ટ્રમ્પ અમેરિકાના ગેરકાયદે પ્રવાસીઓને ભારત પાછા મોકલશે? PM મોદી સાથે વાતચીત બાદ કર્યો ખુલાસો
India-US On Illegal Immigrants: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 27 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત લેશે. આ નિવેદન પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે પ્રથમ ટેલિફોનિક વાતચીત પછી આવ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર ટ્રમ્પે કહ્યું કે, 'પીએમ મોદી ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત લેશે.' આ વાતચીત એવા સમયે થઈ જ્યારે બંને દેશોના રાજદ્વારી વર્તુળોમાં ચર્ચા ચાલી રહી હતી કે ભારત અને અમેરિકા વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ટ્રમ્પની પીએમ મોદી સાથે ઇમિગ્રેશન અંગે પણ ચર્ચા
ટેલિફોનિક વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, 'મેં પીએમ મોદી સાથે ઇમિગ્રેશન અંગે પણ ચર્ચા કરી અને આશા વ્યક્ત કરી કે ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત લેવા માટે યોગ્ય પગલાં લેશે.' આ મુદ્દો ટ્રમ્પની ઝુંબેશનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો, જેણે તેમને ડેમોક્રેટિક નેતા જો બાઇડન સામે હાર્યા પછી વ્હાઇટ હાઉસમાં પાછા ફરવામાં મદદ કરી હતી.
અમેરિકાની ઇમિગ્રેશન નીતિ
કોલંબિયા સરકાર દ્વારા 26 જાન્યુઆરીએ બગોટા ઍરપૉર્ટ પર બે યુએસ લશ્કરી વિમાનોને ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આને લઈને બંને દેશો વચ્ચે વિવાદ ઊભો થયો, જે બાદ અમેરિકાએ કોલંબિયા પર 25% ટેરિફ લાદવાનો આદેશ જારી કર્યો અને સરકારી અધિકારીઓની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો. જો કે, બાદમાં કોલંબિયન સરકારે અમેરિકાની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતાં તરત જ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને બાદમાં પ્લેનને લેન્ડ કરવાની મંજૂરી આપી હતી.
જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ પદના શપથ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને તેમના દેશમાં પાછા મોકલવાની વાત કરી હતી અને બાદમાં તેમણે આ સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ કર્યા હતા. ઇમિગ્રેશનના આ મુદ્દે પીએમ મોદી સાથેની વાતચીતમાં તેમણે આ વાતનો સમાવેશ કર્યો અને કહ્યું કે ભારત આ વિષય પર જે પણ કરશે તે યોગ્ય રહેશે.