બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે 4500 ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પાછા ફર્યા
- આ ઉપરાંત 500 નેપાળીઓ, 38 ભૂતાનના વિદ્યાર્થીઓ અને 1 માલદીવનો વિદ્યાર્થી પણ બોર્ડર-ક્રોસિંગ પોઇન્ટ પરથી ભારતમાં આવી પહોંચ્યા
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં અનામત વિરોધી ફાટી નીકળેલા વ્યાપક રમખાણોને લીધે રવિવાર સાંજ સુધીમાં ૪૫૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પાછા ફર્યા છે. તેમ વિદેશ મંત્રાલયે રવિવારે સાંજે જણાવ્યું હતું. આ સર્વે વિદ્યાર્થીઓ સબ-સલામત પણ છે તેમ વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે.
આ સાથે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ સ્થિત આપણા દૂતાવાસને પણ સૂચના અપાઈ ગઈ છે કે આપણા વિદ્યાર્થીઓ સહી સલામત રીતે ભારત પરત આવી શકે તે માટે પૂરો બંદોબોસ્ત ગોઠવવો.
વિદેશ મંત્રાલયની યાદી જણાવે છે કે બાંગ્લાદેશમાંથી ભારતમાં આવજા કરવા માટેના નિશ્ચિત બોર્ડર ક્રોસિંગ પોઇન્ટ ઉપરથી આ વિદ્યાર્થીઓ ભારત પરત આવી રહ્યા છે. આ ઉપરાંત નેપાળના ૫૦૦ વિદ્યાર્થીઓ, ભૂતાનના ૩૮ અને માલદીવનો પણ ૧ વિદ્યાર્થી ભારતમાં પ્રવેશ્યા છે.
યાદી વધુમાં જણાવે છે કે ઢાકા સ્થિત આપણા દૂતાવાસે બંને દેશો વચ્ચે નાગરિક વિમાનોની આવન-જાવન નિશ્ચિત કરવા માટે બાંગ્લાદેશના નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓ સાથે મંત્રણા હાથ ધરી છે.
બાંગ્લાદેશમાં વસતા ભારતીયોને દૂતાવાસનો સંપર્ક રાખવા જણાવી દેવાયું છે અને તે માટેના ટેલીફોન નંબરો આ પ્રમાણે છે : ૧. હાઇકમિશન ઓફ ઇંડિયા ઢાકા : ૮૮૦-૧૯૩૭૪૦૦૫૯૧, ૨. ઉપ-દૂતાવાસ ચટગાંવ ૮૮૦-૧૮૧૪૬૫૪૭૯૭ અને ૮૮૦-૧૮૧૪૬૫૪૭૯૯, ૩. ઉપદૂતાવાસ રાજશાહી : ૮૮૦-૧૭૮૮૧૪૮૬૯૬, ૪. ઉપદૂતાવાસીલહર- ૮૮૦-૧૩૧૩૦૭, ૬૪૧૧/ ૧૩૧ ૩૦૭૬૧૪૭ : ખુલના - ૮૮૦-૧૮૧૨૮૧૭૭૯૯