'દરેક દેશ સાથે મળીશું, ચીન સાથે પણ કરીશું બિગ ડીલ...', ટેરિફ વૉર વચ્ચે ટ્રમ્પે આપ્યા સારા સંકેત
Donald Trump News : વૈશ્વિક વેપાર તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે એક બિગ ડીલ કરી શકે છે. તેમણે ખુદ આ વાતનો સંકેત આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે હું દરેક દેશને મળવા માંગુ છે. હું મેક્સિકોથી જાપાન અને ઇટાલી સુધી દરેક દેશને મળવા માટે ઉત્સુક છું.
દરમિયાન ચીનના વાણિજ્ય મંત્રાલય તરફથી પણ એક નિવેદન આવ્યું છે કે ચીન અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ ટેરિફની ધમકી બંધ કરવી પડશે અને સમાનતાના આધારે વાતચીત કરવી પડશે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 17 એપ્રિલે કહ્યું હતું કે મને વેપાર કરારોને અંતિમ સ્વરૂપ આપવાની કોઈ ઉતાવળ નથી. ટ્રમ્પે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે પણ મુલાકાત કરી. આ મુલાકાતમાં ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે યુરોપિયન યુનિયન સાથે કરાર પર પહોંચવું સરળ બનશે.
ટ્રમ્પ દરેક દેશને મળવા માંગે છે
વર્તમાન સમયમાં 90-દિવસના ટેરિફ વિરામ દરમિયાન વેપાર સોદાઓને અંતિમ સ્વરૂપ આપવાની શક્યતા છતાં ટ્રમ્પે કહ્યું કે આવા સોદા "ચોક્કસ સમયે" થશે. આ અંગે કોઈ ઉતાવળ નથી અને હું દરેક દેશને મળવા માંગુ છું જેથી વધુ સારો સોદો થઈ શકે.