Get The App

અમેરિકામાંથી પ્રિન્સ હેરીની હકાલપટ્ટી નહીં કરું, તે પહેલેથી મુશ્કેલીમાં છે, તેની પત્ની ટેરિબલ છે: ટ્રમ્પના નિવેદનથી વિવાદ

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
અમેરિકામાંથી પ્રિન્સ હેરીની હકાલપટ્ટી નહીં કરું, તે પહેલેથી મુશ્કેલીમાં છે, તેની પત્ની ટેરિબલ છે: ટ્રમ્પના નિવેદનથી વિવાદ 1 - image


Donald Trump And Prince Harry : ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલા લોકોને શોધી-શોધીને ઘરભેગા કરવા માંડ્યા છે. એવામાં અમેરિકામાં રહેતા પૂર્વ બ્રિટિશ કુંવર પ્રિન્સ હેરીના વિઝા સ્ટેટસનો પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાની ‘ધ હેરિટેજ ફાઉન્ડેશન’ નામની એક રૂઢિચુસ્ત થિંક ટેન્કે તાજેતરમાં પ્રિન્સ હેરીની વિઝા અરજી પર સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે, સ્વેચ્છાએ બ્રિટન છોડીને અમેરિકામાં વસી ગયેલા પ્રિન્સ હેરીએ તેમના સંસ્મરણાત્મક પુસ્તક ‘સ્પેર’માં ગેરકાયદે રીતે ડ્રગ્સનું સેવન કર્યાની કબૂલાત કરી છે. અમેરિકા આવ્યા ત્યારે તેમણે આ વાત છુપાવી હતી. તેથી તેમની સામે કડક પગલાં લેવા જોઈએ, તેમનો પણ દેશનિકાલ કરવો જોઈએ. ‘ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી’ (DHS) પર પ્રિન્સ હેરીના ઇમિગ્રેશન સ્ટેટસની સમીક્ષા કરવા માટે દબાણ ઊભું કરવામાં આવ્યું છે. આ બાબત હાલ ન્યાયિક વિચારણા હેઠળ છે.

આ મુદ્દે ટ્રમ્પે શું કહ્યું?

પ્રિન્સ હેરીના ઇમિગ્રેશન સ્ટેટસને લગતા કાયદાકીય પડકારો અને પ્રશ્નો બાબતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું હતું કે, ‘સસેક્સના પૂર્વ ડ્યુકને દેશનિકાલ કરવાની મારી કોઈ યોજના નથી. હેરીને ઓલરેડી તેની પત્ની જેવી ઘણી સમસ્યાઓ છે! તેની પત્ની મેગન મર્કલ ટેરિબલ (ભયાનક) છે!’ 

અગાઉ પણ આ બંનેને આડે હાથ લીધા હતા 

આ કંઈ પહેલીવારનું નથી જ્યારે ટ્રમ્પે હેરી અને મેગનની ટીકા કરી હોય. તેમણે અગાઉ પણ આ દંપતીને આડે હાથે લીધા હતા. ભૂતકાળમાં તેમણે આ દંપતી પર એવો આરોપ મૂક્યો હતો કે તેઓ જો બાઈડનના વહીવટીતંત્ર સાથે સારાસારી રાખીને પોતાના લાભના કામ કરાવી લે છે. પ્રિન્સ હેરીની મજાક ઉડાવતા ટ્રમ્પ એવું પણ કહી ચૂક્યા છે કે, ‘બિચારા હેરીને મેગન આંગળીઓ પર નચાવે છે. હેરી તો મેગન કહે એટલું જ કરે છે.’

મેગન પણ ટ્રમ્પના કડક ટીકાકાર છે

લગભગ આખું બ્રિટિશ ખાનદાન ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતું રહ્યું છે, અને મેગન પણ એમાંથી બાકાત નથી. 2016 ની પ્રમુખપદની ચૂંટણી અગાઉ મેગને ટ્રમ્પને ‘વિભાજનકારી’ (divisive) અને ‘નારી-દ્વેષી’ (misogynist) કહ્યા હતા. તેથી ટ્રમ્પ પણ તક મળ્યે બદલો લેતાં હોય એમ હેરી અને મેગનની ટીકા કર્યે રાખે છે.

આ પણ વાંચો : બ્રિટિશ રાજકુમાર હેરીની પણ અમેરિકામાંથી થશે હકાલપટ્ટી? ટ્રમ્પે ખોલાવી વર્ષો જૂની ફાઇલ

દંપતી રાજવી દરજ્જો ત્યાગીને અમેરિકામાં સ્થાયી 

ઉલ્લેખનીય છે કે, સસેક્સના પૂર્વ ડ્યુક પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કલે જાન્યુઆરી, 2020માં બ્રિટિશ શાહી પરિવારનો દરજ્જો ત્યજી દીધો હતો. આ માટે તેમણે શાહી પરિવારના કાર્યકારી હોદ્દા પણ છોડી દીધા હતા. ત્યાર પછી આ દંપતી મેગનના વતન એવા કેલિફોર્નિયામાં સ્થાયી થઈ ગયું હતું. અહીં તેઓ એક સ્વૈચ્છિક સંસ્થામાં વ્યસ્ત છે.     

હકીકત કે પુસ્તક વેચવા માટેનો પેંતરો?

39 વર્ષના પ્રિન્સ હેરીએ 2023માં પ્રકાશિત તેમના સંસ્મરણાત્મક પુસ્તક ‘સ્પેર’માં કોકેઇન, ગાંજો અને સાયકાડેલિક મશરૂમ જેવા નશાકારક પદાર્થોનું સેવન કર્યું હોવાનું સ્વીકાર્યું છે. અલબત્ત, ચર્ચા એવીય છે કે પુસ્તક ચપોચપ વેચાય એ માટે રાજકુમારે પુસ્તકમાં આવા ગપ્પાં માર્યા છે. સાચું-ખોટું જે હોય તે, હકીકત એ છે કે પ્રિન્સ હેરીનું એ પુસ્તક ધૂમ વેચાય છે.

આ પણ વાંચો : નેતન્યાહુની ધરપકડનો આદેશ આપનાર આઈસીસી પર ટ્રમ્પે નિયંત્રણો મુક્યા


Google NewsGoogle News