ટેરિફ બાબતે 'જેવા સાથે તેવા' ની નીતિ લાગુ પાડવામાં આવશે, ડોનાલ્ડ ટ્રમ્પ
ટીટ ફોર ટેટ શુલ્ક લગાવવાની યોજના પર કર્યા હસ્તાક્ષર
અમેરિકાના ટેરિફથી બચવું હોયતો સામે પક્ષે શૂલ્ક ઘટાડવું પડશે
ન્યૂયોર્ક, 14 ફેબ્રુઆરી,2025,શુક્રવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી ટેરિફ વૉરની દુનિયામાં ચર્ચા છેડાઇ છે. અમેરિકા ચીન અને યુરોપ સહિતના વેપારી દેશો પર ટેરિફ વધારીને પોતાની ઇકોનોમિ વધુ મજબૂત કરવા ઇચ્છે છે. વૈશ્વિક વેપારમાં ટેરિફનીતિ થી અમેરિકાને ખૂબ નુકસાન થતું હોવાનું ટ્રમ્પ માને છે આથી દુનિયાના દેશોને અમેરિકા માટે ટેરિફ ઘટાડવા અથવા તો ભારે ટેરિફ સહન કરવા ટ્રમ્પ ધમકી આપી રહયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રમ્પે 'જૈસે કો તૈસા' (ટીટ ફોર ટેટ) શુલ્ક લગાવવાની યોજના પર હસ્તાક્ષર કર્યા છે. આનો મતલબ કે અમેરિકા પર અન્ય દેશો જેટલું ટેરિફ લગાડશે એટલું જ વળતા અમેરિકા પણ ટેરિફ લગાવવા મજબૂર થશે. ટેરિફ બાબતે જેવા સાથે તેવાની નીતિને અનુસરીને કોઇને પણ બક્ષવામાં આવશે નહી.
આ યોજના અંગે અધિકારીઓને સુચના આપવામાં આવી છે કે જે અમેરિકા પર નવું ટેરિફ લગાડવાની તૈયારી કરી રહયા છે અથવા તો જેમણે અમેરિકી ઉત્પાદનો પર ઉંચું ટેરિફ લગાવ્યું છે તેના પર ટેરિફ નાખવા અંગે વિચાર કરે. જેવા સાથે તેવા નીતિ અપનાવવામાં આવશે તો કોઇ પણ પક્ષની ફરિયાદ રહેશે નહી.
ટ્રમ્પ માને છે કે મિત્ર હોય કે શત્રુ બધા જ દેશો અમેરિકા સાથે અયોગ્ય વર્તન કરતા રહયા છે. નવી યોજનાઓથી વ્યાપારની જટિલતા અવે અનુચિત વ્યવસ્થામાં નિષ્પક્ષતા અને સમૃધ્ધિમાં વધારો થશે. જો અમેરિકાના ટેરિફથી બચવું હોયતો સામે પક્ષે શૂલ્ક ઘટાડવું પડશે અથવા તો સમાપ્ત કરવું પડશે.