'ગ્રીન કાર્ડ કન્ટ્રી કેપ' દૂર કરાય તો અમેરિકા જવા માંગતા ભારતીયોને શું ફાયદો થાય? જાણો નિયમો
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીથી કાર્યભાર સંભાળ્યો, પણ એ પહેલાં વિદાય લેતા રાષ્ટ્રપતિ જો બાઇડન અમુક મોટા ફેરફારો કરી ગયા છે. તે પૈકીનો એક છે, H-1B વિઝા સંબંધિત નિયમ. નવા નિયમોથી અમેરિકા જવા માંગતા ભારતીયોને ઘણો ફાયદો થાય એમ છે, ત્યારે વિઝા સંબંધિત બીજો એક નિયમ ‘ગ્રીન કાર્ડ કન્ટ્રી કેપ’ દૂર કરવાના વાવડ પણ આવ્યા છે. એ નિયમ પણ દૂર થયો તો ભારતીયોને વધુ ફાયદો થઈ શકે એમ છે.
શું છે ‘ગ્રીન કાર્ડ કન્ટ્રી કેપ’ નિયમ?
ફક્ત ભારત જ નહીં દુનિયાના તમામ દેશના લોકો અમેરિકા જઈને કાયમ માટે ત્યાં જ વસી જવા માંગતા હોય છે. તેથી અમેરિકાએ પ્રત્યેક દેશમાંથી આવેલા નાગરિકોને ગ્રીન કાર્ડ આપવા પર મર્યાદા રાખી છે. આ મર્યાદા છે 7 ટકાની. મતલબ કે એક વર્ષમાં જેટલા ગ્રીન કાર્ડ વિદેશીઓ માટે ઉપલબ્ધ રખાયા હોય એમાંના ફક્ત 7 ટકા ગ્રીન કાર્ડ જ કોઈપણ દેશના અરજદારોને ફાળવી શકાય છે.
ગ્રીન કાર્ડના ફાયદા શું છે?
ગ્રીન કાર્ડ એટલે અમેરિકાનો કાયમી નિવાસી કાર્ડ. આ એક ઓળખ પત્ર છે જે કોઈ વ્યક્તિને અમેરિકામાં કાયમી રૂપે રહેવા અને કામ કરવાનો અધિકાર આપે છે. ગ્રીન કાર્ડ ધરાવનાર વ્યક્તિને અમેરિકન નાગરિકોને મળે છે એવા અધિકારો મળે છે. અલબત્ત, ગ્રીન કાર્ડધારકને અમેરિકન નાગરિકોની જેમ તમામ અધિકારો નથી મળતા.
આ કારણસર ‘ગ્રીન કાર્ડ કન્ટ્રી કેપ’ નિયમ રાખવામાં આવ્યો છે
અમેરિકામાં સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે અને કોઈ એક જ દેશના નાગરિકોની સંખ્યા અમેરિકામાં એક હદથી વધારે ન થઈ જાય, એ માટે ‘ગ્રીન કાર્ડ કન્ટ્રી કેપ’નો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
નિયમના ફાયદા કોને અને નુકસાન કોને?
જે દેશની વસ્તી ઓછી છે એવા દેશને ‘ગ્રીન કાર્ડ કન્ટ્રી કેપ’ નિયમનો ફાયદો મળે છે. ઓછી વસ્તી ધરાવતા દેશમાંથી અમેરિકા ગયેલા લોકોની સંખ્યા પણ પ્રમાણમાં ઓછી હોવાથી 7 ટકાના ક્વૉટાનો લાભ એ સૌને સરળતાથી મળે છે. જ્યારે ભારત અને ચીન જેવા વસ્તીથી ફાટફાટ થતાં દેશોમાંથી દર વર્ષે અમેરિકા જતાં લોકોની સંખ્યા હજારોમાં હોય છે તેથી 7 ટકા ક્વૉટા તેમને ઓછો પડે છે. આ નિયમને લીધે ઘણાં ભારતીયો અને ચીનીઓ અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાથી વંચિત રહી જાય છે.
