યુક્રેન યુધ્ધના કારણે પ્રવાસી પક્ષીઓએ પણ કંટાળીને રસ્તો બદલ્યો, પ્રજનન થયું પ્રભાવિત
યુક્રેનમાં વિરામ કરવાનો સમયગાળો ઘટાડીને લાંબો રસ્તો પકડયો
ગ્રેટર સ્પોટેડ પ્રજનન માટે યુક્રેનના રસ્તાથી દક્ષિણી બેલારુસ જતા હતા.
કિવ,૩૧ મે,૨૦૨૪, શુક્રવાર
રશિયા અને યુક્રેન વચ્ચે સવા બે વર્ષથી ચાલતા અવિરત યુદ્ધથી માનવીઓ જ નહી પક્ષીઓ પણ પરેશાન થયા છે. યુદ્ધના કારણે ચિલ પક્ષીની એક ખાસ માઇગ્રેશન પ્રજાતિએ પોતાનો ઉડવાનો રસ્તો બદલી નાખ્યો હોવાનું જાણવા મળે છે. ચિલની આ પ્રજાતિનું નામ ગ્રેટર સ્પોટેડ છે. પ્રાપ્ત માહિતી અનુસાર એસ્ટોનિયા યુનિવર્સિટી ઓફ લાઇફ સાયન્સિસ અને બ્રિટિશ ટ્રસ્ટ ફોર ઓનિર્થોલોજીના સંશોધકોએ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં પક્ષીઓ અને વન્યજીવો પર પડતા પ્રભાવ પર પ્રકાશ પાડયો છે.
ગ્રેટર સ્પોટેડ પ્રજનન માટે યુક્રેનના રસ્તાથી દક્ષિણી બેલારુસ જતા હતા. તેના સ્થાને ૮૫ થી ૨૫૦ કિમી જેટલો લાંબો વળાંક લઇને (ફરીને) બેલારુસ તરફ પ્રયાણ કર્યુ હતું નિષ્ણાતોએ નોંધ્યું છે કે ૨૦૧૯ અને ૨૦૨૧માં યુક્રેનના આકાશમાંથી પસાર થતા પક્ષીઓ હવે પસાર થવાનું ટાળી રહયા છે. યુદ્ધ પહેલા ૯૦ ટકા જેટલા પ્રવાસી પક્ષીઓ વિરામ માટે યુક્રેનના માર્ગમાં રાત્રે રોકાતા હતા. જેનું પ્રમાણ ત્રણ ગણુ ઘટીને ૩૨ ટકા જેટલું રહયું છે.
જે પક્ષીઓ રોકાણ કરે છે તેમને પણ પોતાનો સમય ઘટાડી દીધો છે. જયાં યુદ્ધ અને સૈન્ય હિલચાલ હતી તે સ્થળના આકાશ ઉપરથી પસાર થતા જોવા મળ્યા નહી.બોબ વિસ્ફોટનો અવાજ તેમની ઉડાણને પ્રભાવિત કરતો હતો. નિષ્ણાતોનું માનવું છે કે જો માઇગ્રેટેડ પક્ષીઓ પોતાની સહજ અને પ્રાકૃતિક રીતે રસ્તો પસાર કરવાના સ્થાને ગભરાયેલા રહે અને માર્ગ બદલતા રહે તો તેમને વધારે ઉર્જા ખર્ચ કરવી પડે છે જેનાથી તેમનું પ્રજનન પ્રભાવિત થાય છે.
ગ્રે્ટર સ્પોટેડ ઇગલને ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્જર્વેશન ઓફ નેચર રેડ લિસ્ટ દ્વારા સંવેદનશીલ પ્રજાતિઓની કેટેગરીમાં રાખ્યું છે. આ પ્રજાતિ પશ્ચિમી અને મધ્ય યુરોપ ખાસ કરીને બેલારુસ અને પોલેસિયા વિસ્તારોમાં જોવા મળે છે.