Get The App

ભારત સામે બોલવાની હિમ્મત નથી? કેનેડા તણાવ વચ્ચે US-UK પર ભડક્યું ચીની મીડિયા

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ભારત સામે બોલવાની હિમ્મત નથી? કેનેડા તણાવ વચ્ચે US-UK પર ભડક્યું ચીની મીડિયા 1 - image


Image Source: Twitter

- ચીનને ભારતનું વધતુ મહત્વ પચી નથી રહ્યું

બેઈજિંગ, તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર

આતંકવાદી નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે અમેરિકા અને યુકેની સાથે પશ્ચિમી દેશો સીધુ કંઈ પણ કહેવાથી બચી રહ્યા છે. અમેરિકા સહિત કોઈ પણ દેશ નથી ઈચ્છતો કે, વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા અને મોટી શક્તિ તરીકે ઉભરી રહેલા ભારત વિશે કોઈ પણ તીખી ટિપ્પણી કરવામાં આવે. બીજી તરફ કેનેડા સાથે તેમની વ્યૂહાત્મક ભાગીદારી પણ છે. એ વાતથી ઈનકાર ન કરી શકાય કે, નિજ્જરના સમગ્ર મામલે પશ્ચિમી દેશોની એજન્સીઓનો હાથ નથી રહ્યો પરંતુ અન્ય કોઈ દેશે ભારત પર સીધો આરોપ નથી લગાવ્યો. ચીનને આ વાત પચી નથી રહી. પશ્ચિમી દેશોનું મૌન જોઈને ચીનનું મીડિયા ભડક્યુ છે અને તેમના પર પોતાની સ્વાર્થ સિદ્ધિનો આરોપ લગાવી રહ્યુ છે.

ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે, આ પશ્ચિમી દેશોનું બેવડું વલણ છે. જો આ દેશો ભારતના મિત્ર ન હોત તો તેમણે 'માનવ અધિકારોના ઉલ્લંઘન'નો આરોપ લગાવવામાં અને નિંદા કરવામાં એક મિનિટનો પણ વિલંબ ન કર્યો હોત. પશ્ચિમી દેશોનું આ સામૂહિક મૌન દર્શાવે છે કે, તેમના ગઠબંધનોમાં પણ મજબૂતી નથી. અમેરિકાના ફાયદા આગળ કોઈના પણ નિયમો અને નૈતિકતા કંઈ મહત્વ નથી રાખતા. ચીની મીડિયાનું કહેવું છે કે, એ પણ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે, ફાઈવ આઈસ એલાયન્સમાંથી કયા દેશોએ નિજ્જરની હત્યા અંગે કેનેડાને ઈનપુટ આપ્યા હતા.

ચીની મીડિયાનું કહેવું છે કે, પશ્ચિમી દેશો દુવિધામાં ફસાય ગયા છે. એક તરફ તેમનું નજીકનું સાથી કેનેડા છે તો બીજી તરફ ભારત-પ્રશાંત ક્ષેત્રની રણનીતિમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રશિયાને અલગ કરવા અને ચીનને રોકવા માટે યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયા ભારત સાથે મિત્રતા કરી રહ્યા છે. ચીની મીડિયાએ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનની એક તસવીર પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમની સાથે જાપાન અને ભારતના વિદેશ મંત્રી પણ હતા.

કેનેડાના વડાપ્રધાને નિજ્જરની હત્યા અંગે ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા બાદ ભારતે પણ સામે જોરદાર જવાબ આપ્યો છે. ભારતે પહેલા  કેનેડિયન રાજદૂતને હાંકી કાઢ્યા અને ત્યારબાદ ભારતે કેનેડાના નાગરિકો માટે વીઝા પર રોક લગાવી દીધી છે. બીજી તરફ ચીનને ભારતનું વધતુ મહત્વ પચી નથી રહ્યું અને તે પશ્ચિમી દેશો પર ભડકી રહ્યું છે. 



Google NewsGoogle News