નશામાં ધૂત પ્રવાસીએ ક્રૂ મેમ્બરને બચકું ભર્યું...' પાયલટે વિમાન તાત્કાલિક જાપાનમાં લેન્ડ કરવું પડ્યું

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
નશામાં ધૂત પ્રવાસીએ ક્રૂ મેમ્બરને બચકું ભર્યું...' પાયલટે વિમાન તાત્કાલિક જાપાનમાં લેન્ડ કરવું પડ્યું 1 - image


Drunk Passenger Bites Crew Member: વિમાનમાં પ્રવાસીઓ દ્વારા થતા દુર્વ્યવહારના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. ઈન્ડિગોની ફ્લાઈટમાં પાયલટને મુક્કો મારવાના મામલા બાદ હવે વધુ એક વિમાનમાં મુસાફર દ્વારા દુર્વ્યવહાર કરવાનો મામલો સામે આવ્યો છે. 

નશામાં ધૂત યાત્રીએ ક્રૂ મેમ્બરને બચકું ભર્યું

અમેરિકાના એક મુસાફરે ફ્લાઈટમાં નશામાં ધૂત થઈને હંગામો કર્યો હતો. આ દરમિયાન તેણે મહિલા ક્રૂ મેમ્બરને બચકું ભર્યું હતું જેના કારણે તેને ઈજા થઈ હતી. આમ છતાં પ્રવાસીએ હંગામો ચાલુ રાખતા અમેરિકાના સિએટલ જઈ રહેલા વિમાને તાત્કાલિક જાપાનના એરપોર્ટ પર લેન્ડિંગ કરવું પડ્યું હતું. 

મુસાફરને પોલીસના હવાલે કરાયો

એરલાઈનના પ્રવક્તાએ આ મામલે જાણકારી આપી કે, 55 વર્ષીય મુસાફરે કેબિનેટ એટેન્ડન્ટ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેને શાંત કરવા ઊંઘની ગોળી આપવામાં આવી હતી, પરંતુ હોશમાં આવ્યો ત્યારે તેને કશું જ યાદ નહોતું. બાદમાં તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે.

આ ઘટના એ સમયે બની વિમાન પેસિફિક મહાસાગરની ઉપર હતું, જેમાં 159 મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. આમ, એક મુસાફરના કારણે અમેરિકા જતા All Nippon Airwaysના વિમાને ટોક્યોના હનેડા એરપોર્ટ પર લેન્ડ કરવાની ફરજ પડી હતી. 

છેલ્લા કેટલાક અઠવાડિયામાં જાપાનમાં આ પાંચમી ઘટના

છેલ્લા કેટલાક અઠવાડિયામાં જાપાનમાં વિમાનો સાથે સંકળાયેલી આ પાંચમી ઘટના છે. અગાઉ ઓલ નિપ્પોન એરવેઝના બોઈંગ 737-800ની કોકપિટની વિન્ડોમાં તિરાડ પડી ગઈ હતી, જેના કારણે વિમાને ઉત્તર જાપાનના એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. એટલું જ નહીં, હાલમાં જ જાપાનના હનેડા એરપોર્ટ પર બે વિમાન ટકરાતા છ લોકોના મોત થયા હતા. 


Google NewsGoogle News