યુક્રેન દ્વારા રશિયાની ઓઇલ રીફાઈનરી અને ઓઇલ ડીપો પર ડ્રોન વિમાનના હુમલા
- ઝેલેન્સ્કી ડી-ડેની ઉજવણીમાં ભાગ લેવા પેરિસ પહોંચ્યા
- આ હુમલાથી ચોપાસ આગ ફેલાઈ રહી : તે સાથે યુક્રેન યુદ્ધની આગ પણ વધુ ફેલાવાની ભીતિ વ્યાપી
કીવ : રશિયાના વોસ્મશીનને ખતમ કરવા યુક્રેન જીવ સટોસટની બાજી ખેલી રહ્યું છે, તેના પગલે તેણે ડ્રોન વિમાનો દ્વારા યુક્રેન-રશિયાની સરહદ નજીક રહેલી રશિયાની ઓઇલ રીફાઈનરી અને તેના ઓઈલ ડીપો ઉપર ડ્રોન વિમાનો દ્વારા મિસાઇલ હુમલાઓ કરી તે રીફાઈનરી અને ઓઇલ ડીપોનો નાશ કરી દીધો છે, તે સાથે આસપાસના વિસ્તારોમાં આગ ફેલાઈ રહી હતી સાથે યુક્રેન યુદ્ધની આગ પણ વધુ ભડકાવાની ભીતિ નિશ્ચિત દેખાઈ રહી છે.
દરમિયાન યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી ગુરુવાર તા. ૬ જૂનના દિને પેરિસમાં ૨૫ દેશોના વડાઓ 'ડી-ડે' ઉજવણીમાં એકઠા થયા હતા. તેઓને મળવા અને તે ઉજવણીમાં ભાગ પણ લેવા ઝેલેન્સ્કી પેરિસ પહોંચી ગયા હતા. તે દરમિયાન તેઓએ યુક્રેનનાં પૂર્વમાં શહેર ખાર્કીવ ઉપર થતા રશિયન હુમલાઓ ખાળવામાં પશ્ચિમના દેશોની સહાય માગી હતી.
તે સર્વવિદિત છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યુરોપની ધરતી ઉપર થઈ રહેલું રશિયન યુક્રેન યુદ્ધ સૌથી વધુ પ્રચંડ અને વિનાશક યુદ્ધ બની રહ્યું છે. સૌથી વધુ ગંભીર બાબત તો તે છે કે પ્રમુખ પુતિને અમેરિકા સહિત પશ્ચિમના દેશોને ચેતવણી આપી છે કે, જો તેમણે આપેલા શસ્ત્રોનો યુક્રેન માત્ર સ્વબચાવને બદલે રશિયા ઉપર પણ આક્રમણ કરવા માટે વાપરશે તો રશિયા તેના મિસાઇલ્સના નિશાન 'નાટો' દેશોને પણ બનાવશે.
ટુંકમાં રશિયા-યુક્રેન યુદ્ધ હાલ તુરત તો થંભે તેવી કોઈ નિશાની દેખાતી નથી, તેટલું જ નહીં પરંતુ તે વકરતું જાય છે.