ટ્રમ્પની ટીમમાં અબજોપતિથી માંડી હિન્દુ સાંસદની પસંદગીઃ વિવાદિતોને પણ સ્થાન, આરોપીને બચાવવા અપાયું મહત્ત્વનું પદ
Donald Trump Team: અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમ પસંદ કરવા માંડી છે. ટ્રમ્પે અત્યાર સુધીમાં 17 મહત્ત્વના હોદ્દા કોણ સંભાળશે તેની જાહેરાત કરી નાંખી છે. અબજોપતિ એલન મસ્કથી માંડીને અમેરિકામાં પહેલાં હિંદુ સાંસદ તુલસી ગેબાર્ડ સુધીના ચહેરા ટ્રમ્પની ટીમમાં હશે. ટ્રમ્પે નિકી હેલી સહિતના જાણીતા ચહેરાને અવગણીને કેટલાક એકદમ નવા અજાણ્યા ચહેરાઓને પોતાની ટીમમાં લીધા છે. ટ્રમ્પ ઈમિગ્રેશન સહિતના મુદ્દે અત્યંત આક્રમક એજન્ડા અમલમાં મૂકે તેવી શક્યતા છે. આ સાથે જ અમેરિકન વહીવટી તંત્રમાં સાફસૂફી અને ધરમૂળથી ફેરફાર પણ ટ્રમ્પનો એજન્ડા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે પોતાના વફાદાર લોકોને વધારે પસંદ કર્યા છે. જાણકારોના મતે ટ્રમ્પે ક્યાંક ગુનાખોરીને પણ આડકતરી રીતે સમર્થન આપ્યું હોય તેમ લાગે છે. બેડકોપની ઈમેજ ધરાવતા કેટલાક લોકોને મંત્રી મંડળમાં અને પોતાની નજીકના લોકોમાં મોટા હોદ્દા આપીને ટ્રમ્પે બીજો કાર્યકાળ પણ તોફાની બનાવવાની તૈયારી કરી લીધી છે. આવા જ લોકોથી ભરેલી ટ્રમ્પની આ ટીમ પર એક નજર નાંખી લઈએ.
જેડી વાન્સ: વાઇસ પ્રેસિડેન્ટ
ઓહિયોના સેનેટર જેડી વેન્સ યુએસ ઈતિહાસમાં સૌથી યુવા વાઇસ પ્રેસિડેન્ટ બનશે. વાન્સનાં પત્ની ભારતીય મૂળનાં છે. રસપ્રદ વાત એ છે કે, ટ્રમ્પ 2016માં પ્રથમ વખત પ્રમુખપદે ચૂંટાયા ત્યારે મિસ્ટર વાન્સે તેમને મૂર્ખ, નિંદનીય અને "અમેરિકાના હિટલર" ગણાવ્યા હતાં પણ 2021માં, વાન્સે ફ્લોરિડામાં માર-એ-લાગો ખાતેની મીટિંગ દરમિયાન ટ્રમ્પ અંગેની ભૂતકાળની ટિપ્પણીઓ માટે વ્યક્તિગત રીતે માફી માગી હતી. ટ્રમ્પે તેમને માફ કરીને સેનેટની ચૂંટણીમાં ટેકો આપ્યો અને પછી રનિંગ મેટ પણ બનાવ્યા. વાન્સ ઇમિગ્રેશન અને ગર્ભપાત કાયદા સહિતના મુદ્દે આક્રમક વલણ ધરાવે છે.
એલન મસ્ક : ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી
ટેક અબજોપતિ એલોન મસ્ક નવા રચાયેલા ડીપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના વડા હશે. આ વિભાગ સરકારી ખર્ચમાં ઘટાડો કરશે. પત્રકારો સાથે વાત કરતા મસ્કે કહ્યું હતું કે, સરકારી ખર્ચ ઘટાડવાનું તેમનું લક્ષ્ય છે અને સરકારી ખર્ચમાં 1 ટ્રિલિયન ડૉલર સુધીનો ઘટાડો કરાશે. મસ્ક ટેસ્લા, સ્પેસએક્સ, એક્સ અને ન્યુરાલિંકની માલિકી ધરાવે છે. સાથે અન્ય કંપનીઓની માલિકી અને ભાગીદારી ધરાવે છે.
