રાષ્ટ્રપતિ બનતાની સાથે જ અમેરિકાની બોર્ડરો સીલ કરીશ, જેલમાં પૂરાયેલા લોકોને આઝાદ કરીશઃ ટ્રમ્પ

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
રાષ્ટ્રપતિ બનતાની સાથે જ અમેરિકાની બોર્ડરો સીલ કરીશ, જેલમાં પૂરાયેલા લોકોને આઝાદ કરીશઃ ટ્રમ્પ 1 - image


Image Source: Twitter

વોશિંગ્ટન, તા. 12 માર્ચ 2024

અમેરિકામાં રાષ્ટ્રપતિની નવેમ્બર મહિનામાં થનારી ચૂંટણીમાં ઝુકાવનારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘૂસણખોરોના મુદ્દાને જોર શોરથી ચગાવી રહ્યા છે.

હવે તેમણે એલાન કર્યુ છે કે, રાષ્ટ્રપતિ બનતાની સાથે જ પહેલુ કામ અમેરિકાની બોર્ડરો સીલ કરવાનુ કરીશ અને 2021માં અમેરિકાની સંસદ કેપિટલ હિલ પર થયેલા હુમલાના આરોપમાં જેલમાં પૂરાયેલા મારા સમર્થકોને મુકત કરાવીશ.

એક તરફ અમેરિકાની બોર્ડરો પરથી રોજ હજારો ઘૂસણખોરો અમેરિકામાં બેરોકટોક પ્રવેશી રહ્યા હોવાનો અને બાઈડન સરકાર આંખ આડા કાન કરી રહી હોવાનો આરોપ મુકાઈ રહયો છે ત્યારે ટ્રમ્પને ચૂંટણી માટે એક મોટો મુદ્દો મળી ગયો છે.

તેઓ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ તેમણે ઘૂસણખોરો પર લગામ કસવાની વાત કરી હતી અને મેકિસકો બોર્ડર પર દિવાલ બનાવવાની પણ જાહેરાત કરી હતી.

જોકે ટ્રમ્પ ગત ચૂંટણીમાં હારી ગયા એ પછી તેમના સમર્થકોએ અમેરિકન સંસદમાં ઘુસીને ઉત્પાત મચાવ્યો હતો. જેના પગલે 1100 લોકો સામે પોલીસે કેસ કર્યા હતા. સાથે સાથે રાજદ્રોહનો પણ આરોપ આ લોકો પર લગાવાયો હતો.

આ વખતે ફરી ટ્રમ્પ અને બાઈડન આમને સામને છે પણ ઘૂસણખોરીનો મુદ્દો આ ચૂંટણીમાં પણ હાવી રહેશે તેમ લાગી રહ્યુ છે. ટ્રમ્પે એટલે જ વાયદો કર્યો છે કે, રાષ્ટ્રપતિ બનતાની સાથે જ હું અમેરિકાની બોર્ડરો સીલ કરીશ.


Google NewsGoogle News