ટ્રમ્પના આદેશથી અદાણી જૂથને રાહત: વિદેશમાં લાંચ-રુશ્વત વિરોધી કાયદો ખતમ
Trump Removes FCPA: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પહેલાં જ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ ઍક્ટ નાબૂદ કરી દીધો છે. આ નિર્ણય દૂર થતાં ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં મૂકાયેલા આરોપો દૂર થવાની આશા વધી છે. આ કાયદા હેઠળ અમેરિકામાં બિઝનેસ માટે વિદેશી અધિકારીઓને લાંચ આપવી ગુનો છે.
ટ્રમ્પે એફસીપીએને નાબૂદ કરતાં આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે જણાવ્યું હતું કે, આ કાયદો કંપનીઓ માટે વૈશ્વિક સ્તરે નુકસાનકારક છે. તેમજ તેમણે એટર્ની જનરલને એફસીપીએ અંતર્ગત કાર્યવાહીઓ તાત્કાલિક ધોરણે બંધ કરવા નિર્દેશ આપ્યો છે.
અદાણીના શેરમાં તેજી
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી અદાણી ગ્રૂપના શેરોમાં તેજી આવી છે. અદાણી ગ્રૂપના શેર 5 ટકા સુધી ઉછળ્યા હતા. ઉલ્લેખનીય છે, ગૌતમ અદાણીની અદાણી ગ્રીન એનર્જી અમેરિકામાં એફસીપીએ હેઠળ કાર્યવાહીનો સામનો કરી રહી છે. જેમાં આરોપ મૂકાયો છે કે, તેમણે નવા પ્રોજેક્ટ મેળવવા માટે ભારતના અધિકારીઓને 2100 કરોડની લાંચ આપી હતી. જો કે, આ આરોપોને અદાણી ગ્રૂપ અને ગૌતમ અદાણી સતત નકારી રહ્યા છે.
આ પણ વાંચોઃ પેપર સ્ટ્રોની જગ્યાએ પ્લાસ્ટિક સ્ટ્રો, ટ્રમ્પના અજીબોગરીબ આદેશનો રોચક ઈતિહાસ
શું છે FCPA?
ફોરેન કરપ્ટ પ્રેક્ટિસિસ ઍક્ટ અંતર્ગત અમેરિકામાં કાર્યરત કંપની કે બિઝનેસમેન દ્વારા વિદેશોમાં બિઝનેસ હાંસલ કરવા માટે વિદેશી અધિકારીઓને લાંચ કે ભેટ આપવી ગુનો બને છે. ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં જ આ કાયદો દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'આ કાયદાના લીધે કોઈપણ વેપારી કે બિઝનેસમેન અમેરિકા સાથે બિઝનેસ કરવા માગતો નથી. જે અમેરિકાના અર્થતંત્ર માટે નુકસાનકારક છે.' ફેક્ટ શીટ અનુસાર, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અમેરિકા અને તેની કંપનીઓ દ્વારા વિશ્વમાંથી મેળવવામાં આવતા વ્યૂહાત્મક વાણિજ્ય લાભો પર નિર્ભર છે. પરંતુ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મતે એફસીપીએનો અમલ અમેરિકાની કંપનીઓની પ્રતિસ્પર્ધા ઘટાડે છે.
FCPAના આરોપોનો સામનો કરી રહ્યું છે અદાણી ગ્રૂપ
અમેરિકાના SEC અને ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે 20 નવેમ્બર, 2024ના રોજ ભારતના અબજોપતિ બિઝનેસમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી, બિઝનેસ એસોસિએટ એઝ્યોર પાવર ગ્લોબલ લિ. અને અન્ય વરિષ્ઠ એક્ઝિક્યુટીવ્સ પર 250 મિલિયન ડૉલર(રૂ. 2100 કરોડ)ની લાંચ આપવાના આરોપસર એફસીપીએ હેઠળ તપાસ કાર્યવાહી હાથ ધરવાની જાહેરાત કરી હતી.
તેમણે આરોપ મૂક્યો હતો કે, અદાણી ગ્રૂપની ગ્રીન એનર્જીએ અમેરિકાના રોકાણકારોને ભારતથી નવા પ્રોજેક્ટ મળવાના હોવાનું ખોટું વચન આપી 175 મિલિયન ડૉલરનું ફંડ ઉઘરાવ્યું હતું. તેમજ તેમણે ભારતના અમુક અધિકારીઓને રૂ. 2100 કરોડની લાંચ આપી હતી. આ કાયદા હેઠળ અદાણી અને તેમના ભત્રીજાની ધરપકડ માટે વોરંટ પણ જારી કર્યા હતા. આ કાયદો નાબૂદ થવાથી અદાણી ગ્રૂપ પર ચાલી રહેલી કાર્યવાહી બંધ થાય તેવી શક્યતાઓ છે.
USAના છ સાંસદોએ અદાણી વિરુદ્ધ કાર્યવાહીનો વિરોધ કર્યો
ટ્રમ્પ સરકારના છ સાંસદોએ એટર્ની જનરલને પત્ર લખી અદાણી ગ્રૂપ વિરુદ્ધ હાથ ધરાયેલી કાર્યવાહીનો વિરોધ કરતાં જણાવ્યું છે કે, આ કાર્યવાહીથી ભારત અને અમેરિકાના સંબંધો ખરાબ થયા છે. અદાણી ગ્રૂપ વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી તપાસ માત્ર શંકાના આધારે છે. જેના કોઈ પુરાવા મળ્યા નથી. જેથી બાઇડેનના રાજમાં આ આદેશ પણ શંકાસ્પદ છે.