નેપાળમાં સતત ચોથા દિવસે ધરતી ધ્રુજી, વધુ મોટા ભૂકંપની ચેતવણી

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
નેપાળમાં સતત ચોથા દિવસે ધરતી ધ્રુજી, વધુ મોટા ભૂકંપની ચેતવણી 1 - image


- ભૂકંપગ્રસ્ત જાજરકોટમાં જ ફરી 5.8ની તિવ્રતાનો આંચકો આવ્યો

- ફરી આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળના મધ્યમાં હતું પણ પુરતી એનર્જી બહાર ન નીકળી માટે 8 થી વધુની તિવ્રતાના આંચકાની શક્યતા

- સોમવારે દિલ્હીમાં પણ ભૂકંપની અસર, અનેક લોકો ઘરો-ઓફિસની બહાર નિકળ્યા, કોઇ જાનહાની કે નુકસાન નહીં

કાઠમાંડુ : નેપાળમાં સતત ચોથા દિવસે ૫.૮ની તિવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. નેપાળ સરકારના જણાવ્યા અનુસાર જાજરકોટમાં સાંજે સાડા ચાર વાગ્યે પ્રથમ આંચકો જ્યારે ૧૫ મિનિટ બાદ ૪.૫ની તિવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આમ એક જ દિવસમાં બે ભયાનક આંચકા અનુભવાયા હતા. નેપાળમાં સીરિયલ ભૂકંપની શરૂઆત શુક્રવારે થઇ હતી, જેમાં ૧૫૭ લોકો માર્યા ગયા હતા. સોમવારે આવેલા ભૂકંપના આંચકાઓની અસર ફરી ભારતમાં જોવા મળી હતી. ભારતમાં નેપાળ સરહદના વિસ્તારો તેમજ રાજધાની દિલ્હીમાં પણ આંચકા આવ્યા હતા. જેને કારણે લોકો ઘરોની બહાર નિકળી ગયા હતા.  

દિલ્હીમાં આવેલા ભૂકંપના આંચકા બાદ લોકો ઓફિસ, ઘરોની બહાર નિકળી ગયા હતા જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. દિલ્હી ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે જ્યારે ભૂકંપનો મોટો આંચકો આવ્યો હતો ત્યારે પણ દિલ્હીમાં તેની અસર થઇ હતી, તેથી માત્ર ચાર જ દિવસમાં નેપાળની સાથેસાથે દિલ્હીમાં પણ ભૂકંપે ફરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. શુક્રવારે નેપાળના જાજરકોટમાં જ જીવલેણ ભૂકંપ આવ્યો હતો જેમાં ૧૫૭ લોકો માર્યા ગયા હતા સાથે સાથે ૮ હજારથી વધુ મકાનો ધરાશાયી થયા હતા. 

બીજી તરફ નેપાળમાં વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ગમે ત્યારે નેપાળમાં સૌથી ભયાનક આંચકા આવી શકે છે. છેલ્લે ૨૦૧૫માં નેપાળમાં આવેલા ભૂકંપે ૯ હજાર લોકોનો ભોગ લીધો હતો અને પાંચ લાખ ઇમારતોનો નાશ વાળ્યો હતો. જોકે વૈજ્ઞાનિકોએ તાજેતરના આંચકાને ધ્યાનમાં રાખીને ચેતવણી આપી છે કે રવિવારે જે આંચકો આવ્યો હતો તેમાં પેટાળમાંથી એનર્જી પુરતા પ્રમાણમાં બહાર નથી નીકળી, જેને કારણે હવે ગમે ત્યારે અત્યંત વિનાશક ભૂકંપ આવવાની શક્યતાઓ છે. 

નેશનલ સોસાયટી ફોર અર્થક્વેક ફોર ટેક્નોલોજી નેપાળ (એનસેટ)ના ડાયરેક્ટર ડો. આમોદ દિક્ષિતે જણાવ્યું હતું કે રવિવારે જે ભૂકંપનો આંચકો આવ્યો હતો તેનુ કેન્દ્ર બિન્દુ નેપાળના મધ્યમાં હતું, જેને પેટાળમાંથી સતત એનર્જી છોડનારુ કેન્દ્ર પણ માનવામાં આવે છે. આ વિસ્તારમાં અગાઉ અત્યંત મોટા ભૂકંપ આવી ચુક્યા છે. નેપાળમાં હાલ ઇન્ડિયન અને યુરેસિયન ટેક્ટોનિક પ્લેટ્સના ટકરાવાથી ભૂકંપ આવી રહ્યા છે. રવિવારે આવેલા ભૂકંપમાં પુરતી એનર્જી બહાર નથી આવી. તેથી પુરી શક્યતાઓ છે કે નેપાળમાં સૌથી ઘાતક આઠની તિવ્રતાનો ભૂકંપ આવી શકે છે. કદાચ તિવ્રતા આઠ કરતા પણ વધુ હોઇ શકે છે. વૈજ્ઞાનિકે લોકોને સાવચેત રહેવાની પણ ચેતવણી આપી છે.

દરમિયાન બૌદ્ધિષ્ઠ ધર્મગુરુ દલાઇ લામાએ નેપાળના વડાપ્રધાનને પત્ર લખ્યો હતો કે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. લામાએ પત્રમાં લખ્યું હતું કે મને ખ્યાલ છે કે તમારી સરકાર રાહત માટે દરેક પ્રયાસો કરી રહી છે. સોમવારે નેપાળમાં આવેલા ભૂકંપને કારણે કેટલાક વિસ્તારોમાં ભુસ્ખલનની ઘટનાઓ સામે આવી હતી. જ્યારે ત્રણ લોકો ઘવાયા હતા. જાજરકોટના પોલીસ અધિકારી સંતોષ રોક્કાએ જણાવ્યું હતું કે ભુસ્ખલનને કારણે કેટલાક વિસ્તારોમાં રોડ બ્લોક થઇ ગયા હતા. જોકે સોમવારે આવેલા ભૂકંપમાં કોઇ જાનહાનીની ઘટના સામે નથી આવી. નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્રએ પોતાનો યુરોપનો પ્રવાસ ભૂકંપને કારણે રદ કરી દીધો હતો.  


Google NewsGoogle News