મસ્કની મિત્રતા ભારે પડી! ટ્રમ્પની કંપનીના શેર્સમાં બોલ્યો મોટો કડાકો, 4 અબજ ડૉલરનું નુકસાન
USA President Election 2024: અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર આંચકો લાગ્યો છે. લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટ્રમ્પની વાપસી બાદ મંગળવારે ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપના શેરમાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો હતો. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ મીડિયાના શેર 4%થી વધુ ઘટી $21.33ની નીચી સપાટીએ પહોંચ્યા હતા. શેર છેલ્લે 1.8% ઘટી $21.84 પર બંધ રહ્યો હતો. ટ્રમ્પની કંપનીના શેરમાં છેલ્લા 8 દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી માર્કેટમાં ટ્રમ્પ જે આંચકાનો સામનો કરી રહ્યા છે તેનાથી હવે એવી અનિશ્ચિતતાઓ વધી ગઈ છે કે ટ્રમ્પ આગામી ચૂંટણી જીતશે કે નહીં. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ ટ્રમ્પ મીડિયા અને ટેક્નોલોજી ગ્રુપના શેરના ભાવમાં રેકોર્ડ ઉછાળો આવ્યો હતો. પરંતુ હવે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં, ટ્રમ્પ મીડિયા (જેની મુખ્ય સંપત્તિ ટ્રુથ એપ છે)એ ત્રિમાસિક ગાળામાં $16.4 મિલિયનની ખોટ અને $837,000ની આવક નોંધી હતી. હવે કંપનીનું બજાર મૂલ્ય લગભગ $4.3 અબજ છે જે આ વર્ષની શરૂઆતમાં $8 અબજ કરતાં વધુ હતું.
આ પણ વાંચોઃ 9,99,999 કિલોમીટર ફેરવી નાખી કાર, ગ્રાહકે કરી એવી માગ કે કંપની માથું ખંજવાળતી થઈ ગઈ!
મસ્ક સાથેની મુલાકાત પહેલા ટ્રમ્પ એક્સ પર સક્રિય
ટ્રમ્પ લગભગ એક વર્ષ પછી ગયા અઠવાડિયે X પર પાછા ફર્યા હતા. તેણે ઈલોન મસ્ક સાથે ઈન્ટરવ્યુ પણ કર્યો હતો. ટ્વિટર પરથી સસ્પેન્ડ થયા બાદ ટ્રમ્પે પોતાનું નવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું.
ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે શું કહ્યું?
આ ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે બાઈડેન, કમલા હેરિસ અને વિશ્વભરમાં અનેક મોરચે લડાઈ રહેલા યુદ્ધો વિશે પ્રતિક્રિયા આપી હતી. ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે તેમના પર થયેલા હુમલા અંગે પણ વાત કરતા કહ્યું હતું કે આ એક ભયાનક અનુભવ હતો. મને તરત જ ખબર પડી ગઈ કે મારા પર હુમલો થયો છે, ગોળી ચલાવવામાં આવી છે. આ હુમલા પછી, ભગવાનમાં મારી શ્રદ્ધા વધી ગઈ છે.