‘ગ્રીન કાર્ડ કન્ટ્રી કેપ’ હટાવવાની માંગ લાંબા સમયથી છે
ભારતના યુવાનો ટૅક્નોલૉજી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં અગ્રેસર છે. ખાસ કરીને આઇ.ટી. ક્ષેત્રના કુશળ વ્યવસાયિકોની અમેરિકામાં ખૂબ માંગ છે. તેથી એવા યુવાનોને H-1B વિઝા પર અમેરિકામાં પ્રવેશ તો મળી જાય છે, પણ તેમની સંખ્યા હજારો-લાખોમાં હોવાથી તેમને ગ્રીન કાર્ડ મેળવવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે. ઘણાંને તો દસ વર્ષે પણ ગ્રીન કાર્ડ નથી મળતાં. ‘ગ્રીન કાર્ડ’ મેળવવા માટેનો બેકલોગ માત્ર અરજદારોને જ અસર કરતું નથી, પરંતુ તેમના પરિવારોને પણ અસર કરે છે, જેમણે વિઝાની મર્યાદાઓને કારણે ઘણીવાર લાંબા સમય સુધી અલગ રહેવું પડે છે, જેને લીધે ઘણાં ઉચ્ચ કુશળ વ્યાવસાયિકો હતાશ થઈ જાય છે ! એનાથી ઉલટું, ઓછી વસ્તી ધરાવતાં દેશોના અરજદારોને (તેઓ ભારતીયો જેટલા કુશળ ન હોવા છતાં સ્પર્ધાને અભાવે) ગ્રીન કાર્ડ મેળવવા માટે લાંબા સમયની રાહ જોવી પડતી નથી. તેથી અમેરિકામાં ‘ગ્રીન કાર્ડ કન્ટ્રી કેપ’ નિયમ નાબુદ કરીને દેશદીઠ મર્યાદા હટાવીને અરજદારની લાયકાતને આધારે ગ્રીન કાર્ડ આપવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે.
ફક્ત અરજદારો જ નહીં અમેરિકન કંપનીઓને પણ ફાયદો થાય
‘ગ્રીન કાર્ડ કન્ટ્રી કેપ’ હટાવવાથી વધુ માત્રામાં ભારતીયોને અમેરિકામાં કાયમી રહેવાનો પરવાનો મળે, તો તેઓ જે કંપનીમાં કામ કરતાં હોય તેને પણ કુશળ કર્મચારીઓ કાયમી ધોરણે મળે. ટૂંકમાં ગ્રીન કાર્ડ પણ દરેક દેશના ઉમેદવારોને મેરિટ પ્રમાણે જ મળવા જોઈએ. અમુક દેશનો ક્વૉટા પૂરો કરવા ગ્રીન કાર્ડ આપી દેવાતા પ્રમાણમાં થોડા ઓછા કુશળ ઉમેદવારો પણ અમેરિકાના નાગરિકો બની જાય છે, જેના કારણે અમેરિકાના અર્થતંત્રને નકારાત્મક અસર થાય છે. આમ, ‘ગ્રીન કાર્ડ કન્ટ્રી કેપ’ હટાવવાથી ભારત અને અમેરિકા બંને માટે ‘વિન-વિન સિચ્યુએશન’ સર્જાય એમ છે.
ભારતીય-અમેરિકન દિગ્ગજો પણ આવો જ મત ધરાવે છે
અમેરિકામાં રહીને અબજોપતિ થયેલા ધનિકો પણ ‘દેશ-વિશિષ્ટ ક્વૉટા’ કરતાં મેરિટને પ્રાધાન્ય આપતો ઇમિગ્રેશન સુધારો કરવાના મજબૂત હિમાયતી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને સોફ્ટવેર એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ માંગવાળા ક્ષેત્રોમાં યોગદાન આપી શકે એવી વૈશ્વિક પ્રતિભાને અમેરિકા તરફ આકર્ષિત કરવા અને પછી જાળવી રાખવા માટે આ ફેરફાર જરૂરી હોવાનું તેઓ ભારપૂર્વક કહેતા આવ્યા છે. આમ કરવાથી અમેરિકા અને ભારત વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોમાં વધારો થશે.
આ મુદ્દે આવા પડકારો પણ છે
‘ગ્રીન કાર્ડ કન્ટ્રી કેપ’ હટાવવાના સ્પષ્ટ ફાયદાઓ હોવા છતાં આ પ્રસ્તાવ બાબતે ટીકાઓ પણ થઈ રહી છે. મુખ્ય ચિંતા છે અમેરિકાના જોબ માર્કેટમાં સ્પર્ધામાં વધારો થવાની સંભાવનાની. ટીકાકારો દલીલ કરે છે કે કેપ દૂર કરવાથી અમેરિકનોને ગેરલાભ થશે, કારણ કે કંપનીઓ ઓછા પગારે કામ કરતાં વિદેશી વ્યવસાયિકોને પ્રાધાન્ય આપશે. આગામી દિવસોમાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ મુદ્દે શો નિર્ણય લે છે, એના પર સૌની નજર રહેશે.