વિવેક રામાસ્વામી: ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી
મસ્કની સાથે રહીને કામ કરનારા વિવેક રામાસ્વામી ચૂંટણીની રેસની શરૂઆતમાં ટ્રમ્પની સામે હતા અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવા સ્પર્ધામાં હતા. જાન્યુઆરીમાં ટ્રમ્પને સમર્થન આપીને ખસી ગયા હતા. બિઝનેસમેન અને રોકાણકાર રામાસ્વામીએ 2014માં ફાર્માસ્યુટિકલ કંપની રોઇવન્ટ સાયન્સની સ્થાપના કરી હતી. તેમની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ, સ્ટ્રાઇવ એસેટ મેનેજમેન્ટે રોકાણકારો પાસેથી લગભગ 2 કરોડ ડોલર એકઠા કર્યા છે.
માઈકલ વાલ્ત્ઝ: નેશનલ સીક્યુરિટી એડવાઈઝર
અમેરિકામાં સૌથી મહત્ત્વના હોદ્દા પર નિમાયેલા માઈકલ વોલ્ટ્ઝ ફ્લોરિડાના સાંસદ છે. અમેરિકાની આર્મીમાં કામ કરી ચૂકેલા વાલ્ત્ઝને રશિયન આક્રમણ સામેની લડાઈમાં અમેરિકા અને યુરોપ ખુલ્લેઆમ યુક્રેનને ટેકો આપે તેની તરફેણમાં છે. 50 વર્ષીય આર્મ્ડ ફોર્સીસ અને ઇન્ટેલિજન્સ અને ફોરેન અફેર્સ કમિટીના સભ્ય હતા અને વાઇસ-પ્રેસિડેન્ટ ડિક ચેનીના આતંકવાદ વિરોધી સલાહકાર તરીકે સેવા આપી હતી. તેમની પત્ની જુલી નેશીવાટ ટ્રમ્પની માતૃભૂમિ સુરક્ષા સલાહકાર હતી. વાલ્ત્ઝ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી પીછેહઠના વિરોધમાં પણ સ્પષ્ટપણે બોલ્યા છે.
માર્કો રૂબિયો: વિદેશ મંત્રી
વિદેશ મંત્રી તરીકે માર્કો રૂબિયોની નિમણૂક પણ આશ્ચર્યજનક છે. કારણ કે, નિકી હેલી આ હોદ્દા માટે પ્રબળ દાવેદાર હતાં. માર્કો રુબિયો 2010માં સેનેટમાં ચૂંટાયા હતા. ચીન, ઈરાન, વેનેઝુએલા અને ક્યુબા સામે આક્રમક વલણ અપનાવવાની તરફેણ કરનારા રૂબિયો એક તબક્કે ટ્રમ્પની વાઇસ-પ્રેસિડેન્ટ બનવા માટે ટોચની પસંદગી મનાતા હતા. યુ.એસ.એ ચીન સાથેના વ્યવહારમાં વધુ આક્રમક બનવાની જરૂરિયાતની હોવાનું ભારપૂર્વક કહેતા રૂબિયોએ ચીન દ્વારા બળજબરીથી ઉઇગુરો પાસે મજૂરી કરીને બનાવેલા માલની આયાતને રોકવા માટેનું બિલ રજૂ કર્યું હતું.
જોન રેટક્લિફ: સીઆઈએ ડિરેક્ટર
ટેક્સાસના ભૂતપૂર્વ સાંસદ જોન રેટક્લિફ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર પણ હતા. સીઆઈએના ડિરેક્ટરની નિમણૂક માટે અમેરિકામાં સંસદની મંજૂરી લેવી પડે છે. સેનેટમાં રેટક્લિફ સામે વિરોધ હોવાથી છેવટે તેમણે નોમિનેશન પાછું ખેંચ્યું હતું. રેટક્લિફે પ્રમુખ જો બિડેનના પુત્ર હન્ટર બિડેન સામેની તપાસમાં મદદ કરી અને 2016ની ચૂંટણીમાં રશિયન હસ્તક્ષેપની ટીકા કરી તેનું ફળ મળ્યું છે. રેટક્લિફ ચીન, રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાના પ્રખર ટીકાકાર છે.
