'નિક્કી હેલીની લાયકાત જ નથી...' ભડકેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા કર્યો ઈનકાર
હેલીએ પણ ન્યુ હેમ્પશાયરની મતગણતરીમાં આવી શક્યતા વિશે ટિપ્પણી કરવાનું ટાળ્યું
વોશિંગ્ટન, તા. 21 જાન્યુઆરી 2024, રવિવાર
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકી પ્રમુખપદની ઉમેદવાર નિક્કી હેલીમાં પ્રમુખ તરીકેની લાયકાત ન હોવાનું જણાવીને પોતાની રનિંગ મેટ તરીકે તેની પસંદગી વિશેની તમામ અટકળો પર પાણી ફેરવી દીધું હતું. રિપબ્લિકન નામાંકન માટેના પ્રબળ દાવેદાર ગણાતા ટ્રમ્પે આ નિવેદન કોન્કોર્ડમાં એક રેલી દરમિયાન આપીને હેલીની ઉપરાષ્ટ્રપતિ તરીકેની તકને ઝાંખી પાડી દીધી હતી. આ દરમિયાન હેલીએ પણ ન્યુ હેમ્પશાયરની મતગણતરીમાં આવી શક્યતા વિશે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું અને જાહેર કર્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ બનવાની તેની કોઈ યોજના નથી.
રિપબ્લિકન રેસમાં હેલીની વધતી વગથી ટ્રમ્પની સંભવિત રનિંગ મેટ તરીકે તેની સંભવિત ઉમેદવાર વિશે અટકળો થઈ રહી હતી. કેટલાક રિપબ્લીકનોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે ભૂતપૂર્વ પ્રમુખની કેટલીક નબળાઈઓ તેનાથી સરભર થઈ શકશે. જો કે માર્જોરી ટેલર ગ્રીન, ડોનાલ્ડ ટ્રમ્પ જુ. અને સ્ટીવ બેનન સહિત ટ્રમ્પની નિટકના વર્તુળોએ ચેતવણી આપી હતી કે નિક્કીની પસંદગીથી ટ્રમ્પના ચુસ્ત ટેકેદારો નારાજ થઈ જશે.
હેલી સામે ટ્રમ્પ દ્વારા તાજેતરમાં અંગત હુમલા થયા હોવા છતાં તેની નજીકના સૂત્રોએ એવી જાણકારી આપી હતી કે તે હેલીની ઉપરાષ્ટ્રપતિ માટે વિચારણા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પંજાબી શીખ માતાપિતાની પુત્રી નિમ્રતા નિક્કી રંધાવા હેલી દક્ષિણ કેરોલિનાની બે મુદત માટે ગવર્નર રહી ચુકી છે અને ધી હિલમાંથી તાજેતરના પોલિંગ સરેરાશમાં ટ્રમ્પથી માત્ર દસ ટકા જ પાછળ રહી હતી.