ચાકુ વડે હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા બાદ આયરલેન્ડની રાજધાનીમાં તોફાનો, ઠેર ઠેર આગચંપી અને અથડામણ
ડબલિન,તા.24.નવેમ્બર.2023
યુરોપિયન દેશ આયરલેન્ડની રાજધાની ડબલિનમાં પાંચ
લોકો પર ચાકુ વડે હુમલો થયો હતો.જેમાં
સ્કૂલના ત્રણ બાળકોનો સમાવેશ થતો હતો.એ
બાદ ડબલિનમાં તોફાનો ફાટી નીકળ્યા હતા અને રોષે
ભરાયેલા હજારો લોકોએ ઠેર ઠેર આગચંપી કરી હતી.
પોલીસનુ કહેવુ છે કે, બપોરે દોઢ વાગ્યાની આસપાસ ડબલિનના પાર્નેલ સ્કેવયર નામના વિસ્તારમાં
એક વ્યક્તિએ ચાકુ વડે હુમલો કર્યો હતો.જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા.સ્થાનિક લોકોએ
દરમિયાનગીરી કરીને હુમલાખોરને કાબૂમાં કર્યો હતો.ઘાયલ થયેલામાં પાંચ થી 6 વર્ષના ત્રણ બાળકો પણ છે.
આ ઘટના બાદ લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો.હુમલો કરનાર વ્યક્તિ માઈગ્રન્ટ હોવાનો દાવો સોશિયલ
મીડિયા પર કરવામાં આવ્યો હતો અને એ પછી લોકો રસ્તા પર ઉતર્યા હતા અને વાહનોને આગ
ચાંપવા માંડી હતી.એક હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
ડબલિનમાં એમ પણ છેલ્લા કેટલાક સમયથી માઈગ્રન્ટસને દેશમાં વસાવવા સામે લોકો દેખાવો કરી રહ્યા છે અને તેમાં ગઈકાલની ઘટનાએ બળતામાં ઘી હોમવા જેવુ કામ કર્યુ છે. પોલીસનુ કહેવુ છે કે, આ હુમલાની તપાસ ચાલુ છે અને અમે તમામ શક્યતાઓની ચકાસણી કરી રહ્યા છે.