ટ્રમ્પના ટેરિફ વૉરમાં રાહતના સંકેત! ભારતને કેનેડા-મેક્સિકો-ચીન નહીં પણ અલગ કેટેગરીમાં રખાશે
USA-India Trade Talk: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરમાં ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકા કથિત રૂપે ભારતને ચીન, મેક્સિકો અને કેનેડા સાથે નહીં જોડે, ભારતને અલગ ટેરિફ કેટેગરીમાં રાખવાનો સંકેત આપ્યો છે. જેથી ભારત પર ચીન, કેનેડા અને મેક્સિકોની જેમ 25 ટકા ટેરિફ લાગુ થશે નહીં.
ટ્રમ્પ ટેરિફ મુદ્દે સતત પોતાનું વલણ બદલતાં જોવા મળ્યા છે. પહેલાં બીજી એપ્રિલે રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી બાદમાં આ દિવસે અમેરિકાનો લિબરેશન ડે હોવાથી બાદમાં લાગુ કરવાના સંકેતો આપ્યા હતાં. બીજી તરફ ભારતને ટેરિફમાં રાહત આપવા વ્યાપાર ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં ભારતને સફળતા મળવાની શક્યતા છે.
ભારત-અમેરિકાની વ્યાપારિક વાર્તા યોગ્ય ટ્રેક પર
મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતના ટ્રેડ ઑફિસર્સે દિલ્હીમાં જણાવ્યું હતું કે, અમેરિકા કથિત રૂપે ભારતને ચીન, કેનેડા અને મેક્સિકો સાથે જોડશે નહીં. તેમજ નવું ટેરિફ સ્ટ્રક્ચર તૈયાર કરશે. ઊંચી માગ ધરાવતા પ્રોડ્ક્ટસ પર ટેરિફ ઘટાડવામાં આશે. જેનાથી ભારતના અમુક સેક્ટર્સમાં મોટી રાહત મળી શકે છે. આ વ્યાપાર વાર્તા ત્રણ દિવસની અંદર નવી ડીલની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપશે.
ભારત ટેરિફ ઘટાડવા તૈયાર
કેન્દ્ર સરકારે અગાઉ જ સંકેતો આપી દીધા હતા કે, તે અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડવા માટે તૈયાર છે. જેમાં ઈવી, ઓટોમોબાઇલ, બાઇક અને વાઇન-આલ્કોહોલ ઉપરાંત અમુક એગ્રો પ્રોડ્ક્ટસ સામેલ છે.
આ પણ વાંચોઃ અમેરિકાએ ભારતની 2000 વિઝા ઍપોઇન્ટમેન્ટ રદ કરી, જાણો તેની પાછળનું કારણ
ચીન પર ટેરિફ વધાર્યો
ટ્રમ્પે ટેરિફ વૉરની જાહેરાત સાથે ચીન પર 10 ટકા ટેરિફ લાદ્યો હતો. બાદમાં તેમાં વધારો કરી 20 ટકા કર્યો હતો. 1 ફેબ્રુઆરીએ કેનેડા અને મેક્સિકો પર પણ 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ આ ત્રણેય દેશો પર ગેરકાયદે ઇમિગ્રેશન, કરન્સી હેરફેર ઉપરાંત અનેક પ્રકારની સુરક્ષા ચિંતાઓ વ્યક્ત કરતાં ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
દ્વિપક્ષીય વેપાર વધારવાનો લક્ષ્યાંક
નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એપ્રિલ, 2025માં અમેરિકા પ્રવાસે જવાના છે. જેમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપાર સંબંધો વધુ ગાઢ બને તેવી સંભાવનાઓ છે. અગાઉ 13 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરી બંને દેશો વચ્ચે વેપાર સંબંધ 2030 સુધી 200 અબજ ડૉલરથી વધારી 500 અબજ ડૉલરનો કરવાનો લક્ષ્યાંક મૂક્યો હતો.