રાષ્ટ્રપ્રમુખ બનતા જ વધી ટ્રમ્પની મુશ્કેલી, ઈલોન મસ્ક પર પણ સંકટના વાદળ!
Donald Trump-Elon Musk: અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શપથ ગ્રહણની થોડી જ મિનિટો બાદ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકન ફેડરેશન ઑફ ગવર્નમેન્ટ એમ્પલોઇઝ (AFGE) અને નૉન પ્રોફિટ પબ્લિક સિટિઝને ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિએન્સી (DOGE) યોજનાને લઈને ટ્રમ્પની સામે કેસ કર્યો છે. નોંધનીય છે કે, DOGE નું નેતૃત્વ ઈલોન મસ્ક કરી રહ્યા છે, જેનો હેતુ સરકારી ખર્ચમાં કાપ મૂકવાનો છે.
કોર્ટને કરી અપીલ
ટ્રમ્પ પ્રશાસન તરફથી પ્રસ્તાવિત DOGE યોજનાનો હેતુ સરકારી ખર્ચમાં 2 ટ્રિલિયન ડોલરનો કાપ મૂકવાનો છે. આ યોજનાએ સરકારી કર્મચરીઓમાં નોકરી ગુમાવવાના ડરને જન્મ આપ્યો છે. AFGE નું કહેવું છે કે, DOGE યોજના સંઘીય નિયમોનું પાલન નથી કરી રહી, જેથી કોર્ટને અપીલ કરી છે કે, DOGE ને સલાહકાર સમિતિની જેમ કામ કરવાથી રોકવામાં આવે. જ્યાં સુધી તે જરૂરી નિયમોનું પાલન નથી કરતી.
આ પણ વાંચોઃ USમાં ટ્રમ્પનું આગમન: બિટકોઇન ચમકશે, શેરબજાર અટવાશે, જુઓ બ્રોકરેજ સંસ્થાઓનો અંદાજ
ઈલોન મસ્કની ભૂમિકા
ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિએન્સીની જવાબદારી બિઝનેસમેન ઈલોન મસ્કને સોંપવામાં આવી છે. મસ્કની ભૂમિકાને લઈને ચિંતા છે કે, તેમની યોજના સરકારી કર્મચારીઓની નોકરી અને તેમના હિતો પર ખોટો પ્રભાવ પાડી શકે છે. AFGE એ તેના પર વાંધો ઉઠાવતા કહ્યું કે, આ યોજના હેઠળ મૂકવામાં આવેલાં કાપ કર્મચારીઓની નોકરી માટે જોખમ બની શકે છે.
આ પણ વાંચોઃ ...તો તમે ખુશ નહીં રહો શકો: અમેરિકાની સત્તા સંભાળતા જ ટ્રમ્પની બ્રિક્સ દેશોને ધમકી
ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ તરીકે કર્યાં શપથ ગ્રહણ
શપથ ગ્રહણ બાદ પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીને 'લિબરેશન ડે' ગણાવ્યો અને કહ્યું કે, અમેરિકાનો 'સ્વર્ણ યુગ' શરૂ થઈ ગયો છે. ટ્રમ્પે પોતાના પ્રાથમિક એજન્ડા 'અમેરિકા ફર્સ્ટ' પર ભાર મૂકતા કહ્યું કે, અમે દેશને સુરક્ષિત, વાજબી અને ઊર્જાના ક્ષેત્રે અગ્રણી બનાવવા માટે સાહસિક પગલાં લઇશું. આ સાથે જ તેઓએ બાઇડેન તંત્રની નીતિ બદલવા અને સુરક્ષા સીમાને મજબૂત કરવા માટે અનેક કાર્યકારી આદેશોની પણ જાહેરાત કરી.