કેનેડા અમારું 51મું રાજ્ય, મેં 'ગવર્નર' ટ્રુડો સાથે વાતચીત કરી, ટ્રમ્પનું નિવેદન ફરી ચર્ચામાં
US President Donald Trump On Canada: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય ગણાવતા અનેક મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું કે, 'અમે દર વર્ષે કેનેડાને 200 બિલિયન ડોલર સબસિડી તરીકે આપીએ છીએ. જો તે અમેરિકાનું રાજ્ય ન બની શકે તો પછી આ પૈસા તેને આપવાની શું જરૂર છે?' આ ઉપરાંત ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય ગણાવતા કહ્યું હતું કે, 'મેં ગવર્નર ટ્રુડો સાથે વાતચીત કરી છે.' હવે આ નિવેદન ફરી ચર્ચામાં આવ્યું હતું.
'કેનેડા જો અમેરિકાનું રાજ્ય બની જશે તો તેના ટેક્સમાં ઘટાડો થશે'
ડોનાલ્ડ ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, 'જો તમે અમારા દેશના એક રાજ્ય હોવ તો અમે તમારા માટે કંઈક યોગદાન આપવા તૈયાર છીએ પણ જો તમે કોઈ અન્ય જ દેશ છો તો અમે તમારા માટે કંઈ કેમ કરીએ? કેનેડા જો અમેરિકાનું રાજ્ય બની જશે તો તેના ટેક્સમાં ઘટાડો થશે અને દેશની સુરક્ષામાં પણ વધારો દેખાશે.'
આ પણ વાંચો: અમેરિકા ભારતને સૌથી ખતરનાક ફાઈટર જેટ આપશે, ડિફેન્સ ડિલ અંગે ટ્રમ્પની મોટી જાહેરાત
કેનેડાની વેપાર પ્રવૃત્તિને પણ વખોડતાં ટ્રમ્પે કહ્યું કે, 'વેપાર મામલે કેનેડા અમારા માટે સૌથી ખરાબ ભાગીદાર હતો. પરંતુ હવે તે અમને ચૂકવણી કરવા લાગ્યો છે. અમેરિકાને કેનેડાની પ્રોડક્ટની જરૂર નથી. કેનેડા અમારા માટે જે કરશે અમે તેના 95% કરીશું.'
જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું...
કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં કહ્યું હતું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પની કેનેડાને અમેરિકામાં ભેળવી દેવાની ધમકી વાસ્તવિક છે.' નોંધનીય છે કે, અમેરિકાએ કેનેડાથી થતી આયાત પર ટેરિફની જાહેરાત કરી હતી. કેનેડાએ 155 અબજ કેનેડિયન ડોલર ના મૂલ્યના યુએસ માલ પર 25 ટકા ટેરિફ લાદીને પ્રતિક્રિયા આપી.