સોનું સંકટ સમયની સાંકળ, વિશ્વની અનેક સેન્ટ્રલ બેંકોએ ૧૦૩૭ ટન સોનું ખરીદયું
ભારત સોનું ખરીદવામાં ૧૮.૬૭ ટન સોના સાથે બીજા ક્રમે રહયું
આર્થિક સંકટમાં અર્થ વ્યવસ્થા માટે સોનું ઓકિસજન સમાન
નવી દિલ્હી,૬ સપ્ટેમ્બર,૨૦૨૪,ગુરુવાર
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજા અહેવાલ અનુસાર જુલાઇ મહિનામાં કેન્દ્રીય બેંકો દ્વારા ૩૭ ટન સોનાની ખરીદી કરવામાં આવી છે. સોના ખરીદનારા દેશોમાં પોલેન્ડ, તુર્કી, ઉઝબેકિસ્તાન અને ચેક રિપબ્લીક જેવા દેશોનો સમાવેશ થાય છે. વર્તમાન વર્ષની ત્રિમાસી એપ્રિલથી જૂન દરમિયાન ભારત સોનું ખરીદવામાં ૧૮.૬૭ ટન સોના સાથે બીજા ક્રમે રહયું હતું. પોલેન્ડના સેન્ટ્રલ બેંક સૌથી વધુ ૧૯.૬૮ ટન ગોલ્ડ ખરીદયું હતું. તુર્કીએ આ દરમિયાન ૧૪.૬૩ ટન, ઉઝબેકિસ્તાને ૭.૪૬ ટન અને ચેક રિપબ્લીકે ૫.૯૧ ટન સોનુ ખરીદેલું છે.
દુનિયા ભરમાં બીજા કવાટરમાં ૧૦૩૭ ટન સોનાનો ભંડાર ભર્યો છે. ૨૦૨૨માં કેન્દ્રીય બેંકોએ ૧૦૮૨ કરોડ ટન સોનાનો જથ્થો જમા કર્યો હતો. આંકડા પરથી સાબીત થાય છે કે કેન્દ્રીય બેંક ગોલ્ડને પણ રિઝર્વ એસેટ સ્વરુપે ખૂબ મહત્વ આપવા લાગી છે. સોનુ સેન્ટ્રલ બેંકો સ્થિર એસેટ જેવું કામ કરે છે. આર્થિક સંકટ દરમિયાન અર્થ વ્યવસ્થા માટે ઓકિસજન સાબીત થાય છે. દુનિયાના અનેક દેશોની બેંકો એવું માનવા લાગી છે કે આવનારા સમયમાં સોનું મહત્વપૂર્ણ ભૂમિકામાં રહેશે.એવું માનવામાં આવે છે કે રશિયા યુક્રેન યુદ્ધ અને ઇઝરાયલ-અરબ ઝગડા પછી આર્થિક પડકારો વધતા જાય છે.