પીટ હેગસેથ: ડીફેન્સ
ફોક્સ ન્યૂઝના હોસ્ટના એન્કર પીટ હેગસેથને ડિફેન્સ મિનિસ્ટર તરીકે પસંદ કરીને ટ્રમ્પે સૌને જોરદાર આંચકો આપી દીધો છે. ઈરાક અને અફઘાનિસ્તાન યુદ્ધોના અનુભવી પીટ પ્રથમ ટર્મ દરમિયાન ટ્રમ્પના કટ્ટર વફાદાર હતા. પીટ પ્લેબોય ઈમેજ ધરાવે છે. હેગસેથે પ્રથમ પત્ની મેરેડિથ શ્વાર્ઝથી 2009માં છૂટાછેડા લીધા પછી 2010માં સામન્થા ડીરીંગ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને ત્રણ બાળકો છે. ઓગસ્ટ 2017માં ફોક્સના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જેનિફર રૌચેટ હેગસેથ સાથેના સેક્સ સંબંધોથી દીકરીને જન્મ આપેલો. આ લગ્નેતર સંબંધના કારણે ડીરીંગે ઓગસ્ટ 2017માં છૂટાછેડા લીધા પછી હેગસેથ અને રૌચેટે 2019માં લગ્ન કર્યાં.
તુલસી ગેબાર્ડ: ડાયરેક્ટર ઑફ જનરલ ઈન્ટેલિજન્સ
ભૂતપૂર્વ ડેમોક્રેટિક સાંસદ તુલસી ગબાર્ડની નિમણૂક આશ્ચર્યજનક છે કેમ કે તુલસીને ઈન્ટેલિજન્સનો કોઈ અનુભવ નથી. તુલસી પહેલાં જો બિડેનની ડેમોક્રેટિક પાર્ટીમાં હતાં પણ પાર્ટી છોડ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થક બન્યાં છે. અમેરિકાનાં પહેલાં હિન્દુ સાંસદ તુલસીએ ટ્રમ્પને વાઇસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસ સામેની તેમની ચર્ચા માટે તૈયાર કરવામાં મદદ કરી હતી. આ ચર્ચામાં ટ્રમ્પ છવાયા પછી તેમની તરફેણમાં વાતાવરણ બદલાયું હતું.
ક્રિસ્ટી નોઈમ: હોમલેન્ડ સિક્યોરિટી
અમેરિકામાં ગૃહ મંત્રાલય એટલે કે હોમલેન્ડ સીક્યોરિટી ચીફ નિમાયેલાં ક્રિસ્ટી દક્ષિણ ડાકોટાના ગવર્નર છે. ક્રિસ્ટી નોઈમ વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાને છે. સપ્ટેમ્બર 2021માં અમેરિકન ગ્રેટનેસે અહેવાલ આપ્યો હતો કે નોઈમ રાજકીય ઓપરેટિવ કોરી લેવીન્ડોવસ્કી સાથે લગ્નેતર સેક્સ સંબંધ ધરાવે છે. બીજા મીડિયાએ પણ આ વાતને સાચી ગણાવી હતી. ક્રિસ્ટી સરહદી સુરક્ષાને મજબૂત કરવાની તરફેણમાં છે. નોઈમનું માનવું છે કે, દેશભરમાં, અપરાધ, ડ્રગ ઓવરડોઝ અને માનવ તસ્કરી આસમાને પહોંચી ગઈ છે કેમ કે સરહદ યુદ્ધ ક્ષેત્ર બની રહી છે.
