નેપાળમાં 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ફફડી ગયા,ભયના માર્યા ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી
Earthquack in Nepal | આજે વહેલી સવારે નેપાળમાં જોરદાર ભૂકંપ આવ્યો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 મપાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીથી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 3.59 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકો ફફડી ગયા અને ઊંઘમાંથી ઊઠીને જ ઘર બહાર દોટ મૂકી હતી. જોકે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર?
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અને યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર જુમલા જિલ્લામાં જમીનની નીચે 10 કિમીની ઊંડાઇએ હતું. માહિતી અનુસાર ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા.
નેપાળમાં અવારનવાર આવે છે ભૂકંપ
ઉલ્લેખનીય છે કે નેપાળમાં વારંવાર ભૂકંપ આવે છે. ગયા વર્ષે નવેમ્બર (2023)માં અહીં 6.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. 150 થી વધુ લોકોના મોત થયા હતા. પશ્ચિમ નેપાળના જારકોટ અને રુકુમ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી. ઘણા મકાનો ધરાશાયી થયા હતા જ્યારે ઘણા મકાનોમાં તિરાડો પડી હતી.