4000 જેટલા ભારતીયોની વસતી ધરાવતા આ દેશમાં 6.9ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ફફડાટ
રિંગ ઓફ ફાયરમાં સામેલ છે પાપુઆ ન્યૂ ગિની... અહીં અવારનવાર ભયાનક ભૂકંપ આવતા રહે છે
Earthquake news | ભારતથી આશરે 7500 કિલોમીટર દૂર અને 4000 જેટલાં ભારતીયોની વસતી ધરાવતા પાપુઆ ન્યુ ગિનીમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાપુઆ ન્યુ ગિનીના પૂર્વ સેપિક પ્રાંતમાં 6.9ની તીવ્રતાના ભૂકંપથી હાહાકાર મચી ગયો હતો. જેમાં મોટી જાનહાનિ થવાની પણ આશંકા છે. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ આ માહિતી આપી હતી.
ક્યાં હતું ભૂકં૫નું કેન્દ્ર....?
હાલમાં આ વિસ્તારમાં વધુ એક ભૂકંપ આવશે તેવી ચેતવણી ઉચ્ચારી હતી. યુએસજીએસના જણાવ્યા અનુસાર, અંબુન્ટી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર જમીનની નીચે 35 કિમીની ઊંડાઈ પર હતું.
સદભાગ્યે સુનામીનો ખતરો નથી...
આ પહેલા જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ જણાવ્યું હતું કે રવિવારે ઉત્તર પાપુઆ ન્યુ ગિનીના દૂરના વિસ્તારમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 65 કિલોમીટરની ઊંડાઈએ હતું. અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં સુનામીનો કોઈ ખતરો નથી અને કોઈ ચેતવણી પણ આપવામાં આવી નથી. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી.
ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે શું કહ્યું?
ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે કહ્યું કે ભૂકંપના કારણે ઓસ્ટ્રેલિયામાં સુનામીનો કોઈ ખતરો નથી. 6.9ની તીવ્રતાનો ભૂકંપ મોટી તબાહી સર્જવાની સંભાવના ધરાવે છે. પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં સ્થિત પાપુઆ ન્યુ ગિની ધરતીકંપની 'રિંગ ઓફ ફાયર'માં આવે છે. અહીં ધરતીકંપ સામાન્ય છે. ગયા વર્ષે એપ્રિલમાં અહીં 7.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેમાં સાત લોકોના મોત થયા હતા.