ટ્રમ્પ-હેરિસ 'વાક્યુદ્ધ'ના ચમકારા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ-હેરિસ 'વાક્યુદ્ધ'ના ચમકારા 1 - image


વોશિંગ્ટન : વિશ્વ સમસ્તની જેની ઉપર નજર મંડાઈ રહી છે તેવી વિશ્વની સૌથી સબળ, અને સૌથી સમૃદ્ધ સત્તા અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ અને રીપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાયેલી વાક્-સ્પર્ધા ધીમે ધીમે તીવ્ર બનતી જતાં 'વાક્-યુદ્ધ'માં પરિણમી, તેના મહત્વનાં મુદ્દાઓ જોઈએ અને 'યુદ્ધ'ના અંતે ટેઈલર સ્વિફ્ટે કરેલું સમાપન પણ જોઈએ.

૧. પ્રમુખપદની ચૂંટણી માટે યોજાયેલી આ સૌથી પહેલી અને સંભવત: સૌથી છેલ્લી વાક્-સ્પર્ધા હતી.

૨. ડેમોક્રેટિક ઉપપ્રમુખ કમલા હેરિસ, પોડીયમ પર પહોંચ્યા તે પહેલાં થોડી જ મિનિટોએ ટ્રમ્પ પહોંચી ગયા હતા. હેરિસે તેઓના સ્થાનેથી આગળ ચાલી ટ્રમ્પ સાથે હસ્તધૂનન કર્યું.

૩. આ પછી કમલાએ કહ્યું : હું કમલા હેરિસ. ચાલો આપણે સુંદર વકૃત્ય સ્પર્ધા કરીએ.

૪. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું : તમોને મળીને આનંદ થયો.

૫. આ પછી ૯૦ મિનિટ ચાલેલી 'સ્પર્ધા'નો પ્રારંભ થયો.

૬. સ્પર્ધાના પ્રારંભ સાથે જ કમલા આક્રમક બની રહ્યાં છતાં થોડા સંયમિત પણ દેખાતાં હતાં. કમલાએ પહેલો પ્રહાર ૨૦૨૪ની ચૂંટણીમાં ટ્રમ્પે પોતાનો પરાજય ના સ્વીકારવા કરેલી જીદ્દના ઉલ્લેખ સાથે કર્યો. તેમ જ તે પૂર્વે યોજેલી તેમની રેલીઓમાં લોકોમાં દેખાતી ઉદાસીનતા કહેતા, તેઓએ જણાવ્યું કે શ્રોતાગણ તેમના પ્રવચનથી એટલા કંટાળી ગયેલા દેખાતા હતા કે પ્રવચન પૂરું થાય તે પૂર્વે તો સભા-સ્થળ છોડીને જતા રહેવા લાગ્યા.

૭. ટ્રમ્પે સૂચવેલી આર્થિક નીતિઓની ટીકા કરતાં કમલાએ કહ્યું : તેઓની સેલ્સટેક્ષ નીતિ મધ્યમ વર્ગને નુકશાનકર્તા બની રહી છે.

૮. આટલું જ નહીં પરંતુ ટ્રમ્પના સમર્થકોએ જાન્યુ. ૬, ૨૦૨૧ના દિને કેપિટોલ ઉપર કરેલા હુમલાને ૧૮૬૧ થી ૬૫ સુધી ચાલેલાં અમેરિકાના ગૃહયુદ્ધ સાથે સરખાવતાં કહ્યું કે તે આક્રમણ અમેરિકામાં થયેલું લોકશાહી પરનું સૌથી ક્રૂર આક્રમણ હતું.

