મતદારોની આંખો ખોલતો સરવે, ઈતિહાસના સૌથી ખરાબ પ્રમુખની યાદીમાં ટ્રમ્પ-બાઈડનનું સ્થાન ચોંકાવનારું
નિષ્ણાતોની એક પેનલ દ્વારા 154 વિદ્વાનોનો સરવે હાથ ધરાયો હતો
Image : IANS |
Donald Trump ranked as worst president in US history : અમેરિકામાં આ વર્ષે પ્રમુખપદની ચૂંટણી યોજાનાર છે જેને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે ત્યારે હવે એક ચોંકાવનારો સરવે બહાર આવ્યો છે જેમાં અમેરિકાના તમામ 45 પ્રમુખોમાંથી ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી ખરાબ ગણાવવામાં આવ્યા છે. આ યાદીમાં વર્તમાન પ્રમુખ બાઈડનને 14મું સ્થાન આપવામાં આવ્યું છે.
સરવેમાં અમેરિકન નેતાઓની યાદી બહાર પાડવામાં આવી
અમેરિકામાં આ વર્ષે 5મી નવેમ્બરે યોજાનારી ચૂંટણી બાદ નક્કી થશે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ કોણ બનશે. ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન પાર્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીમાં જો બાઈડેન જે રીતે પોતાના વિરોધીઓ પર લીડ લેતા જોવા મળી રહ્યા છે, ત્યારે આ બંને વચ્ચે જબરી સ્પર્ધા જોવા મળી શકે છે. આ વચ્ચે અમેરિકામાં પ્રેસિડેન્ટ ડેના એક દિવસ પહેલા પ્રેસિડેન્શિયલ ગ્રેટનેસ પ્રોજેક્ટ એક્સપર્ટ સરવેમાં અમેરિકન નેતાઓની યાદી બહાર પાડવામાં આવી છે. 15 નવેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવેલા આ સરવે અનુસાર, પૂર્વ અમિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને યાદીમાં સૌથી નીચે રાખવામાં આવ્યા છે જ્યારે અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઈડનને 14મું સ્થાન આપવામાં આવ્યું છે.
નિષ્ણાતોની એક પેનલ દ્વારા સરવે હાથ ધરાયો
યુનિવર્સિટી ઓફ કોસ્ટલ કેરોલિનાના વોન અને યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનના રોટીંગહોસે 154 વિદ્વાનોનો સરવે કર્યો હતો, જેમાં અમેરિકન પોલિટિકલ સાયન્સ એસોસિએશનના અધ્યક્ષો અને એક્ઝિક્યુટિવ પોલિટિક્સ વિભાગના વર્તમાન અને તાજેતરના સભ્યોનો સમાવેશ થાય છે. આ નિષ્ણાતોએ લોકોને સમજાવ્યું હતું કે તેમનું લક્ષય શ્રેષ્ઠ પ્રમુખ કોણ છે તે જાણવાનું છે. આ સરવેમાં અમેરિકાના અત્યાર સુધી રહી ચૂકેલા તમામ 45 પ્રમુખોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, વર્ષ 2015 અને 2018માં પણ આવો જ એક સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં લોકોને દરેક રાષ્ટ્રપતિને 0 થી 100 સુધી રેટ કરવા કહ્યું હતું. જેમાં 0નો અર્થ સૌથી નિષ્ફળ, 50નો અર્થ સામાન્ય અને 100નો અર્થ મહાન હતો. આ પછી તેઓએ દરેક પ્રમુખ માટે સરેરાશ સ્કોરની ગણતરી કરી અને તેમને પ્રથમથી છેલ્લા સુધી સ્થાન આપ્યું હતું. આ વર્ષના સરવેમાં ટોચના સ્થાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. આ યાદીમાં એકમાત્ર મોટો ફેરફાર ટ્રમ્પનો હતો.
આ પ્રમુખોને મળ્યું પ્રથમ, બીજું અને ત્રીજું સ્થાન
આ સરવે મુજબ અબ્રાહમ લિંકનને પ્રથમ સ્થાન મળ્યું છે, જેમણે દેશમાં ગુલામી નાબૂદ કરી હતી. એટલું જ નહીં, તેમણે ગૃહયુદ્ધ દરમિયાન દેશનું નેતૃત્વ કર્યું હતું. આ યાદીમાં બીજા સ્થાને ફ્રેન્કલિન ડેલાનો રૂઝવેલ્ટ હતા, જેમણે મહામંદી અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે આ યાદીમાં ત્રીજા સ્થાને પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન રહ્યા હતા. આ યાદીમાં આગળના ત્રણ સ્થાનમાં ટેડી રૂઝવેલ્ટ, થોમસ જેફરસન અને હેરી ટ્રુમેન હતા. અગાઉની યાદીમાં નવમા સ્થાને રહેલા બરાક ઓબામા આ વર્ષે સાતમા સ્થાને રહ્યા હતા.