ચીનને લઈને બદલાયું ટ્રમ્પનું વલણ! અમેરિકન ગુપ્તચર એજન્સીનો દાવો- 'લેબથી લીક થયો હતો કોવિડ વાઈરસ'
America On Corona Virus: અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)એ એક મોટો દાવો કર્યો છે કે કોવિડ-19 વાઈરસ કોઈ પ્રયોગશાળામાંથી લીક થયો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, CIAએ તેના નવા રિપોર્ટમાં સંકેત આપ્યો છે કે આ વાઈરસ ચીનથી આવ્યો છે. એજન્સીએ એ પણ સ્વીકાર્યું છે કે તેને તેના રિપોર્ટના પરિણામો પર ઓછો વિશ્વાસ છે. નવા ડિરેક્ટર જોન રેટક્લિફે કાર્યભાર સંભાળ્યા પછી આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
બાઇડન તંત્રના કાર્યકાળમાં CIA તરફથી તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવાયું હતું કે, કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનથી થઈ. જો કે, એ સ્પષ્ટ ન હતું કે આ વાઈરસ ચીની લેબથી ભૂલથી લીક થયો હતો અથવા તો તેને જાણી જોઈને ફેલાવવામાં આવ્યો. હવે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ CIAના નવા રિપોર્ટમાં કહેવાયું છે કે વાઈરસ પ્રાકૃતિક રીતે ઉત્પન્ન નથી થયો, પરંતુ કોઈ લેબથી બહાર આવ્યો.
CIAના નિદેશકે શું કહ્યું?
અમેરિકન સાંસદોની ગુપ્તચર એજન્સીઓ પર સત્ય ઉજાગર કરવાનું પ્રેશર વધી રહ્યું છે. જો કે, CIA એવું માની રહ્યું છે કે, વાઈરસ કુદરતી રીતે ઉદ્ભવ્યો નથી પરંતુ તે લેબમાંથી લીક થયો છે, પરંતુ એજન્સીને તેના પોતાના રિપોર્ટના પરિણામો પર બહુ ઓછો વિશ્વાસ છે. CIAના ડિરેક્ટર જોન રેટક્લિફે જણાવ્યું હતું કે, 'વાયરસના સ્ત્રોતને શોધવા માટે વધુ સચોટ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.'
વૈજ્ઞાનિકોના અલગ અલગ મંતવ્યો
કોરોના વાઈરસની ઉત્પત્તિ વિશે વૈજ્ઞાનિકોના અલગ અલગ મંતવ્યો છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે, વુહાન બજારમાં ચામાચીડિયામાંથી વાયરસ ફેલાયો હતો. અન્ય વૈજ્ઞાનિકોનો દાવો છે કે, વાઈરસ વુહાન લેબમાંથી લીક થયો હતો. અગાઉના એક યુએસ રિપોર્ટમાં પણ લેબ લીકને સંભવિત સ્ત્રોત તરીકે ગણવામાં આવ્યો હતો, પરંતુ તેના વિશે ઓછો વિશ્વાસ હતો.
તમને જણાવી દઈએ કે CIA અને અન્ય ગુપ્તચર એજન્સીઓ કોવિડ-19 ની ઉત્પત્તિ અંગે સતત સંશોધન કરી રહી છે. અમેરિકન કાયદા ઘડનારાઓના દબાણને કારણે પણ આ દિશામાં કામ ઝડપી બની રહ્યું છે. CIA માને છે કે વાયરસ લેબમાંથી લીક થયો હતો, પરંતુ આ દાવાને વધુ નક્કર પુરાવા સાથે સાબિત કરવાની જરૂર છે.