૯. યુક્રેન અંગે તેઓએ કહ્યું કે તેમાં બાયડેને યુક્રેનને મદદ કરવા લીધેલું વલણ યોગ્ય જ છે. (ટ્રમ્પ યુક્રેનને મદદ કરવામાં માનતા નથી)

૧૦. સૌથી વધુ ટીકા તો હેરિસે મહિલાઓ પ્રત્યેના અને ગર્ભપાત વિરૂદ્ધ તેમના વલણ માટે કરી હતી. તેઓએ કહ્યું મહિલાઓને પણ પોતાના દેહ માટે અધિકાર છે. ('માય બોડી ઈઝ માય રાઈટ')

૧૧. તમો ૨૦૨૦માં ચૂંટણી હારી જ ગયા હતા, ડેમોક્રેટ જો બાયડેન સામે પરાજિત થયા હતા. ૮ કરોડ ૧૦ લાખ લોકોએ 'જાકારો' આપ્યો હતો. (આ દ્વારા કમલાએ બાયડેન અને ટ્રમ્પ વચ્ચેના મતનો તફાવત દર્શાવ્યો હતો.)

૧૨. આથી સ્પષ્ટ રીતે ધૂંધવાઈ ઉઠેલા ટ્રમ્પે કહ્યું કે, 'મારી રેલીઓ, તમારી રેલીઓ કરતાં વધુ વિશાળ હતી.' ટ્રમ્પે તેમનાં વક્તવ્યમાં વળતા પ્રહારો કરતાં કહ્યું કે, 'તમો તો ખુદ બાયડેન બની રહ્યાં છો.' (તેઓ જ બાયડેન છે) પરંતુ અમેરિકાને તેવા પ્રમુખની જરૂર છે કે જે અમેરિકાને જ અને તમોને સર્વેને પ્રથમ સ્થાને મુકે (અમેરિકા ફર્સ્ટ પોલિસી).

૧૩. કેટલાક દેશોમાંથી આવતા વસાહતીઓ ઉપર પ્રતિબંધ મુકવાની અનિવાર્યતા ફરી ફરીને કહેતા ટ્રમ્પે કહ્યું હતું કે, 'વસાહતીઓનો ધસારો છેવટે અમેરિકામાં પોતાને જ ફાડી નાંખશે.'

૧૪. અમેરિકામાં વધી રહેલા ફુગાવા માટે પણ બાયડેન વહીવટીતંત્ર અને ઉપપ્રમુખ હેરિસને જ જવાબદાર ઠરાવ્યાં હતાં અને કહ્યું હતું કે હજી સુધીમાં નોંધાયેલા ફુગાવા કરતાં બાયડેન તંત્રમાં સૌથી વધુ ફુગાવો જોવા મળ્યો છે.

૧૫. જાન્યુ. ૨૦૨૦માં કેપિટોલ-હીલ (સંસદ) ગૃહ પર થયેલા હુમલા અંગે એન્કરે પૂછતાં ટ્રમ્પે કહ્યું હતું કે 'તેમાં મારી કોઈ ભૂમિકા જ ન હતી. મારા સમર્થકો રમખાણે ચઢ્યા, મેં વાર્યા હતા છતાં તોફાને ચઢ્યા તેમાં હું શું કરૂં.' (જોકે આ વિધાનો તદ્દન જૂઠાણાં જ હતાં એ અલગ વાત છે.)

આ વાક્-યુદ્ધ અંગે એક એન્કર અને વિશ્લેષક ટેઇલર સ્વિફ્ટે કહ્યું હતું કે, 'આ સ્પર્ધાનો પ્રારંભ તો સરળતાથી થયો હતો, પરંતુ વાક્-સ્પર્ધા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ તે તીવ્ર થતી ગઈ છેવટે વાક્-સ્પર્ધા વાક્-યુદ્ધમાં પરિણમી. પરંતુ સરવાળે તે સ્પષ્ટ થતું ગયું કે ટ્રમ્પ પછીથી સતત રક્ષણાત્મક રહ્યા જ્યારે કમલા હેરિસ આક્રમક રહ્યાં હતાં. યુક્રેનના પ્રશ્ને તેઓએ દર્શાવેલાં વલણ અને મહિલાઓની સ્વતંત્રતા અંગે તેમણે લીધેલું વલણ ઘણું આક્રમક રહ્યું હતું.'


Google NewsGoogle News