અમને ના શીખવાડશો, કોને વિઝા આપવા અને કોને નહીં: ભારતનો કેનેડાને જવાબ
MEA responds to Canada : હાલ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર કેનેડાએ ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. વિદેશ મંત્રાલયે કેનેડિયન મીડિયાના કેટલાક અહેવાલો સામે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે ભારતના સાર્વભૌમત્વના હિતોનું રક્ષણ કરવા માટે ભારતના વલણની પુનઃ પુષ્ટિ કરી હતી.
શું કહ્યું વિદેશ મંત્રાલયે?
વિદેશ મંત્રાલયે કેનેડિયન મીડિયાના એ અહેવાલો પર ટિપ્પણી કરી હતી. કે જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, ભારતે કેનેડિયન ખાલિસ્તાનીઓને વિઝા આપવાનો ઇન્કાર કર્યો છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, 'અમે આ અંગેના મીડિયા અહેવાલો જોયા છે. ભારતને બદનામ કરવા માટે કેનેડિયન મીડિયાના ડિસઇન્ફોર્મેશન અભિયાનનું આ બીજું ઉદાહરણ છે. ભારતીયોને વિઝા આપવા એ અમારું સાર્વભૌમ કાર્ય છે. અમારી અખંડિતતાને નુકસાન પહોંચાડનારાઓને વિઝા ન આપવાનો અમારી પાસે કાયદેસરનો અધિકાર છે. આ બાબતે અમે કેનેડિયન મીડિયામાં જે ટિપ્પણીઓ જોઈ રહ્યા છીએ તે ભારતની સંપ્રભુતા સાર્વભૌમત્વ પર વિદેશી હસ્તક્ષેપ સમાન છે.'
હજુ સુધી કેનેડાએ કોઈ કાર્યવાહી કરી નથી
વધુમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેનેડા સરકારે ભારત વિરોધી તત્ત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ. કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ પર અમે તેમની સાથે ઘણી વખત વાત કરી છે. અને અમે હરદીપ સિંહ નિજ્જર કેસમાં પણ અમારું સ્ટેન્ડ રજૂ કર્યું છે. પરંતુ હજુ સુધી તેમણે કોઈ કાર્યવાહી કરી નથી. દર વખતે તેઓ માત્ર પુરાવા માગતા રહે છે.'