ડ્રેગનની અમેરિકાને ખુલ્લી ધમકી : 'જો દ.ચીન સમુદ્રમાં ચેડાં કરશો તો, કચડી નાખીશું'

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ડ્રેગનની અમેરિકાને ખુલ્લી ધમકી : 'જો દ.ચીન સમુદ્રમાં ચેડાં કરશો તો, કચડી નાખીશું' 1 - image


- દ.ચીન સમુદ્રમાં ચીનનું આક્રમક વલણ ચાલુ રહેતાં યુએસ-ચીન વચ્ચે તણાવ : તાઇવાન, ફીલીપાઇન્સને અમેરિકા સાથ આપી રહ્યું છે

બૈજિંગ : ચીને અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે કે, જો તેણે તેના પ્યાદાઓને દ.ચીન સમુદ્રમાં આગળ ધપાવા પ્રયત્ન કર્યો તો તેનું પરિણામ ઘણું જ ખરાબ આવશે. ચીનના પાટનગરમાં ચાલી રહેલા સૈન્ય સુરક્ષા મંચની પરિષદમાં ચીનના લેફટેનન્ટ જરનલ, લે હેઇએ અમેરિકાને ખુલ્લે આમ ધમકી આપતાં કહ્યું હતું કે, દ.ચીન સમુદ્ર પર રહેલા તેના સાર્વભૌમત્વ અંગે જે કોઈ ચેડાં કરવા જશે તો તેને કચડી નાખવામાં આવશે.

લે હેઈએ વધુમાં કહ્યું હતું કે, અમેરિકા તેના પ્યાદાઓને અમારી રાષ્ટ્રીય સીમામાં ઘૂસવા માટે ઉશ્કેરે છે, પોતે પણ તેમાં ઘૂસવા માટે કોશીશ કરે છે, તે સંયોગોમાં અમારા સૈન્યનું ધૈર્ય ખૂટી ગયું છે. અમે યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ અમારા સાર્વભૌમત્વ ઉપર આંચ આવે તો અમે પાછળ હઠીશું પણ નહીં.

લેફટેનન્ટ જનરલે કહ્યું હતું કે, અમારી સેના કોઈ પણ હાલતમાં કોઈ પણ દેશ સામે અમારી સરહદોનું રક્ષણ કરવા સક્ષમ છે. દુશ્મનને કચડવા માટે પૂરતી સક્ષમ છે.

દક્ષિણ-ચીન સમુદ્ર સહિત, પૂરા વિવાદિત ક્ષેત્રમાં ચીનનાં આક્રમક વલણને લીધે બૈજિંગ-વોશિંગ્ટન વચ્ચે વારંવાર તકરાર થાય છે. તેનું મુખ્ય કારણ તે છે કે અમેરિકા, જાપાન અને તાઇવાનનાં રક્ષણ માટે વચન-બદ્ધ છે. ચીન તાઇવાનને પોતાનો પ્રાંત ગણે છે, જ્યારે તાઇવાન પોતાને સ્વતંત્ર માને છે. ચીન તેની જળસીમા અને આકાશ સીમા વારંવાર ઓળંગે છે. ચીનને ફીલીપાઇન્સ સાથે પણ જળ વિવાદ છે. તેનાં યુદ્ધ જહાજો ફીલીપાઇન્સનાં જહાજો ઉપર જોરદાર પાણીનો હુમલો કરી તેને ડરાવે છે. જાપાનના દક્ષિણના ટાપુઓ ઉપર ચીન સાર્વભૌમત્વ નો દાવો કરે છે. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ છે કે ચીનનો તાઇવાન, ફીલીપાઇન્સ અને જાપાન સાથેનો વિવાદ સીધો જ અમેરિકા-ચીન વચ્ચેનો વિવાદ બની ગયો છે.


Google NewsGoogle News