Get The App

USAમાં ફરી ટ્રમ્પનું શાસન: શું ભારત અને ચીન નજીક આવશે? આંતરરાષ્ટ્રીય રાજકારણમાં થશે મોટા ફેરબદલ

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
Donald Trump


Donald Trump Reigns Again In America : અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ તરીકે તેમનો આ બીજો કાર્યકાળ રહેશે. પહેલી વખત તેમણે 20 જાન્યુઆરી 2017માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જ્યારે હવે ચાર વર્ષ પછી રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ ફરીથી વાપસી કરશે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં આંતરરાષ્ટ્રીપ રાજકારણમાં મોટા ફેરબદલ થઈ શકે છે. જેની કેટલીક ઝલક તેમના શપથગ્રહણ પહેલાથી જ જોવી મળી રહી છે. તો ચાલો જાણીએ ટ્રમ્પના નવા કાર્યકાળમાં ક્યા-ક્યા બદલાવ થવાની શક્યતાઓ છે. 

શું થશે કેનેડામાં?

ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ પહેલા જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 6 જાન્યુઆરીએ રાજીનામું આપ્યું. જ્યારે ટ્રુડોના આ પ્રકારના નિર્ણય સામે કેટલાક અંશે ટ્રમ્પના નિવેદનોને પણ જવાબદાર માની શકાય છે. ટ્રમ્પ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય અને ટ્રુડોને તેમના ગર્વનર જણાવી રહ્યા છે. જ્યારે ટ્રુડોએ ટ્રમ્પના આ દાવા સામે ક્યારે વાંધો ઉઠાવ્યો નથી. ટ્રમ્પે કેનેડાને સંરક્ષણ અને વેપાર માટે અમેરિકા પર વધુ પડતું નિર્ભર ગણાવીને આ ભાવનાને વેગ આપ્યો. આનાથી ટ્રુડોની લિબરલ પાર્ટીમાં તિરાડ પડી ગઈ. આ પછી ટ્રુડોએ રાજીનામું આપ્યું. ટ્રમ્પનો પ્રભાવ માત્ર રાજકીય જ નહીં પણ વ્યૂહાત્મક પણ છે. આના કારણે કેનેડિયન નેતાઓ યુએસ-કેનેડા સંબંધો પ્રત્યેના તેમના અભિગમ પર પુનર્વિચાર કરી રહ્યા છે. ટ્રુડોનું રાજીનામું આમાં એક વળાંક સાબિત થઈ શકે છે. એવી આશા છે કે, કેનેડાની આગામી સરકાર વધુ વ્યવહારિક અને રક્ષણાત્મક વલણ અપનાવશે.

આ પણ વાંચો: પગાર કરોડોમાં, લિમોઝીન કાર, વ્હાઈટ હાઉસ... અમેરિકાના પ્રમુખ તરીકે ટ્રમ્પને કઈ-કઈ સુવિધાઓ મળશે?

શું ભારત અને ચીન નજીક આવશે?

હાલના મહિનામાં જોઈએ તો ભારત અને ચીન વચ્ચેના તણાવમાં ઘટાડો થયો છે. બંને દેશો વાટાઘાટોના ટેબલ પર પાછા ફરી રહ્યા છે. જેને લઈને કેટલાક લોકોનું કહેવું છે કે, આનું કારણ રાષ્ટ્રપતિ પદ પર ટ્રમ્પની વાપસી પણ હોય શકે છે. એક રિપોર્ટ મુજબ, ટ્રમ્પની આક્રમક ટેરિફ અને રાજદ્વારી નીતિ અને અમેરિકાના વધુ પડતા તબાણથી બચવા માટે ચીનને ભારત સાથે તણાવ ઓછો કરવા પ્રેરિત કર્યો. ટ્રમ્પની વાપસીની અસર છે કે, હરીફો પોતાની રાજનીતિઓને પુનઃસંગઠિત કરી રહ્યા છે. જ્યારે ચીન ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા સામે સાવધાન છે. ટ્રમ્પના આગમનથી ચીન સાથે વેપાર યુદ્ધ અથવા લશ્કરી સ્પર્ધા વધી શકે છે. આને ધ્યાનમાં રાખીને ચીન તેના પ્રાદેશિક સંબંધો સુધારવા માટે ઉત્સુકતા બતાવી રહ્યું છે. તે જ સમયે ભારત તેને સરહદ વિવાદ ઉકેલવા અને આર્થિક વિકાસ અને ચીનના પ્રભાવને સંતુલિત કરવાના લાંબા ગાળાના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક તરીકે જોઈ રહ્યું છે.

