ટ્રમ્પે પોપના અંતિમસંસ્કારમાં કરેલા અશોભનીય વર્તનની ચોમેર ટીકા, અમેરિકનોએ ટ્રમ્પને મૂર્ખ ગણાવ્યા
Donald Trump Spotted Sleeping At Pope Francis' Funeral : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કશુંક અળવીતરું કર્યા વિના ચેન નથી પડતું, એવું લાગે છે. રાજનીતિના ખેલમાં તેઓ આઘાતજનક પગલાં લે એ તો હજુ સમજાય એવી વાત છે, પણ માણસ મોતનો મલાજો પણ ન જાળવે એ માણસને શું કહીશું? બુદ્ધિહિન? મૂર્ખ? હા, કમસેકમ અમેરિકનો તો એમના પ્રમુખ માટે એવા જ શબ્દો વાપરી રહ્યા છે. ચાલો જાણીએ કે એવું તો શું બન્યું કે અમેરિકા સહિત દુનિયાભરના લોકો ટ્રમ્પની ચોમેરથી ટીકા કરી રહ્યા છે.
શું હતી ઘટના?
શનિવાર, 26 એપ્રિલના રોજ ઈટલીની રાજધાની રોમમાં મૃત પોપ ફ્રાન્સિસના અંતિમસંસ્કાર યોજાયા હતા, જેમાં યુકેના વડાપ્રધાન કીર સ્ટારમર અને પ્રિન્સ વિલિયમ સહિત દુનિયાભરના દિગ્ગજ નેતાઓ અને મહાનુભાવોએ હાજરી આપી હતી. છેલ્લા થોડા દિવસોમાં લાખો લોકો પોપના અંતિમ દર્શન માટે આવ્યા હતા. અંતિમસંસ્કાર જેવા ગંભીર પ્રસંગે ડોનાલ્ડ ટ્રમ્પે સાવ અશોભનીય વર્તન કરીને ટીકાઓ વહોલી લીધી હતી.
ટ્રમ્પે શું કર્યું હતું?
પશ્ચિમી દેશોમાં ખ્રિસ્તી વ્યક્તિની અંતિમવિધિમાં કાળા વસ્ત્રો પહેરવાનો રિવાજ છે, કેમ કે કાળા રંગને શોકનું પ્રતીક ગણવામાં આવે છે. પોપ ફ્રાન્સિસના અંતિમસંસ્કારમાં અમેરિકન રાષ્ટ્રપતિએ કાળા કપડાં પહેરવાને બદલે ભૂરા રંગનો સૂટ પહેર્યો હતો. ટ્રમ્પના પત્ની મેલેનિયા સહિત ત્યાં હાજર તમામ લોકોએ પરંપરા મુજબ કાળા વસ્ત્રો પહેરેલા હતા, એકમાત્ર ટ્રમ્પ જ ભૂરા સૂટને લીધે અલગ તરી આવતા હતા. એટલું જ નહીં, સમારોહ દરમિયાન ટ્રમ્પ ચ્યુઇંગ ગમ ચગળી રહ્યા હતા અને મોબાઇલ ફોનનો ઉપયોગ પણ કરી રહ્યા હતા.
આ પણ વાંચો : 'ભારત સાથે યુદ્ધ ના જ થાય તો સારું', નવાઝ શરીફની પાકિસ્તાની PM શાહબાઝને સલાહ
ટ્રમ્પના વર્તનની વ્યાપક ટીકા થઈ
સમારોહમાં ટ્રમ્પ સૌથી આગળની હરોળમાં બેઠા હોવાથી તેમની પ્રત્યેક હરકત કેમેરામાં રૅકોર્ડ થઈ ગઈ હતી. તેમનો પહેરવેશ અને અશોભનીય વર્તન લોકોની નજરમાં તરત ચઢી ગયું હતું. મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી હરકોઈ એમની ટીકા કરી રહ્યું છે.
અમેરિકનો તો ટ્રમ્પ પર ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. કોઈકે તેમને ‘અભણ’ ગણાવ્યા હતા તો કોઈકે તેમને ‘મૂર્ખ’ કહ્યા હતા. કોઈકે તેમના વર્તનને ‘અશ્લીલ’ કહ્યું હતું તો કોઈકે ‘બાલિશ કિશોર’ના વર્તન જેવું ગણાવ્યું હતું. કોઈકે ટ્રમ્પને ‘દંભી’ ગણાવતા ટિપ્પણી કરી હતી કે, ‘ગઈકાલ સુધી પોપને નફરત કરનાર માણસ હવે તેમના અંતિમસંસ્કારમાં હાજરી આપે છે.’
એક વપરાશકર્તાએ તો આકરી ટીકા કરતાં એમ લખી દીધું હતું કે, ‘પોપ ફ્રાન્સિસના અંતિમસંસ્કારમાં ભૂરા રંગનો પોશાક પહેરેલા અમારા મૂર્ખ રાષ્ટ્રપતિ ટ્રમ્પને જુઓ. એક પણ દિવસ એવો નથી જતો કે જ્યારે આ મૂર્ખ અમેરિકાને વિશ્વ મંચ પર શરમજનક સ્થિતિમાં ન મૂકે.’
ટ્રમ્પે શા માટે આવું કર્યું?
ટ્રમ્પના આવા વર્તનને બાલિશ કે આકસ્મિક ગણવાને બદલે નિષ્ણાતો એનો અલગ અર્થ તારવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ટ્રમ્પે આવું ભૂલમાં નથી કર્યું, જાણી જોઈને કર્યું છે. સમગ્ર સમારોહ દરમિયાન લોકોનું અને મીડિયાનું ધ્યાન એમના તરફ દોરાતું રહે એ માટે તેમણે આવું અશોભનીય વર્તન કર્યું હતું.
બોડી લેંગ્વેજ એક્સપર્ટ્સ(શારીરિક ભાષા નિષ્ણાતો)નું કહેવું છે કે, ટ્રમ્પના કપડાંની પસંદગી તેઓ જાણે ઑફિસ જવાના હોય એવી બિનગંભીર હતી. પોપ પ્રત્યે અનાદર દર્શાવવા માટે જ તેમણે આમ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સહિત અન્ય લોકોની પ્રસંગાનુચિત પોશાક ન પહેરવા બદલ ટીકાઓ કરી ચૂક્યા છે.