લી ઝેલડીન: એનવાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી
ન્યૂ યોર્કના ભૂતપૂર્વ સાંસદ લી ઝેલ્ડિન 2022માં રાજ્યના ગવર્નર બનવાની રેસમાં હતા પણ હારી ગયા હતા. ડિસેમ્બર 2019માં પ્રથમ મહાભિયોગ દરખાસ્ત વખતથી તેઓ ટ્રમ્પના મજબૂત સમર્થક રહ્યા છે. ઝેલડીન પર્યાવરણ માટે ઉગ્ર ઝુંબેશ ચલાવે છે. 44 વર્ષના ઝેલડીનને 2021માં બ્લડ કેન્સર થયું હતું પણ કેન્સરને હરાલીને પાછા સ્વસ્થ થયા છે.
સુસી વાઈલ્સ: ચીફ ઓફ સ્ટાફ
અમેરિકાના રાજકારણમાં છેક 1980ના દાયકાથી સક્રિય 67 વર્ષનાં સુસી વાઈલ્સ વ્હાઇટ હાઉસમાં પ્રથમ મહિલા ચીફ ઑફ સ્ટાફ હશે. વાઇલ્સ ફ્લોરિડાના પીઢ રાજકીય સલાહકાર છે. વાઈલ્સે છેક 1980માં રોનાલ્ડ રેગન સાથે કામ કરેલું. છેલ્લે ફ્લોરિડામાં ગવર્નર રોન ડીસેન્ટિસને તેમની પ્રથમ ટર્મ જીતવામાં મદદ કરી હતી. જેમાં વાઈલ્સે છેક 2020માં હાર પછી તરત ટ્રમ્પને ખાતરી આપી હતી કે તેઓ રાજકીય પુનરાગમન કરી શકે છે. વાઈલ્સ 2021થી ટ્રમ્પની પ્રેસિડેન્ટ-ઈલેક્ટની ઝુંબેશમાં કો-મેનેજર હતાં.
મેટ્ટ ગેટ્ઝ: એટર્ની જનરલ
અમેરિકન સાંસદ મેટ ગેટ્ઝ કટ્ટર ટ્રમ્પ સમર્થક છે જે ઘણાં વિવાદાસ્પદ રહ્યાં છે. ફેડરલ સેક્સ ટ્રાફિકિંગ સ્કેમની તપાસમાં ગેટ્ઝ અને ભૂતપૂર્વ રાજકીય સાથી જોએલ ગ્રીનબર્ગે સગીર વયની છોકરીઓ અને એસ્કોર્ટ્સ સાથેમ શારીરિક સંબંધ બાંધી તેના બદલામાં રકમ કે ભેટ આપી હોવાના આક્ષેપ મૂકાયા હતાં. ગ્રીનબર્ગે અપરાધ કબૂલતાં 2022માં 11 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ગેટ્ઝ સામે હાઉસ એથિક્સ કમિટી દ્વારા તપાસ ચાલી રહી છે. 17 વર્ષની છોકરીએ ગેટ્ઝે પોતાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે તેમને બચાવવા એટર્ની જનરલ બનાવ્યા છે. એટર્ની જનરલ બનતાં ગેટ્ઝ સંસદમાંથી રાજીનામું આપશે અને તેમની સામેની તપાસ બંધ થશે.
ટોમ હોમાન: ઈમિગ્રેશન
ટોમ હોમન જાન્યુઆરી 2017થી જૂન 2018 દરમિયાન ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના કાર્યકારી નિર્દેશક હતા. ભૂતપૂર્વ પોલીસ અધિકારી અને સરહદ પેટ્રોલિંગ ઓફિસર હોમાને પછીથી નોકરી છોડીને સરહદ પર ફોક્સ ન્યૂઝ વિશ્લેષક તરીકે કામ કર્યું હતું. હોમાન ઈમિગ્રન્ટ્સ સામે આકરી નીતિના તરફદાર હોવાથી ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને મોટા પ્રમાણમાં ડીપોર્ટ કરશે એવું મનાય છે. હોમાન સરહદ પર દીવાલ ઉભી કરવા સહિતનાં પગલાંના તરફદાર છે.
