અમેરિકાનો પ્રમુખ બનતા જ મસ્કને કેબિનેટમાં સામેલ કરીશ, મસ્કે કહ્યું- હું પણ સેવા કરવા તૈયાર
Image: X
US President Election: અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસનો પ્રચાર અભિયાન ચાલુ છે. આ ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નાગરિકોને મોટા મોટા વચનો આપી રહ્યા છે. હવે આ વચ્ચે તેમણે ટેસ્લાના માલિક ઈલોન મસ્કને એક શાનદાર ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો હું રાષ્ટ્રપ્રમુખ બનીશ તો ઈલોન મસ્કને સરકારમાં મંત્રીનું પદ અથવા મહત્ત્વપૂર્ણ સલાહકારની ભૂમિકા આપીશ.
મહત્ત્વની વાત એ છે કે, ઈલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પની ઓફર સ્વીકારી લીધી અને તેમણે કહ્યું કે હું સેવા કરવા માટે તૈયાર છું. તમને જણાવી દઈએ કે, અમેરિકામાં યોજાનારી પ્રમુખ પદની ચૂંટણીમાં ઈલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારીને સપોર્ટ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પનો હવાલો આવતા લખવામાં આવ્યું કે, જો તેઓ અમેરિકી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાશે તો ઈલોન મસ્કને કેબિનેટ મિનિસ્ટર અથવા એડવાઈઝરની પોસ્ટ ઓફર કરશે.
ઈલોન મસ્કે શું આપ્યો રીપ્લાય
પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ એલાન બાદ X પર યૂઝર્સ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે ઈલોન મસ્કને સ્પેશિયલ મિનિસ્ટ્રીયલ પોર્ટફોલિયો ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ ઓફર કરવા માટે કહ્યું. તેના પર મસ્કે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે આ પરફેક્ટ રહેશે. આટલું જ નહીં મસ્કે આ મંત્રીપદની પ્લેટ વાળી તસવીર સાથે ફોટો X પર શેર કર્યો અને લખ્યું કે, હું આ મંત્રીપદ સાથે કામ કરવા તૈયાર છું.
ઈલોન મસ્ત અમેરિકાની પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપી રહ્યા છે તાજેતરમાં જ તેમને ડોનાલ્ડ ટ્રમ્પનું ઈન્ટરવ્યૂ લીધું હતું જેમાં ટ્રમ્પે ખુલીને પોતાની પ્રાથમિકતાઓ મસ્ક સામે રાખી હતી.