ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય યુવાઓને કર્યો મોટો વાયદો, અમેરિકન પ્રમુખની ચૂંટણી પહેલાં ફરી ચર્ચામાં
US Presidential Election 2024: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીના માહોલમાં કેટલાક બદલાવ સાથે જોવા મળી રહ્યા છે. જે મુદ્દાઓ પર પહેલા તે આક્રમક વલણ અપનાવી રહ્યા હતા. હવે આવા મુદ્દાઓ પર તેમનું વલણ હળવું જોવા મળે છે. એક મીડિયા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, 'હું ઈચ્છું છે કે અમેરિકન કોલેજોમાંથી સ્નાતક થઈ રહેલા વિદેશી વિદ્યાર્થીઓને ઓટોમેટિક ગ્રીન કાર્ડ મળે.'
ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ બદલાયું
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં ઇમિગ્રન્ટ્સના પ્રવેશનો વિરોધ કર્યો હતો. તેમનું તાજેતરનું નિવેદન તેમના વલણથી તદ્દન વિરુદ્ધ છે. ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ પર ગુનાઓ કરવા, નોકરીઓ અને સરકારી સંસાધનોની ચોરી કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે જો ચૂંટાઈ આવશે, તો તેઓ અમેરિકન ઈતિહાસમાં સૌથી મોટા દેશનિકાલ અભિયાનનું નેતૃત્વ કરશે. આ રીતે બહારના લોકો વિરુદ્ધ પ્રચાર કરતા ટ્રમ્પ અચાનક બદલાઈ ગયા.
એક ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, મારે શું કરવું છે અને હું શું કરીશ, હું ઈચ્છું છું કે જેમ તમે અમેરિકન કોલેજમાંથી ગ્રેજ્યુએટ થાઓ છો, તમારી ડિગ્રીની સાથે તમને અમેરિકામાં રહેવા માટે ગ્રીન કાર્ડ પણ મળવું જોઈએ. જેમાં જુનિયર કોલેજોને પણ સામેલ કરવામાં આવશે. હું પ્રમુખ બન્યાના પહેલા દિવસથી જ આ પર કામ કરવાનું શરૂ કરીશ. એટલે કે, જો ટ્રમ્પ ચૂંટણી જીતે છે, તો તે ભવિષ્યમાં અમેરિકામાં ભણતા અથવા ત્યાં જનારા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે અમેરિકાનું ગ્રીન કાર્ડ મુશ્કેલ કાર્ય માનવામાં આવે છે.
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ
ભારતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જાય છે. 2023ના આંકડા અનુસાર, લગભગ બે લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાંથી સ્નાતક અને અનુસ્નાતક કરી રહ્યા છે. અમેરિકામાં સૌથી વધુ ગ્રીન કાર્ડ લેનારા નાગરિકોમાં ભારત બીજા ક્રમે છે. અક સર્વે અનુસાર, 2022માં લગભગ 65960 લોકોએ અમેરિકાનું ગ્રીન કાર્ડ લીધું છે.