મંગળ ગ્રહ પર ઝંડો લહેરાવવાની વાત કરી ડોનાલ્ડ ટ્રમ્પે: ઇલોન મસ્કની ખુશીનો પાર ન રહ્યો
Donald Trump on Mars Mission: ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે રાતે પ્રેસિડન્ટ તરીકે શપથ લીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા પ્રેસિડન્ટ બન્યા છે. તેઓ બીજી વાર વ્હાઇટ હાઉસમાં પ્રેસિડન્ટ તરીકે આવ્યા છે. જોકે તેમનો કાર્યકાળ સતત બે વખત નથી રહ્યો. આ પહેલાં જો બાઇડન દ્વારા અમેરિકાનું રાષ્ટ્રપતિ પદ સંભાળવામાં આવ્યું હતું.
સ્પીચની હાઇલાઇટ્સ
ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ દરમિયાન તેમણે અમેરિકાના ભવિષ્ય વિશે વાતો કરી હતી. તેમણે એ વાતની ખાતરી આપી હતી કે આ અમેરિકા માટે ગોલ્ડન પિરિયડ છે. એમાં અન્ય દેશો પર લગાવવામાં આવતા ટેરિફની સાથે તેમની ફોરેન પોલિસી અને ઇમિગ્રેશનથી લઈને સરહદ પર દીવાલ બાંધવા જેવી દરેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ વોર 3 ન થાય એ માટેનું ધ્યાન રાખવાની સાથે જ મંગળ ગ્રહ વિશે પણ વાત કરી હતી. તેમની આ વાતને લઈને ઇલોન મસ્કની ખુશીનો પાર નહોતો રહ્યો. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના પહેલાની સરકારની ટીકા પણ કરવામાં આવી હતી. એ પાર્ટી દ્વારા જે રીતે નેશનલ અને ઇન્ટરનેશનલ ઇશ્યુને સંભાળવામાં આવ્યા હતા એ ખૂબ જ નિંદનીય હતા.
મંગળ ગ્રહ પર અમેરિકાનો ઝંડો
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમની સ્પીચમાં એક વાતને ખૂબ જ જોર આપવામાં આવ્યું હતું અને એ છે સ્પેસ એક્સપ્લોરેશન. તેમણે એ વાતની ખાતરી આપી છે કે અમેરિકાના અવકાશયાત્રીઓ સ્પેસ એક્સપ્લોરેશન કરશે અને મંગળ ગ્રહ પર સ્ટાર્સ અને સ્ટ્રાઇપ્સ(અમેરિકાનો ઝંડો)ને ચમકાવશે. આ સિદ્ધિ મેળવવા માટે નાસા અને સ્પેસએક્સ બન્ને સાથે મળીને કામ કરશે. આ માટે ઇલોન મસ્ક પણ જોઈએ એટલી મદદ કરશે.
ઇલોન મસ્કનો પ્રતિસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મંગળ ગ્રહને હવે એક્સપ્લોર કરવો જોઈએ એ વિશે ઇલોન મસ્ક ઘણાં સમયથી ચર્ચા કરી રહ્યો છે. આથી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જ્યારે આ વાત કરવામાં આવી ત્યારે સૌથી ખુશ ઇલોન મસ્ક જોવા મળ્યો હતો. તેના ચહેરા પર ખુશી આવી ગઈ હતી અને તે બન્ને હાથ વડે થમ્સ-અપ કરી ચિયર કરતો જોવા મળ્યો હતો. તેના આ રિએક્શનો નાનકડો વીડિયો પણ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કૅપ્શન આપી હતી કે ‘અમેરિકા હવે મંગળ ગ્રહ પર જઈ રહ્યું છે.’
આ પણ વાંચો: રિસાયક્લિંગમાં નવી ટૅક્નોલૉજીની શોધ: પ્લાસ્ટિકના કચરામાંથી બનાવવામાં આવ્યો સાબુ
અન્ય પોલિસી
મંગળ ગ્રહની વાત કરવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અન્ય પોલિસી વિશે પણ વાત કરવામાં આવી હતી. તેમણે સાઉથની બોર્ડર પર નેશનલ ઇમરજન્સી જાહેર કરી છે. ગેરકાયદે ઘૂસી આવતાં લોકોને અટકાવવા માટે ત્યાં આર્મીને મોકલવામાં આવી છે. આ સાથે જ તેમણે એક ઑર્ડર પાસ કર્યો છે જેમાં સેન્સરશિપને અટકાવી દેવામાં આવી છે અને અમેરિકામાં ફરી ફ્રી સ્પીચનો અમલ કરવામાં આવશે એની બાંહેધારી આપી છે.