એલિસ સ્ટેફનિક: યુએન એમ્બેસેડર
ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં નિકી હેલીને યુએનમાં અમેરિકાના પ્રતિનિધી બનાવીને આશ્ચર્ય સર્જેલું. એલિસ સ્ટેફનિકની આ હોદ્દા પર નિમણૂક પણ આશ્ચર્યજનક છે કેમ કે તેમની પાસે વિદેશ નીતિનો ઓછો અનુભવ છે. માત્ર 40 વર્ષનાં સ્ટીફની ગોરાઓના વર્ચસ્વનાં કટ્ટર સમર્થક છે. સ્ટીફની "રિપ્લેસમેન્ટ થિયરી"ની વાતો કરીને દાવો કરે છે કે લઘુમતી જૂથો અમેરિકામાં શ્વેત લોકોને ખદેડીને સત્તા પર કબજો કરવા પ્રયત્ન કરી રહ્યાં છે તેથી ગોરાઓએ એક થવું જોઈએ.
સ્ટીફન મિલર: ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ
સ્ટીફન મિલર ટ્રમ્પના ટોચના ઇમિગ્રેશન સલાહકારોમાં એક છે. ટ્રમ્પની પ્રથમ ટર્મ દરમિયાન તેમના ભાષણો લખનારા મિલરે જો બાઇડેન પ્રમુખપદે ચૂંટાયા ત્યારે મિસ્ટર અમેરિકા ફર્સ્ટ લીગલ નામનું એક સલાહકાર જૂથ શરૂ કર્યું હતું. મિલર ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને કાઢી મૂકવાના તરફદાર છે. મિલરે ગયા વર્ષેસ દાવો કર્યો હતો કે, સરહદની નજીક ટેક્સાસમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને દેશનિકાલનો સામનો કરી રહેલા ઇમિગ્રન્ટ્સને રહેવા માટે આર્મી ડિટેન્શન સેન્ટર્સ બનાવાશે.
સ્ટીવન વિટકોફ: મિડલ ઈસ્ટ રાજદૂત
સ્ટીવન વિટકોફ રિયલ એસ્ટેટ એક્ઝિક્યુટિવ છે અને ટ્રમ્પના પરમ મિત્ર છે. આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ પર બીજી વાર હત્યાનો પ્રયાસ થયો ત્યારે સ્ટીવન ટ્રમ્પ અને અન્ય મિત્રો સાથે ગોલ્ફ રમી રહ્યો હતો. સ્ટીવને ન્યૂયોર્કમાં ટ્રમ્પ સામેના સિવિલ ફ્રોડ ટ્રાયલ દરમિયાન સાક્ષી તરીકે ટ્રમ્પની તરફેણમાં નિવેદન આપ્યું હતું 1977માં કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી સ્ટીવને રિયલ એસ્ટેટ લો ફર્મ ડ્રાયર એન્ડ ટ્રૌબ માટે કામ કર્યું હતું, જ્યાં તેના ગ્રાહકોમાંના એક ડોનાલ્ડ ટ્રમ્પ હતા. ટ્રમ્પ સાથે ત્યારથી તેમની દોસ્તી છે.
માઈક હકાબી: ઈઝરાયલમાં રાજદૂત
અરકાનસાસના ભૂતપૂર્વ ગવર્નર માઈક હકાબી એક દાયકા કરતાં વધુ સમયથી ન્યુઝ હોસ્ટ તરીકે કામ કરે છે. પહેલાં ફોક્સ ન્યૂઝ ચેનલ પર અને પછી ક્રિશ્ચિયન બ્રોડકાસ્ટર ટ્રિનિટી બ્રોડકાસ્ટિંગ નેટવર્ક પર ટોક શો ચલાવનારા હકાબી 2011 પછી ઈઝરાયેલમાં યુએસ એમ્બેસેડરનું પદ સંભાળનાર પ્રથમ બિન-યહુદી વ્યક્તિ હશે. હકાબી ઈઝરાયલના કટ્ટર સમર્થક છે અને હમાસ સહિતનાં સંગઠનોના સફાયાની તરફેણ કરે છે.