ત્રીજું વિશ્વ યુદ્ધ દૂર નથી, ઝેલેન્સ્કી એક તાનાશાહ છે...', ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી દુનિયા આખી ચિંતામાં
Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) ત્રીજા વિશ્વ યુદ્ધ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)નો ઉલ્લેખ કરી ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden)ના વહિવટીતંત્રની પણ ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, ‘જો બાઈડેન વહીવટીતંત્રે વધુ એક વર્ષ શાસન કર્યું હોત, તો આખી દુનિયા વિશ્વ યુદ્ધ લડી રહ્યું હોત. પરંતુ હવે હું અમેરિકાની ગાદી પર બેઠો છું, તેથી હવે આવું કંઈ થશે નહીં.’
મારી પાસે વિશ્વ યુદ્ધ રોકવાનો પ્લાન : ટ્રમ્પ
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી તેઓ મધ્ય-પૂર્વ અને યુરોપમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા મામલે સતત નિવેદન આપી રહ્યા છે. હવે તેમણે ત્રીજા યુદ્ધ મુદ્દે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે, ‘વર્તમાન સમયની સ્થિતિ પરથી લાગી રહ્યું છે કે, ત્રીજુ વિશ્વ યુદ્ધ હવે દૂર નથી, પરંતુ હું અમેરિકાનો રાષ્ટ્રપતિ હોવાથી વિશ્વ યુદ્ધ અટકાવીશ. મારી પાસે વિશ્વ યુદ્ધ રોકવાનો પ્લાન છે.’
આ પણ વાંચો : ભારતમાં કાર વેચવી અશક્ય, ટેસ્લાએ ફેક્ટરી ન ખોલવી જોઈએ: ટ્રમ્પનો ઈલોન મસ્કને નિર્દેશ
‘હું રાષ્ટ્રપતિ છું, તેથી ત્રીજી વિશ્વયુદ્ધ નહીં થવા દવ’
અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પે મિયામીમાં સભા સંબોધતી વખતે કહ્યું કે, ‘અમે વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા તેમજ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છીએ. અમે વધુ યુદ્ધ થતાં અટકાવવા તેમજ યુદ્ધમાં લોકો ન મરે, તેવું ઈચ્છી રહ્યા છીએ. જો આપણે મધ્ય-પૂર્વ અને યુક્રેનમાં થયેલા મૃત્યુને જોઈએ, તો તમે સમજી શકશો કે તમે ત્રીજા વિશ્વ યુદ્ધથી દૂર નથી. ટ્રમ્પે બાઈડેન વહિવટી તંત્ર પર પ્રહારો કરતા કહ્યું કે, ‘જો બાઈડેન વહિવટીતંત્ર વધુ એક વર્ષ સત્તામાં હોત તો, નિશ્ચિત દુનિયાને ત્રીજુ યુદ્ધ જોવાની નોબત આવી હોત. જોકે હવે હું અમેરિકાનો રાષ્ટ્રપતિ છું, તેથી હવે આવું કંઈ પણ થવાનું નથી.’
ટ્રમ્પે સાઉદીનો માન્યો આભાર, ઝેલેન્સ્કીને કહ્યા કૉમોડિયન
આ દરમિયાન ટ્રમ્પે યુક્રેન યુદ્ધ મામલે અમેરિકન અને રશિયન પ્રતિનિધિઓની મેજબાની કરનાર સાઉદી અરેબિયાનો આભાર માન્યો હતો અને તેમણે બંને પક્ષો વચ્ચેની વાતચીતને શાંતિ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર યુક્રેનના રાષ્ટ્રપતિની ટીકા કરી તેમને સામાન્ય સફળ કોમેડિયન કહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘ઝેલેન્સ્કી યુક્રેનમાં કોઈપણ ચૂંટણી વગર સત્તા પર બેઠા છે, તેઓ એક તાનાશાહની જેમ કામ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે રશિયા-યુદ્ધમાં ઝેલેન્સ્કીની અનેક મદદ કરતા હતા, પરંતુ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકા રશિયાના પક્ષમાં દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો : કેનેડામાં વધુ એક ગુજરાતીનું શંકાસ્પદ મોત,કારમાંથી મળ્યો મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી