Get The App

ચૂંટણી : ટ્રમ્પનું દમદાર પરફોર્મન્સ, 'સુપર ટ્યુસડે'માં 8 રાજ્યોમાં સપાટો, ભારતવંશી ઉમેદવાર હાર્યા

નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બાયડેન સાથે સીધો મુકાબલો લગભગ નક્કી

15 રાજ્યોમાં પ્રાઈમરી ચૂંટણી યોજાઈ, જેમાં 8ના પરિણામ આવ્યા, ટ્રમ્પ દરેક જગ્યાએ જીતે તેવી શક્યતા

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
ચૂંટણી : ટ્રમ્પનું દમદાર પરફોર્મન્સ, 'સુપર ટ્યુસડે'માં 8 રાજ્યોમાં સપાટો, ભારતવંશી ઉમેદવાર હાર્યા 1 - image

 

US Presidential Election 2024 | અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપર ટ્યુસડે પ્રાઈમરી ચૂંટણીમાં જોરદાર જીત સાથે શરૂઆત કરી છે. અત્યાર સુધીના પરિણામોમાં ટ્રમ્પે આઠ રાજ્યોમાં જીત મેળવી છે. રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ટ્રમ્પની લોકપ્રિયતાને જોતા તેઓ સુપર ટ્યુસડેના રોજ આયોજિત 15 રાજ્યોની પ્રાથમિક ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરી શકે છે. આ સાથે નિક્કી હેલી રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ જશે અને નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટ્રમ્પનો સીધો મુકાબલો બાઈડન સાથે થઈ શકે છે. 

ટ્રમ્પ ક્યાં ક્યાં જીત્યાં? 

અમેરિકન મીડિયા અનુસાર ટ્રમ્પે અલબામા, અરકંસાસ, મેઈન, નોર્થ કેરોલિના, ઓક્લાહોમા, ટેનેસી, ટેક્સાસ અને વર્જિનિયામાં જીત મેળવી છે. પોતાની જીત પર ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર મતદારોનો આભાર પણ માન્યો હતો. પ્રાથમિક ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ 65 પોઈન્ટ સાથે આગળ છે. રાષ્ટ્રપતિ જો બાઈડન પણ ટ્રમ્પથી બે પોઈન્ટ પાછળ છે. એવું મનાય છે કે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઈડનનો સીધો મુકાબલો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગભગ નિશ્ચિત છે.

રાષ્ટ્રપતિ પદની દાવેદારીમાં ટ્રમ્પની જીત લગભગ નિશ્ચિત 

સુપર ટ્યુઝડે એટલે કે 5 માર્ચે અમેરિકાના 15 રાજ્યોમાં એક સાથે રિપબ્લિકન પ્રાથમિક ચૂંટણીઓ યોજાઈ હતી. મંગળવારે જે રાજ્યોમાં મતદાન થયું તેમાં કેલિફોર્નિયા, ટેક્સાસ, નોર્થ કેરોલિના, ટેનેસી, અલબામા, વર્જિનિયા, ઓક્લાહોમા, અરકંસાસ, મેસેચ્યુસેટ્સ, ઉટાહ, મિનેસોટા, કોલોરાડો, મેઈન અને વર્મોન્ટનો સમાવેશ થાય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની બિડ જીતવા માટે 1215 ડેલિગેટ્સનું સમર્થન જરૂરી છે. સુપર ટ્યુઝડેના પરિણામો પહેલા જ ટ્રમ્પને 244 ડેલિગેટ્સનું સમર્થન હતું. હવે, જો ટ્રમ્પ 15 રાજ્યોમાં ક્લીન સ્વીપ કરે છે, તો ટ્રમ્પ ચોક્કસપણે રાષ્ટ્રપતિની બિડ જીતવાની નજીક આવશે.

નિક્કી હેલીની મુશ્કેલીઓ વધી ગઈ

નિક્કી હેલીએ ગયા શનિવારે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં પ્રાથમિક ચૂંટણી જીતી હતી અને પ્રાથમિક ચૂંટણી જીતનાર અમેરિકન ઇતિહાસમાં પ્રથમ રિપબ્લિકન મહિલા બની ગયા હતા. તે પ્રાથમિક ચૂંટણી જીતનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા પણ છે. જો કે, સુપર ટ્યુઝડેના પરિણામો પરથી એવું લાગે છે કે નિક્કી હેલી રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ શકે છે કારણ કે તે ટ્રમ્પથી ઘણા પાછળ રહી ગયા છે.



Google NewsGoogle News