જો બાઈડન સારા કે ડોનાલ્ડ ટ્રમ્પ? અમેરિકી રાષ્ટ્રપતિ અંગે પુતિને જણાવી તેમની પસંદ
હાલમાં અમેરિકા અને રશિયાના સંબંધો છેલ્લા 60 વર્ષમાં સૌથી ખરાબ
image : Twitter |
નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર
US President Election 2024: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના મુકાબલે જો બાઈડનને પસંદ કરે છે. પરંતુ તેઓ કોઈ પણ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે કામ કરવા ઈચ્છુક છે. ઈન્ટરવ્યુ દરમિયાન પુતિનને પૂછવામાં આવ્યું કે, બાઈડેન એક ડેમોક્રેટ અને ટ્રમ્પ એક રિપબ્લિકનમાંથી 'આપણા માટે વધુ સારું' કોણ છે. પુતિને બિલકુલ ખચકાયા વગર તરત જ જો બાઈડનનું સમર્થન કર્યું. પુતિને કહ્યું કે, જો બાઈડેન એક અનુભવી અને આશા પ્રમાણેના રાજનીતિજ્ઞ છે.
પુતિને પ્રથમ વખત 2024ની અમેરિકાની ચૂંટણીની રેસ પર જાહેરમાં ટિપ્પણી કરી
પુતિને પ્રથમ વખત 2024ની યુએસ ચૂંટણીની રેસ પર જાહેરમાં ટિપ્પણી કરી છે. આ ચૂંટણીમાં સતત બીજી વખત ટ્રમ્પ અને બાઈડેનના આમને-સામને આવી શકે છે. રિપોર્ટ પ્રમાણે હાલમાં અમેરિકા અને રશિયાના સંબંધો છેલ્લા 60 વર્ષમાં સૌથી ખરાબ છે. ચૂંટણી દરમિયાન આવેલી પુતિનની આ ટિપ્પણીને શરારતપૂર્ણ માનવામાં આવી શકે છે.
જો બાઈડેને યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન પશ્ચિમી દેશો તરફથી નેતૃત્વ કર્યું છે. આ દરમિયાન અમેરિકાએ નાટો ગઠબંધનનું વિસ્તરણ કર્યું છે અને મોસ્કો પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત કીવને અબજો ડોલરની સહાયતા અને હથિયાર આપ્યા છે. ઈન્ટરવ્યુ દરમિયાન પુતિને કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર હસ્તક્ષેપ કરવો અયોગ્ય થશે પરંતુ તેમણે બંને નેતાઓ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો અને જો બાઈડેનની માનસિક સ્થિતિ પર પણ જવાબ આપ્યો.
જો બાઈડેનની માનસિક સ્થિતિ પર પુતિનનો જવાબ
બાઈડેનની માનસિક સ્થિતિ અંગેના સવાલ પર પુતિને કહ્યું કે, હું લગભગ ત્રણ વર્ષ પહેલા સ્વિટ્ઝર્લેન્ડમાં જો બાઈડેનને મળ્યો હતો. આ દરમિયાન મેં આવું કંઈ નહોતું જોયું. પુતિને જો બાઈડેનનો બચાવ કરતા કહ્યું કે અમેરિકામાં જો બાઈડેનની માનસિક સ્થિતિનો મામલો સામે લાવીને જો બાઈડેનને શરમમાં મૂકી રહ્યા છે. જોકે, પુતિને કહ્યું હતું કે ગત વર્ષે જૂનમાં હેલિકોપ્ટરમાંથી બહાર નીકળતી વખતે જો બાઈડને માથું પટક્યુ હતું.
પુતિને ટ્રમ્પ અંગે કહ્યું કે ટ્રમ્પ એક બિન-પ્રણાલીગત રાજકારણી છે. સંયુક્ત રાજ્ય અમેરિકાએ પોતાના સહયોગીઓ સાથે કેવી રીતે સંબંધો વિકસાવવા જોઈએ તે અંગે ટ્રમ્પનું પોતાનું અલગ જ વિઝન છે. વ્લાદિમીર પુતિન 1999 થી રશિયામાં રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન તરીકે સત્તામાં છે પરંતુ 71 વર્ષની ઉંમરે તેઓ જો બાઈડેન કરતા લગભગ 10 વર્ષ નાના અને ટ્રમ્પ કરતા 6 વર્ષ નાના છે.