'મારી ધરપકડ થઇ તો અમેરિકા ભડકે બળશે...' 34 આરોપમાં દોષિત જાહેર થયા બાદ ટ્રમ્પની ચેતવણી
Donald Trump News | અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ગયા અઠવાડિયે ન્યૂયોર્કની જ્યુરી દ્વારા ઐતિહાસિક સજા સંભળાવ્યા બાદ હું ઘરમાં નજરકેદ કે પછી જેલમાં રહેવાનું સ્વીકારું લઈશ પણ અમેરિકન જનતા માટે આ સ્વીકારવું મુશ્કેલ હશે. એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે મને વિશ્વાસ નથી કે લોકો આ મુદ્દે કંઇ નહીં બોલે. મને લાગે છે કે જનતા માટે આ સ્વીકારવું સરળ નહીં હોય. એક પોઈન્ટ પર દરેકની ધીરજ ખૂટી જાય છે.
ટ્રમ્પની ધમકી..
જોકે ટ્રમ્પે એ વાતનો ખુલાસો નહોતો કર્યો કે લોકોની ધીરજ ખૂટી જશે તો અમેરિકામાં કઈ હદ તક તબાહી મચી શકે છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પને પોર્ન સ્ટારના હશ મની કેસમાં 34 આરોપો પર દોષિત ઠર્યા બાદ 11 જુલાઈએ સજા થવાની છે.
ટ્રમ્પ ચૂંટણી હાર્યા ત્યારે પણ બબાલ થઇ હતી
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ફંડ એકઠું કરવા માટે મળેલી સજાનો લાભ ઉઠાવ્યો પરંતુ આ સિવાય તેમણે પોતાના સમર્થકોને એકજૂટ કરવાનો પ્રયાસ ન કર્યો. તેનાથી વિપરીત તેમણે 2020માં બાઈડેન સામેની તેમની હારનો વિરોધ કરતી ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ 6 જાન્યુઆરી, 2021નારોજ અમેરિકન કેપિટોલ પર તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
ટ્રમ્પ જ્યુરીના ચુકાદાને પડકારશે
ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કની જ્યુરી દ્વારા આપવામાં આવેલી સજા સામે અપીલ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પને 2016ની ચૂંટણી પહેલા પોર્ન સ્ટારને ચૂપ કરવા માટે કરવામાં આવેલી ચૂકવણીને છુપાવવા માટે ખોટા દસ્તાવેજો સહિત 34 ગંભીર ગુનાઓમાં દોષી ઠેરવવામાં આવ્યા છે.