ગેરકાયદે પ્રવાસીઓને હાંકી કાઢવા ટ્રમ્પ મક્કમ, જન્મ સાથે અમેરિકાનું નાગરિકત્વ પણ નહીં મળે
USA President Donald Trump: અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આઠમી ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે, ‘અમેરિકામાં જન્મની સાથે જ મળી જતી નાગરિકત્વની યોજના અમે ખતમ કરી દઈશું.’ અમેરિકાના બંધારણના 14માં સંશોધનમાં અમેરિકામાં જન્મની સાથે જ નાગરિકતા આપવાનો કાયદો છે, પરંતુ ટ્રમ્પના આ નિર્ણયથી લોકોના અધિકાર છીનવાઈ જવાની ભીતિ વધશે. તેમજ જે લોકો પાસે અમેરિકામાં કાયદેસર દસ્તાવેજ નથી તેમની મુશ્કેલીઓ વધશે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદે શપથ ગ્રહણ કરે તે સમયથી જ કેટલાક મોટા ફેરફારો થવાની સંભાવના જોવા છે. તેમાં ઇમિગ્રેશન મુદ્દે કડક વલણ, ક્રિપ્ટો કરન્સી મુદ્દે સુધારા જેવા ફેરફારો સામેલ છે.
ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
એક મીડિયા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું કે, અમારું લક્ષ્ય અમારા ચાર વર્ષના કાર્યકાળમાં અમેરિકા કાયદેસર રૂપે પ્રવેશ કરનારા તમામ ઇમિગ્રન્ટ્સને આશરો આપશે. પરંતુ બાળકોના માધ્યમથી અમેરિકામાં આશરો લેનારા અને પ્રવેશ કરનારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે, જેના ભાગરૂપે તે બાળકના જન્મતાવેંત મળતા નાગરિકત્વનો કાયદો રદ કરાશે.
ટ્રમ્પ આ કાયદાઓમાં કરશે ફેરફાર
ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં શપથ ગ્રહણ કર્યા બાદ બીજા કાર્યકાળની રૂપરેખા રજૂ કરી છે. જેમાં ઇમિગ્રેશન પોલિસી, ક્રિમિનલ જસ્ટિસ, અને કાર્યકારી નેતૃત્વ પર વિવાદાસ્પદ કાર્યવાહીઓનું વચન સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પોતાના વચનોમાં ટ્રમ્પે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સના જન્મેલા બાળકોને જન્મજાત નાગરિકત્વ આપવાનો કાયદો રદ કરવા અને ટ્રમ્પની વિરુદ્ધ તપાસ કરનારા કોંગ્રેસના સભ્યો સહિત રાજકીય વિરોધીઓ સામે બદલો લેવા પર ભાર મૂક્યો હતો.
કેપિટલ હુમલામાં સામેલ લોકોને માફ કરશે
આ ઉપરાંત ટ્રમ્પે જાહેરાત કરી હતી કે આવતા મહિને ઑફિસમાં મારા પ્રથમ દિવસે જ હું 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટલ હુમલામાં સામેલ અને દોષિત ઠરેલા સમર્થકોને માફ કરી દઈશ. આ મામલે ઝડપથી પગલાં લેવાશે.
ગર્ભપાત મુદ્દે કોઈ યોજના નહીં
આ સિવાય ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે ગર્ભપાતની ગોળીઓની ઉપલબ્ધતાને મર્યાદિત કરવાની કોઈ યોજના નથી બનાવી રહ્યા. ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ગર્ભપાતનો અધિકાર દૂર કરવાની કવાયત હાથ ધરી હતી.