ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા 'ક્રિમિનિલ' પ્રમુખ .
- હશ મનીમાં હાશ: ટ્રમ્પ દોષિત ખરા, પરંતુ ચૂંટાયેલા પ્રમુખ હોવાથી સજા કે દંડમાંથી બચી ગયા
- બંધારણ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખ તરીકે સજામાંથી મુક્તિનો અધિકાર પરંતુ જ્યુરીના ચૂકાદાને રદ કરવાનો નહીં: જજની ટકોર
- આ ખૂબ જ ભયાનક અનુભવ, ચૂકાદો ન્યૂયોર્ક રાજ્ય અને ન્યૂયોર્ક કોર્ટ સિસ્ટમ માટે પીછેહઠ અને ઝટકા સમાન: ટ્રમ્પ
ન્યૂયોર્ક : અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શુક્રવારે મેનહટન કોર્ટે હશ મની કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જોકે, આ સાથે કોર્ટે ટ્રમ્પે કોઈપણ સજા, દંડ કે શરત વિના છોડી મૂક્યા હતા. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં 'ક્રિમિનલ'ના કલંક સાથે પ્રમુખ બનનારા પહેલા નેતા બની જશે. જોકે, કોર્ટના આ ચૂકાદા સાથે ટ્રમ્પને એક રાહત એ થઈ છે કે ૨૦મી જાન્યુઆરીએ તેઓ દંડ કે સજાના ભય વિના બીજી વખત પ્રમુખપદના શપથ લેશે. બીજીબાજુ ટ્રમ્પે આ ચૂકાદાને ન્યૂયોર્ક કોર્ટ સિસ્ટમની પીછેહઠ સમાન ગણાવ્યો હતો.
અમેરિકામાં શુક્રવારે જે ક્ષણ પર આખી દુનિયાની નજર ટકી હતી તે આવી ગઈ. મેનહટન કોર્ટના ન્યાયાધીશ જુઆન મેર્ચેને હશ મની કેસમાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઔપચારિક રીતે દોષિત ઠેરવ્યા હતા. જોકે, તેમને સજા સંભળાવવા કે દંડ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
વર્ષ ૨૦૧૬ની પ્રમુખપદની ચૂંટણી પહેલાં એક પોર્ન સ્ટારને નાણાં આપીને ચૂપ રહેવા માટે મજબૂર કરવા અને આ ખર્ચને દર્શાવવો ના પડે તે માટે ચૂંટણીના હિસાબોમાં ગોટાળા કરવાના આરોપમાં અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્તિગતરૂપે મેનહટન કોર્ટમાં હાજરી આપી નહોતી. તેમણે દક્ષિણ ફ્લોરિડાથી વર્ચ્યુઅલ હાજરી આપી હતી.
૭૮ વર્ષના ટ્રમ્પને મે ૩૦ના રોજ ૩૪ફેલોની કાઉન્ટ્સ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને સજા કે દંડ માટેનો ચુકાદો વારંવાર મુલતવી રહ્યો હતો. અંતે શુક્રવારે ન્યાયાધીશ જુઆન મેર્ચેને ૩૦મિનિટની સુનાવણી પછી ડોનાલ્ડ ટ્રમ્પને કોઈપણ સજા કે દંડ વિના માત્ર દોષિત ઠેરવી છોડી મૂક્યા હતા. તેમણે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ૧૦દિવસ પછી પ્રમુખપદના શપથ લેવાના હોવાથી તેમને 'માત્ર કાયદાકીય સજા' અપાઈ. આ સાથે તેમણે ટ્રમ્પને પ્રમુખ તરીકેના બીજા કાર્યકાળની શુભેચ્છા પાઠવી હતી.
જજ જુઆન મેર્ચેનના ચૂકાદા બાદ વીડિયો લિંકથી હાજર થતા આ કેસમાં ટ્રમ્પ પહેલી વખત બોલ્યા હતા. તેમણે કોર્ટને સંબોધન કરતા કહ્યું હતું કે, આ ખૂબ જ ભયાનક અનુભવ રહ્યો. મને લાગે છે કે આ ન્યૂયોર્ક રાજ્ય અને ન્યૂયોર્કની કોર્ટ સિસ્ટમ માટે પીછેહઠ અને ઝટકા સમાન છે. થોડા દિવસ પહેલાં આ કેસની સુનાવણી કરતા જજ જુઆન મર્ચેને પહેલા જ કહી દીધું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયેલા પ્રમુખ હોવાથી પોતે તેમને જેલમાં મોકલવાની કે દંડની કોઈ સજા નહીં કરે, પરંતુ સજા સંભળાવ્યા વિના ચૂકાદો ખતમ પણ નહીં કરે. જેને પગલે શુક્રવારે ન્યાયાધીશ ટ્રમ્પને શું ચૂકાદો આપે છે તેના પર બધાની નજર હતી.
આ પહેલાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે ટ્રમ્પ તરફથી મેહનહટન કોર્ટમાં શુક્રવારની કાર્યવાહીને રોકવા માટેની વિનંતી ફગાવી દીધી હતી.
આ સાથે મેનહટનમાં ન્યૂયોર્ક રાજ્યની અદાલતમાં સજા સંભળાવવાનો રસ્તો ખૂલી ગયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખપદે શપથ ગ્રહણ પહેલાં સજા સંભળાવવામાં આવી હોત તો આશ્ચર્યજનક વિરોધાભાસ સર્જાયો હતો, જેનું સાક્ષી અમેરિકા પહેલાં ક્યારેય બન્યું નથી.
જોકે, હવે ડોનાલ્ડ ટ્રમ્પ હવે ગુનાઈત સજાના કલંક સાથે અમેરિકાના ૪૭મા પ્રમુખ તરીકે ૨૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ શપથ લેશે.
આ પહેલાં ચૂંટણી જીત્યા પછી ટ્રમ્પે આ કેસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મતદારો આ કેસને જોઈ રહ્યા હતા. તેઓ સમજી ગયા હતા કે મને ફરી પ્રમુખ બનતો રોકવા માટે આ કેસ ઊભો કરાયો છે. આ કેસ રાજકારણ પ્રેરિત હતો. તેથી જ હું લાખો મતોથી જીતી ગયો. એટલું જ નહીં બધા જ ૭ સ્વિંગ સ્ટેટમાં પણ મારો ભવ્ય વિજય થયો.