'કોઈ બાકાત નહીં રહે, તમામ દેશ સામે ટેરિફ...' ફરી એકવાર ટ્રમ્પે દુનિયાભરના દેશોની ચિંતા વધારી
USA President Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોઈપણ દેશને ટેરિફમાંથી મુક્તિ ન મળવાની સ્પષ્ટતા આપી દીધી છે. તેમણે હાલમાં જ 60થી વધુ દેશોને 90 દિવસ સુધી રેસિપ્રોકલ ટેરિફ મામલે રાહત આપી હતી. ગઈકાલે ટ્રમ્પે ફરી જાહેરાત કરી સ્પષ્ટતા આપી હતી કે, અયોગ્ય વેપાર કરતાં દેશોને માફી મળશે નહીં, તેમણે ટેરિફનો સામનો કરવો જ પડશે.
હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ ઘણા દેશોએ સ્માર્ટફોન, કોમ્પ્યુટર સહિત અન્ય ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર ટેરિફમાં રાહત આપવા ભલામણ કરવામાં આવી હતી. તેના પર ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ પર કહ્યું હતું કે, કોઈને રાહત મળશે નહીં, કોઈપણ દેશને છૂટ મળશે નહીં. ખાસ કરીન ચીનમાં ઉત્પાદિત સેમિકંડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સને તો જરાય પણ નહીં. શરુઆતમાં જ ગ્રાહક ખર્ચમાં વૃદ્ધિની ચિંતાના કારણે રાહત આપવામાં આવી હતી. હવે વધુ નહીં...
અયોગ્ય વેપાર કરતાં લોકોને છોડશે નહીં
ટ્રમ્પે ટ્રુથ પર પોસ્ટ કરી હતી કે, અન્ય દેશો દ્વારા અમારી સાથે વર્ષોથી અયોગ્ય વેપાર થઈ રહ્યો છે. અયોગ્ય વેપાર ખાધ અને નોન-મોનેટરી ટેરિફ પડકારોમાંથી કોઈને રાહત મળશે નહીં. ખાસ કરીને ચીનને તો જરાય પણ નહીં. તે અમારી સાથે ખૂબ ખરાબ કરી રહ્યું છે. અમેરિકા ઈલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન બનાવવા પર ફોકસ કરે છે. જેના માટે સેમીકંડક્ટર સેક્ટરમાં રાષ્ટ્રીય સુરક્ષા વેપાર તપાસ શરુ થઈ છે. અમેરિકા માટે સ્થાનિક સ્તરે વધુ ઉત્પાદનને વેગ તેમજ વિદેશી પ્રોડક્ટ્સ પર નિર્ભરતા ઘટાડવાની જરૂરિયાત પર અમે ભાર મૂક્યો છે.
ટેરિફમાં રાહતની જાહેરાત
વ્હાઇટ હાઉસ દ્વારા વિવિધ દેશો પર વિવિધ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત થઈ હતી. જો કે, તેના અમલ પહેલાં જ ટ્રમ્પ સરકારે તેમાં 90 દિવસની રાહત આપી હતી. આ રાહત ટેરિફ મુદ્દો ઉકેલવા માગતા દેશો માટે છે. જો કે, ચીનને ટેરિફની સામે ટેરિફ લાદતાં ટ્રેડવોરની હવાને વેગ આપ્યો હોવાથી અમેરિકા તેને રાહત આપી રહ્યું નથી. બલ્કે અમેરિકાએ ચીન પર 145 ટકા સુધી ટેરિફ લાદી દીધો છે. સામે ચીને પણ અમેરિકા પર 125 ટકા સુધી ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
આ પ્રોડક્ટ્સ પર પણ લાગશે ટેરિફ
ટ્રમ્પ સરકારના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, આગામી બે મહિનામાં ટ્રમ્પ સરકાર સ્માર્ટફોન, કોમ્પ્યુટર સહિત અન્ય ઈલેક્ટ્રોનિક્સ પર ટેરિફ લાગુ કરવા જઈ રહી છે. આ ઉપાયોથી સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે. અમેરિકન હેજ ફંડ મેનેજર અને ઇન્વેસ્ટર બિલ એકમેને ટ્રમ્પ સમક્ષ ચીનને પણ ત્રણ મહિના સુધી ટેરિફમાં રાહત આપવા ભલામણ કરી હતી. તેમજ અમેરિકાના બિઝનેસને કોઈપણ અડચણ વિના સપ્લાય પહોંચતો રહે તે હેતુ સાથે અસ્થાયી રૂપે ટેરિફમાં 10 ટકાનો ઘટાડો કરવા સલાહ પણ આપી હતી. બીજી તરફ સિનેટર એલિઝાબેથ વોરેને ટેરિફ રણનીતિની ટીકા કરી તેને અયોગ્ય ઠેરવી છે. જેનાથી આર્થિક નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરી છે.
સેમિકંડક્ટર પ્રોડક્ટ્સ પર ઝડપથી લેશે નિર્ણય
ટ્રમ્પ સેમિકંડક્ટર પ્રોડક્ટ્સ પર ટેરિફ મુદ્દે આગામી સપ્તાહે સ્પષ્ટતા કરશે. એરફોર્સ વનમાં બોલતાં ટ્રમ્પે સ્થાનિક સ્તરે ચીપ્સ અને સેમિકંડક્ટર બનાવતી કંપનીઓ માટે ઉત્પાદન સરળ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમજ સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા કહ્યું હતું.