Get The App

દુબઈમાં કૃત્રિમ વરસાદના પ્રયોગથી જળપ્રલય સર્જાયો હોવાની શંકા, બે વર્ષનો વરસાદ એક જ દિવસમાં ખાબક્યો

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
દુબઈમાં કૃત્રિમ વરસાદના પ્રયોગથી જળપ્રલય સર્જાયો હોવાની શંકા, બે વર્ષનો વરસાદ એક જ દિવસમાં ખાબક્યો 1 - image


Dubai Floods: સંયુક્ત આરબ અમીરાત (UAE) અને તેની આસપાસના રણ વિસ્તારોમાં મંગળવારે (16મી એપ્રિલ) જોરદાર વરસાદ પડ્યો હતો.  વિશ્વના સૌથી સ્માર્ટ શહેરોમાંના એક દુબઈમાં ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન બની ગયા હતા. એરપોર્ટ, મેટ્રો સ્ટેશન અને મોલમાં પાણી ઘૂસી ગયા હતા. શાળાઓ બંધ રાખવામાં આવી હતી. અહીં છેલ્લા 24 કલાકમાં 160 મિ.મી. વરસાદ પડ્યો હતો, જે સામાન્ય રીતે બે વર્ષમાં પડે છે. ત્યારે સવાલ એ છે કે, રણ વિસ્તોરોમાં અચાનક આટલો ભારે વરસાદ થવાનું કારણ શું?

ભારે વરસાદ પડવાનું કારણ ક્લાઉડ સીડિંગ

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, દુબઈમાં અચાનક આટલો વરસાદ પડવાનું કારણ ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદ છે. ગલ્ફ સ્ટેટ નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજી અનુસાર, 15મી અને16મી એપ્રિલે દુબઈના અલ એઈન એરપોર્ટ પરથી કૃત્રિમ વરસાદ માટે વિમાન ઉડાવવામાં આવ્યું હતું. આ વિમાને છેલ્લા બે દિવસમાં સાત વખત ઉડાન ભરી હતી. જેના કારણે વાતાવરણમાં ફેરફાર થયો હતો અને દુબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. આ વરસાદે 75 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ક્લાઉડ સીડિંગ એ કૃત્રિમ વરસાદ બનાવવાની પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં વિમાન અથવા હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને વાદળોમાં સિલ્વર આયોડાઈડ અથવા પોટેશિયમ આયોડાઈડ જેવા પદાર્થોને ઉમેરવામાં આવે છે. 

દુબઈમાં પાણીના અછત રહે છે

દુબઈમાં પાણીની અછત છે. ભૂગર્ભજળનો વધુ પડતો ઉપયોગ થાય છે. તેમ છતાં પાણીની અછત રહે છે. તેથી અહીંની સરકારે કૃત્રિમ વરસાદનો સહારો લેવા પડે છે. પરંતુ આ વખતે સ્થિતિ વધુ વણસી ગયો. યુએઈએ વર્ષ 1982માં પ્રથમ વખત ક્લાઉડ સીડિંગ કર્યું હતું. યુએઈમાં રેઈન એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ ચાલે છે. જે ત્યાના હવામાન વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. આ પાછળના વૈજ્ઞાનિકો દર વખતે યુએઈના વાતાવરણનું ભૌતિક અને રાસાયણિક પરીક્ષણ કરે છે. જેમાં ખાસ કરીને એરોસોલ અને પ્રદૂષિત તત્વોનું પરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ વાદળો બનવાની પ્રક્રિયા શરૂ થાય છે.

ઉલ્લેખનીય છે કે, પહેલા એ નક્કી કરવામાં આવે છે કે, ક્લાઉડ સીડિંગ કેટલી વાર કરવાનું છે અને તેના માટે ક્લાઉડ સીડિંગ વિમાન કેટલી વાર ઉડાડવું પડશે. વાદળોના ઊંચાઈવાળા વિસ્તારોમાં પહોંચ્યા પછી રસાયણો છોડવામાં આવે છે. જેથી વરસાદ પડી શકે. યુએઈમાં 86 ઓટોમેટિક વેધર સ્ટેશન છે. દેશભરમાં છ હવામાન રડાર છે જે હવામાન પર નજર રાખે છે.


દુબઈમાં કૃત્રિમ વરસાદના પ્રયોગથી જળપ્રલય સર્જાયો હોવાની શંકા, બે વર્ષનો વરસાદ એક જ દિવસમાં ખાબક્યો 2 - image


Google NewsGoogle News