એક જ વર્ષમાં 10.5 કરોડ લોકોએ મુલાકાત લીધી, દુબઈની આ જગ્યાએ બનાવ્યો નવો વિશ્વ વિક્રમ
image : Socialmedia
દુબઈ,તા.09 માર્ચ 2024,શનિવાર
દુનિયામાં તાજ મહાલ સહિતની સાત અજાયબીઓમાંથી કોઈ સ્થળની લોકો સૌથી વધારે મુલાકાત લેતા હશે તેવુ જો તમે માનતા હોય તો તમારી આ ધારણા ખોટી છે.
દુબઈમાં આવેલા દુનિયાના સૌથી મોટા બીજા નંબરના મોલ ગણાતા દુબઈ મોલે આ મામલામાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દુબઈ મોલ એવુ સ્થળ છે જેની દુનિયામાં સૌથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે 2024ના પહેલા બે મહિનામાં જ બે કરોડ લોકો આ મોલની વિઝિટ કરી ચુકયા છે.
મોલમાં યોજાતા કાર્યક્રમો તેમજ અલગ અલગ ઈન્ટરનેશનલ ઈવેન્ટના કારણે વર્ષ 2023 તેમજ 2024ના પ્રારંભમાં મોલમાં લોકોની અવર જવર વધી ગઈ હતી. બીજી તરફ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ તેનો ખાસો પ્રચાર થઈ રહ્યો છે. દુબઈ મોલના ઈન્સ્ટાગ્રામ પર 13 લાખ ફોલોઅર્સ છે.
2023માં 10.5 કરોડ લોકો મોલમાં આવ્યા હતા અને મોલમાં આવતા લોકોની સંખ્યામાં 2022ના મુકાબલે 19 ટકા વધારો જોવા મળ્યો હતો. જેના કારણે આ મોલ ધરતી પર સૌથી વધુ મુલાકાતીઓ જતા હોય તેવા સ્થળનો રેકોર્ડ બનાવી ચુકયો છે.
મોલ બનાવનાર કંપનીનુ કહેવુ છે કે, મોલમાં આવતા લોકોના આંકડા દુબઈના શાસકોના વિઝન અને દુબઈની મજબૂત ઈકોનોમીનુ પ્રતિક છે. દુબઈની સફળતામાં અને તેની કાયાપલટમાં આ મોલનો પણ ફાળો રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ મોલને 2008માં ખુલ્લો મુકાયો હતો. 54 લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલો મોલ દુનિયાનો સૌથી મોટો બીજો મોલ છે.