'બકવાસ બંધ કરો ડોનાલ્ડ...', કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય ગણાવતા ભડક્યાં કેનેડિયન લીડર્સ
Trump and Canada Controversy | જસ્ટિન ટ્રુડોએ પહેલીવાર અમેરિકી રાષ્ટ્રપતિ પદ સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપ્યો છે. રાજીનામાની જાહેરાત કરનાર કેનેડાના પીએમ ટ્રુડોએ કહ્યું છે કે કેનેડા અમેરિકાનો હિસ્સો બને તેવી કોઈ શક્યતા નથી.
ટ્રમ્પના નિવેદનની કેનેડામાં ચોતરફી ટીકા
ઉલ્લેખનીય છે કે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડાને અમેરિકાના 51માં રાજ્ય તરીકે સંબોધતા જોવા મળે છે. આટલું જ નહીં, ઘણી વખત તેણે જસ્ટિન ટ્રુડોને 51મા અમેરિકન રાજ્યના ગવર્નર પણ કહ્યા છે. ટ્રમ્પની આ ટિપ્પણીઓ બાદ જ જસ્ટિન ટ્રુડો અને કેનેડાના વિદેશ મંત્રીના નિવેદનો આવ્યા છે. બીજી બાજુ ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે મેપ શેર કર્યા છે. તેમાંથી એક મેપમાં કેનેડાને અમેરિકામાં બતાવ્યું છે તો બીજા મેપમાં કેનેડા અંગે તેમના ઇરાદા જાહેર કરી દીધા છે. જેને લઈને વિવાદ છંછેડાયો છે.
ટ્રુડોએ ટ્વિટ કર્યું...
જસ્ટિન ટ્રુડોએ ટ્વિટ કર્યું કે, કેનેડા અમેરિકાનો હિસ્સો બને તેવી કોઈ શક્યતા નથી. ટ્રુડોએ વધુમાં જણાવ્યું હતું કે બંને દેશોના કર્મચારીઓ અને સમુદાયો એકબીજાના સૌથી મોટા વેપાર અને સુરક્ષા ભાગીદારો છે અને બંનેને તેનો લાભ મળે છે.
અમેરિકનોએ કિંમત ચૂકવવી પડશે: જગમીત
જ્યારે કેનેડાના મોટા નેતા જગમીતે કહ્યું કે, 'બકવાસ બંધ કરો ડોનાલ્ડ. કોઈ કેનેડિયન તમારી સાથે જોડાવા માંગતા નથી. અમને કેનેડિયન હોવાનો ગર્વ છે. આપણે જે રીતે એકબીજાની સંભાળ રાખીએ છીએ અને આપણા દેશનું રક્ષણ કરીએ છીએ તેના પર અમને ગર્વ છે. તમારા હુમલાઓ સરહદની બંને બાજુની નોકરીઓને અસર કરશે. તમે કેનેડિયનોની નોકરી લેવા આવ્યા છો, અમેરિકનોએ કિંમત ચૂકવવી પડશે.
કેનેડાના વિદેશ મંત્રીએ પણ નિવેદન આપ્યું
ટ્રુડો ઉપરાંત કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. જોલીએ પણ ટ્વિટ કર્યું કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ટ્રમ્પની ટિપ્પણીઓ દર્શાવે છે કે તેમને એ વાતની ખબર નથી કે કેનેડાને કઈ વાતો મજબૂત દેશ બનાવે છે. અમારું અર્થતંત્ર મજબૂત છે. અમારા દેશના લોકો મજબૂત છે. ધમકીઓ સામે અમે ક્યારેય પીછેહઠ કરીશું નહીં.
કેનેડાના વિપક્ષની પ્રતિક્રિયા
કેનેડામાં વિપક્ષના નેતા પિયરે પોલીવેરે પણ આ મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે 'કેનેડા એક મહાન અને આઝાદ દેશ છે. અમેરિકા અમારો શ્રેષ્ઠ મિત્ર દેશ છે. અમે અમેરિકન્સને અલ-કાયદા દ્વારા 9/11ના હુમલાનો જવાબ આપવામાં મદદ કરવા માટે અબજો ડૉલર ખર્ચ્યા અને સેંકડો લોકોએ બલિદાન આપ્યા. અમે અમેરિકાને અબજો ડૉલરની ઉચ્ચ ગુણવત્તાની અને સંપૂર્ણપણે ભરોસાપાત્ર ઉર્જાનો સપ્લાય કરીએ છીએ જે બજાર કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે છે.
કેનેડા અમારી પ્રાથમિકતા : પોલીવેર
પોલીવેરે વધુમાં જણાવ્યું હતું કે, 'અમે સેંકડો અબજ ડૉલરની કિંમતનો અમેરિકન સામાન ખરીદીએ છીએ. અમારી નબળી અને દયનીય NDP-લિબરલ સરકાર આ મુદ્દાઓ પર સ્પષ્ટ વાત કરવામાં નિષ્ફળ રહી છે. હું કેનેડા માટે લડીશ. જ્યારે હું વડાપ્રધાન બનીશ, ત્યારે અમે અમારા સૈન્યનું પુનઃનિર્માણ કરીશું અને કેનેડા તથા અમેરિકા બંનેને સુરક્ષિત કરવા માટે સરહદ પર નિયંત્રણ પાછું લઈશું. કેનેડાને અમે પ્રાથમિકતા આપીશું.