ટ્રમ્પ આ ટાપુ ખરીદવામાં રસ ધરાવે

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ ચૂંટાવાની સાથે જ ગ્રીનલેન્ડ ફરી એક વખત હેડલાઈન્સમાં આવી ગયું છે. જ્યારે ટ્રમ્પ આ ટાપુ ખરીદવામાં રસ ધરાવે છે. ટ્રમ્પ ગ્રીનલેન્ડને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ જણાવી રહ્યા છે. તેને લઈને ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ગ્રીનલેન્ડ ખરીદવાની ઇચ્છાને લઈને તેમની મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ તેમના વિચારથી આર્કટિકના વ્યૂહાત્મક મહત્ત્વ તરફ ધ્યાન દોર્યું. ટ્રમ્પની સીધી સંડોવણી હજુ પણ અટકળો પર આધારિત છે, પરંતુ ગ્રીનલેન્ડ પર તેમનું નવું ધ્યાન આર્કટિકમાં પ્રભુત્વ સ્થાપિત કરવા માટે એક વ્યાપક યુએસ વ્યૂહરચનાનો સંકેત આપે છે.  જે આબોહવા પરિવર્તનના કારણે વણવપરાયેલ સંસાધનો અને નવા વ્યાપાર માર્ગો વાળા વિસ્તાર છે. 

આ પણ વાંચો: મહેલ જેવું ઘર, ગોલ્ફનો શોખ, ભારતમાં પણ રોકાણ: રૂ.64 હજાર કરોડના માલિક છે ડોનાલ્ડ ટ્રમ્પ

મીડિયા અહેવાલ મુજબ, ડેનમાર્કે ટ્રમ્પની ટીમ સાથે સંપર્ક કર્યો હતો. ડેનમાર્કે સુરક્ષામાં સુધારો કર્યા વિના કે ટાપુ પર નિયંત્રણ છોડ્યા વિના ગ્રીનલેન્ડમાં યુએસ લશ્કરી હાજરી વધારવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ડેનમાર્કનો ઉદ્દેશ્ય ગ્રીનલેન્ડની સાર્વભૌમત્વમાં કરાર કર્યા વગર અમેરિકી સુરક્ષા ચિંતાઓનું નિદાન કરવાનું છે. ટાપુની સ્વતંત્રતાની વાત ગ્રીનલેન્ડના વડાપ્રધાન મ્યુટ એગેડેએ પણ જણાવી. જેમાં તેમનું જોર આ ટાપુની સ્વતંત્રતા પર છે. 

શું અમેરિકા નાટોની સદસ્યતા છોડી દેશે?

નાટોને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીથી સભ્ય દેશોમાં ચિંતા ઊભી થઈ છે. ટ્રમ્પે કહ્યું કે, 'નાટોના સભ્યોએ પોતાની GDPના પાંચ ટકા રક્ષા માટે ફાળવવા જોઈએ.' જો કે, તે હાલ 2 ટકા છે. જ્યારે ટ્રમ્પના આવ્યા બાદ આ દિશા પર કોઈ હલચલ થઈ શકે છે. ટ્રમ્પ 'અમેરિકા ફર્સ્ટ'ના સમર્થનમાં છે. નાટોની સ્થાપના પશ્ચિમી દેશોએ બીજા વિશ્વ યુદ્ધ બાદ સોવિયત યુનિયન સાથે સ્પર્ધા કરવા માટે કરવામાં આવી હતી. જેમાં દુનિયાના 32 દેશો સભ્ય છે. જેમાં અમેરિકા નાટોનો સંસ્થાપક સભ્ય છે. ટ્રમ્પ શરૂઆતથી જ નાટો અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમનું માનવું છે કે, નાટોના કોઈપણ સભ્ય દેશ પર હુમલાની સ્થિતિમાં અમેરિકા તરફથી સંરક્ષણ નીતિનો યુરોપ ફાયદો ઉઠાવી રહ્યું છે. હવે સવાલ ઉઠી રહ્યો છે કે, શું અમેરિકા નાટોની સદસ્યતા છોડી દેશે?

આ પણ વાંચો: ટ્રમ્પની શપથવિધિ અગાઉ અમેરિકામાં કુદરતનો કેર, લોકોને ઘરોમાં જ રહેવા અપીલ

ટ્રમ્પના શપથ પહેલાથી છેલ્લા 15 મહિનાથી યુદ્ધમાં ફસાયેલા ઈઝરાયલ અને હમાસ હરકતમાં આવ્યું છે. જ્યારે હમાસ અને ઈઝરાયલે યુદ્ધ વિરામ કરાર લાગુ કરીને કેદીયોની અદલા-બદલી શરૂ કરી છે. જેથી આ વિસ્તારમાં શાંતિ આવવાની સંભાવના વધી રહી છે. આ કરારની ઘોષણા બાદ ટ્રમ્પે કહ્યું કે, 'મે 2024માં તેમણે કરાર માટે એક યોજના આપી હતી અને એજ ફ્રેમવર્કમાં કરાર થયો. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીતને કારણે જ આ વિશાળ કરાર શક્ય બન્યો છે. આ કરારથી સમગ્ર વિશ્વને સંકેત મળ્યો છે કે, મારી સરકાર વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. તે બધા અમેરિકન્સ અને અમેરિકાના સહયોગીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરારો પર ચર્ચા કરશે.'


Google NewsGoogle News