US Election: ટ્રમ્પ કે કમલા હેરિસ, જાણો અમેરિકામાં કોની જીતથી ભારતને થશે ફાયદો? સમજો
US President Election | અમેરિકામાં 47માં પ્રમુખની પસંદગી માટે મતદાન થઈ રહ્યું છે, જેના પર સમગ્ર વિશ્વની નજર છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે ટક્કર છે. ત્યારે ભારત જેવા દેશ માટે પણ આ ચૂંટણી ઘણી મહત્ત્વની છે. આવી સ્થિતિમાં, ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે અમેરિકામાં કોની જીતથી ભારતને ફાયદો થશે અને કોની જીતથી નુકસાન થઈ શકે છે?
ભારતીય મૂળની કમલા હેરિસનાં માતા શ્યામલા ગોપાલન તમિલનાડુના રહેવાસી છે, જ્યારે પિતા જમૈકાના વતની છે. તેના માતા-પિતા અમેરિકામાં મળ્યા હતા, ત્યારબાદ તેમણે લગ્ન કરી લીધા હતા. જો કે, બાદમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. નોંધનીય છે કે, કમલા હેરિસ માતા સાથે ચેન્નાઈમાં તેમના નાનાના ઘરે ઘણી વખત આવી ચૂક્યા છે.
કમલા હેરિસની પીએમ મોદી સાથે કેમેસ્ટ્રી જોવા મળી ન હતી
અમેરિકાના ઉપપ્રમુખ તરીકે કમલા હેરિસ ભારતીય મુદ્દા પર ખાસ બોલ્યા નથી. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન કમલા હેરિસને મળ્યા હતા, ત્યારે પણ તેમની સાથે કોઈ મોટી કેમિસ્ટ્રી જેવા મળી નહોતી. જ્યારે અમેરિકી પ્રમુખ જો બાઈડેનનું વહીવટી તંત્ર ઘણાં સ્થાનિક મુદ્દાઓ પર ભારત સામે નિવેદનો આપી રહ્યું છે. અમેરિકન મંત્રીઓએ ભારતમાં લોકશાહી, લઘુમતીઓ અને માનવાધિકારોને લઈને ઘણી વખત સવાલો ઉઠાવ્યા છે.
કાશ્મીર પર વિવાદિત નિવેદન આપ્યું હતું
સૌથી મહત્ત્વની વાત એ છે કે કમલા હેરિસે કાશ્મીરને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. વર્ષ 2019માં જ્યારે ભારતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા માટે બંધારણની કલમ 370 નાબૂદ કરી, ત્યારે કમલા હેરિસે કહ્યું હતું કે કાશ્મીરીઓને યાદ અપાવવું પડશે કે તેઓ વિશ્વમાં એકલા નથી. જો જરૂરી હોય તો, અમારે દરમિયાનગીરી કરવી પડશે.
ઉર્જા ક્ષેત્ર અને ઇમિગ્રેશન મુદ્દામાં મદદ મળી શકે છે
કમલા હેરિસ ઊર્જાના બિન-પરંપરાગત સ્ત્રોતો એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવાના પક્ષમાં છે અને ભારત પણ આ દિશામાં સતત આગળ વધી રહ્યું છે અને તેણે મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. આવી સ્થિતિમાં ભારતને આશા છે કે આ માટે તેને અમેરિકા પાસેથી એડવાન્સ ટેક્નિકલ મદદ મળી શકે છે. આ ઉપરાંત જો બિઝનેસના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો, કમલા હેરિસની જીત ભારતીય બજારમાં સ્થિરતા લાવી શકે છે.
આ ઉપરાંત જો કમલા હેરિસ જીતી જાય છે તો તેમની સાથે ચીન પ્રત્યે નરમ વલણ ધરાવતા ઉપપ્રમુખ પદના ઉમેદવાર ટિમ વાલ્ઝની સમસ્યા થશે. તેના ચીન સાથે પણ સંબંધો છે પરંતુ કમલા ઈમિગ્રેશનના મુદ્દે ભારતને સમર્થન આપી શકે છે. તેનાથી ભારતીય આઈટી સેક્ટરને ફાયદો થશે. કોઈ પણ રીતે, અમેરિકામાં ડેમોક્રેટિક સરકારો H-1B વિઝા માટે વધુ સારું કામ કરી રહી છે.
ટ્રમ્પની ચીન સામે કડકાઈ, ભારતને થઈ શકે છે ફાયદો
જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પની વાત છે તો તેમની સાથે પહેલા કાર્યકાળમાં ભારતીય વડાપ્રધાનના સંબંધો સારા રહ્યા છે. વડાપ્રધાન મોદી સાથે તેઓ જેટલી પણ વખત મળ્યા છે, ખુબ ઉત્સાહથી મળ્યા છે. તેઓ અનેક વખત વડાપ્રધાન મોદીના વખાણ પણ કરી ચૂક્યા છે અને તેમને પોતાના મિત્ર ગણાવતા રહ્યા છે. તેવામાં ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પર ભારતની આઈટી કંપનીઓ માટે રસ્તા ખુલવાની સંભાવનાઓ રહેશે, કારણ કે વેપારમાં ચીનને લઈને કડક નીતિ તેઓ અપનાવતા આવ્યા છે.
એટલા માટે તેઓ ચીનના મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ સમાપ્ત કરી શકે છે. ટ્રમ્પના આવવા પર ચીન પર અમેરિકાની નિર્ભરતા ઘટી જશે, જેનો ફાયદો ભારતને થશે.
ભારતના કેસમાં દખલઅંદાજી નહીં
વિદેશી મામલાના જાણકાર એ પણ જાણે છે કે જો બાઈડનના મુકાબલે ટ્રમ્પ ભારતના આંતરિક મામલામાં ઓછી દખલગીરી કરશે. જ્યારે, બાઈડન સરકારે ભ્રષ્ટાચારના આરોપમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી હતી. જો કે, ભારતે તેને ફગાવી દીધી હતી. આ સિવાય ટ્રમ્પના આવવાથી ભારતની મદદથી રશિયા-યૂક્રેનનું યુદ્ધ પણ અટકી શકે છે.
ટ્રમ્પ કહી ચૂક્યા છે કે ‘હું જીતીશ તો યુદ્ધ અટકાવી દઈશ.’ આ મુદ્દો પણ ભારતની તરફેણમાં છે. યુક્રેન અને રશિયા બંને ભારતના મહત્ત્વના સાથીદાર છે. રશિયા ભારતનું મિત્ર છે અને એટલે જ ત્યાં સ્થિરતા ભારત માટે પણ મહત્ત્વની છે.
આવી રીતે પણ મળી શકે છે ભારતને ફાયદો
બજારના જાણકાર એક વાત જરૂર કહી રહ્યા છે કે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પર વ્યાજદરોની સાથે સોનાના ભાવ અને વિશ્વ સ્તર પર અમેરિકન ડોલર વધુ મજબૂત થઈ શકે છે. આ સિવાય કાચા તેલના ભાવ ઘટી શકે છે. તેલના ભાવ ઘટવાનો સીધો લાભ ભારતને મળશે. જો કે, ડોલરની મજબૂતી વિદેશી મુદ્રા ભંડાર પર અસર જરૂર કરશે. જાણકારોનું કહેવું છે કે, હેરિસના જીતવા પર બજાર પૂર્વના અનુમાન અનુસાર જ ચાલશે. તેનાથી વ્યાજદરો ઘટી શકે છે અને અમેરિકન ડોલરમાં સ્થિરતા રહી શકે છે.