જાપાનમાં ભૂકંપ : ભારે નુકશાન, 100નાં મોત, હજી પણ એલર્ટ રહેવા ચેતવણી આપવામાં આવી
- રીક્ટર સ્કેલ પર 7.6ની તીવ્રતા નોંધાઈ
- ઇશીકાવા પ્રાંતમાં સૌથી વધુ નુકશાન અનેક લોકો મલબામાં દબાયા હોવાની આશંકા : બચાવ કાર્ય શરૂ
ટોક્યો : પશ્ચિમ જાપાનમાં આવેલા ભૂકંપથી આજે (શનિવારે) મૃત્યુ પામેલાઓની સંખ્યા ૧૦૦ સુધી પહોંચી ગઈ છે. ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ ઉપર ૧૦૦ની માપવામાં આવી હતી. આ ભૂકંપ પછી પણ ઓછા વત્તા આફ્ટર શોક્સ ચાલુ રહ્યા છે. તેની વચ્ચે બચાવ કાર્ય ચાલુ છે. પહેલાં ભૂકંપની લીધે માર્યા ગયેલાઓની સંખ્યા ૯૮ ગણવામાં આવી હતી, પરંતુ અનામિજુ પ્રાંતમાં બે વધુ મૃત્યુ નોંધાતાં સંખ્યા ૧૦૦ ઉપર પહોંચી છે. સરકારને ચિંતા છે કે ભૂકંપથી થયેલો મૃત્યુ આંક હજી પણ વધી શકે તેમ છે.
આ ભૂકંપને લીધે સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર તે ઇશીકાવા પ્રાંત છે. ત્યાં અનેક મકાનો ધરાશાયી થયાં છે. તેથી અધિકારીઓએ ભાવિ રણનીતિ તથા નુકસાનની ચર્ચા માટે વિશિષ્ટ બેઠક પણ બોલાવી હતી. તેમાં સૌથી વધુ મહત્વ તે ઉપર મુકાયું હતું કે, ભૂકંપને લીધે તૂટી પડેલાં બાંધકામોનાં ખંડેરો નીચે હજી પણ દબાઈ રહ્યા હોય, તેવા લોકોને સહી સલામત કઇ રીતે બહાર કાઢવા ?
વાસ્તવમાં છેલ્લા બે દીવસથી ઓછી વત્તી ધૂ્રજારીઓને લગતી જ હતી. તેમાં આ તીવ્ર ભૂકંપે ભારે તબાહી વેરી નાખી છે. ઇશીકાવા પ્રાંતમાં ૫૯ લોકો વાજીતા શહેરમાં ૨૩ સુજુમાં જ્યારે અન્ય પાંચ આસપાસના વિસ્તારોમાં માર્યા ગયા હોવાનું નોંધાયું છે. જ્યારે ૫૦૦થી વધુ લોકોને ઇજાઓ થઇ છે. ૨૭ ગંભીર છે.
ટોક્યો વિશ્વવિદ્યાલયનાં ભૂકંપ રીસર્ચ સેન્ટરનાં જણાવ્યા પ્રમાણે પશ્ચિમ તટનો કેટલોક વિસ્તાર ૮૨૦ ફીટ જેટલો સમુદ્ર તરફ ખસી ગયો છે.
ઉલ્લેખનીય છે કે ૧ જાન્યુ. ૨૦૨૪થી હજી સુધીમાં જાપાનમાં કુલ ૧૫૫ જેટલી ભૂકંપની હળવી ધુ્રજારીઓ નોંધાઈ હતી. પરંતુ શનિવારે થયેલો આ ભૂકંપ અતિતીવ્ર હતો, જેની તીવ્રતા રીક્ટર સ્કેલ ઉપર ૭.૬ની માપવામાં આવી હતી. આ ભૂકંપ સાથે સમુદ્રમાં ૧ મીટર ઊંચા મોજાં ઉછળ્યાં હતાં, તેથી સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
ભૂકંપને લીધે લોકો પોતાનાં ઘરોમાંથી અને ઓફીસોમાંથી બહાર આવી ગયા હતા. આ ભૂકંપના કેટલાયે વિડીયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહ્યા છે. તેમાં તૂટેલી સડકો દેખાય છે, નદીઓમાં ઉછળતાં મોજાં દેખાય છે, તો ક્યાંક જીવ બચાવવા અહીં તહીં દોડી રહેલા લોકો પણ જોવા મળે છે.