિધા
Visa Free Entry For Indians: વિશ્વમાં ભારતીયો ફરવાના શોખીન છે. તેમના આ શોખને ધ્યાનમાં લેતાં આશરે અડધાથી વધુ દેશોએ વિઝા પ્રક્રિયા અત્યંત સરળ બનાવી છે. ભારતીય પાસપોર્ટ ધારકો માટે સરળ વિઝા પ્રદાન કરી ટુરિઝમ પર નિર્ભર ઘણાં દેશો જીડીપીમાં વધારો કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલ 16 દેશોમાં ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી, 40 દેશોમાં વિઝા ઓન અરાઇવલ અને 47 દેશો ઈ-વિઝા સુવિધા આપી રહ્યા છે. વિશ્વના અન્ય દેશો પણ ભારતીયો માટે સરળ નીતિ અપનાવે તે માટે વિદેશ મંત્રાલય સતત પ્રયત્નશીલ બન્યું હોવાનું જાણવા મળ્યું છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તે અન્ય ઘણાં દેશો સાથે આ મામલે ચર્ચાઓ કરી રહ્યું છે. આ વર્ષના અંત સુધી આ યાદીમાં અન્ય દેશો પણ સામેલ થાય તેવો આશાવાદ છે.
આ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી
થાઇલેન્ડ, ભૂતાન, હોંગકોંગ, માલદીવ, મોરિશિયસમાં ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી છે. જ્યારે ઈ-વિઝા સુવિધા આપનારા દેશોમાં વિયેતનામ, રશિયા, યુએઈ, અજરબૈજાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, આર્જેન્ટિના, બહરીન, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, ઓમાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઇવાન, યુગાન્ડા, ઉજબેકિસ્તાન વગેરે સામેલ છે. અરાઇવલ વિઝા સુવિધા આપનારા દેશોમાં ફિઝી, ઇન્ડોનેશિયા, ઈરાન, જમૈકા, જોર્ડન, નાઇઝિરિયા, કતાર, ઝિમ્બામ્વે, ટ્યૂનેશિયા વગેરે સામેલ છે. જેમાંથી ઘણા દેશો ઈ-વિઝા અને અરાઇવલ વિઝા બન્નેની સુવિધા આપી રહ્યા છે.
વિઝિટર વિઝામાં 3 મહિના સુધી રોકાણ
ઉપરોક્ત સુવિધા આપનારા દેશો ભારતીય પ્રવાસીને 15 દિવસથી માંડી ત્રણ મહિના સુધી દેશમાં રોકાણ કરવા મંજૂરી આપે છે. તેમજ વિઝા પ્રક્રિયા સરળ હોવાથી ઝડપથી વિઝા મળે છે. ઈ-વિઝા અને અરાઇવલ વિઝા પ્રક્રિયામાં નિર્ધારિત દસ્તાવેજો અપલોડ કરી અરાઇવલ દરમિયાન તુરંત વિઝા મંજૂર કરવામાં આવે છે.
ભારતની વિઝા ઓન અરાઇવલની સુવિધા
ભારત પણ ઘણા દેશોને ઈ-વિઝા, અરાઇવલ વિઝા અને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. આશરે 170 દેશોને ઈ-વિઝા, જ્યારે જાપાન, સાઉથ કોરિયા, યુએઈ સહિતના દેશોને વિઝા ઓન અરાઇવલ સુવિધા પ્રદાન કરે છે. જે દેશમાં ભારતને વિઝા ફ્રી અથવા સરળ વિઝા એન્ટ્રી મળવાથી ભારતના પાસપોર્ટની તાકાત વધશે. ગ્લોબલ પાસપોર્ટ રેન્કિંગ 2024માં ભારત 82માં ક્રમે છે. ગતવર્ષે 84માં સ્થાને હતો.