ડોનાલ્ડ ટ્રમ્પને રાહત, USની સુપ્રીમ કોર્ટે પ્રાઈમરી ચૂંટણી લડવાની આપી મંજૂરી, જાણો સમગ્ર મામલો
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે તેને મોટી જીત ગણાવી
Donald Trump : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ પર લગાવવામાં આવેલ પ્રતિબંધને રદ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના કોલોરાડો રાજ્યની સર્વોચ્ચ અદાલતે ગત ડિસેમ્બરમાં એક મોટો નિર્ણય સંભળાવતા પૂર્વ પ્રમુખ ટ્રમ્પના ચૂંટણી લડવા પર રોક લગાવી દીધી હતી. જો કે હવે અમેરિકન સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે તેને મોટી જીત ગણાવી છે.
હવે આગળ શું થશે?
અમેરિકન સુપ્રીમ કોર્ટે કેપિટોલ (સંસદ પરિસર) રમખાણો માટે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવવાના પ્રયાસોને ફગાવી દીધા છે. આ નિર્ણય પછી હવે ટ્રમ્પનું નામ હવે પ્રાઇમરી બેલેટ પર દેખાશે. અગાઉ, એક કોર્ટે ટ્રમ્પને કોલોરાડોના રિપબ્લિકન પ્રાથમિક મતદાનમાંથી ગેરલાયક ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ સર્વસંમતિથી નીચલી કોર્ટના આ નિર્ણયને રદ કર્યો હતો. પૂર્વ પ્રમુખ ટ્રમ્પને આ અઠવાડિયાના સુપર ટ્યુઝડેમાં મોટી સંખ્યામાં પ્રતિનિધિઓનું સમર્થન મળવાની શક્યતા છે. નોંધનીય છે કે સુપર ટ્યુઝડે એ અમેરિકાના પ્રમુખપદના ઉમેદવારોની પસંદગી માટે પ્રાથમિક ચૂંટણી પ્રક્રિયાનો દિવસ છે, જ્યારે મોટાભાગના રાજ્યોમાં પ્રાથમિક અને કોકસની ચૂંટણીઓ યોજાય છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે ટ્રમ્પ સત્તાવાર રીતે રિપબ્લિકન પાર્ટીનું નોમિનેશન મેળવી શકે છે.
પ્રમુખની રેસમાં કોણ સૌથી આગળ?
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીની ઉમેદવારીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી તેમના પ્રતિસ્પર્ધી નિક્કી હેલી કરતાં ઘણા આગળ છે. તમને જણાવી દઈએ કે નવેમ્બર 2024માં અમેરિકામાં પ્રમખની ચૂંટણી થવાની સંભાવના છે. જો રેટિંગની વાત કરીએ તો ટ્રમ્પ આ રેસમાં સૌથી આગળ છે.