ટેરિફ બોમ્બ ફોડ્યા બાદ ટ્રમ્પ સરકારે ભારત, ઈઝરાયલ અને વિયેતનામ સાથે શરૂ કરી ચર્ચા
Donald Trump Tariff Talk With India Vietnam and Israel: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ટેરિફ નીતિ હેઠળ 2 એપ્રિલે ભારત, વિયેતનામ અને ઇઝરાયલ પર નવા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. 9 એપ્રિલથી અમેરિકા ભારતની નિકાસ પર 26%, વિયેતનામ પર 46% અને ઈઝરાયેલ પર 17% ટેરિફ લાગશે.
અમેરિકા 9 એપ્રિલથી લાગુ કરશે નવા ટેરિફ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત, ઈઝરાયલ અને વિયેતનામના પ્રતિનિધિઓ સાથે વેપાર સમજૂતીને લઈને વાતચીત કરી રહ્યા છે. 9 એપ્રિલની સમયમર્યાદા પહેલા આ વાટાઘાટો થઇ રહી છે. એવામાં જો કોઈ સમજૂતી નહીં થાય, તો આ દેશોમાંથી આયાત પર નવા ટેરિફ લાદવામાં આવશે. તેમજ ભારત, ઈઝરાયલ અને વિયેતનામ સાથેના વેપાર કરારો અંગે ટ્રમ્પની ચાલી રહેલી વાતચીત અન્ય દેશો સાથે સમાન વાતચીતનો માર્ગ ખોલી શકે છે.
આયાત પર વધારાની ડ્યુટી લાદીને ટ્રમ્પની ટેરિફ નીતિનો વિરોધ
ચીન અને કેનેડાએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તેઓ અમેરિકન આયાત પર વધારાની ડ્યુટી લાદીને ટ્રમ્પની ટેરિફ નીતિનો આ રીતે વિરોધ કરશે. યુએસ પ્રમુખના પુત્ર એરિક ટ્રમ્પે X પર એક પોસ્ટમાં લખ્યું, 'હું ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરનાર છેલ્લો દેશ બનવા માંગતો નથી. જે પ્રથમ વાટાઘાટો કરે છે તે જીતશે - જે છેલ્લે વાટાઘાટ કરે છે તે ચોક્કસપણે હારશે. મેં આ ફિલ્મ મારી આખી જિંદગી જોઈ છે.
ટેરિફ મામલે અમે ડ્રાઈવીંગ સીટ પર છીએ: ડોનાલ્ડ ટ્રમ્પ
આ દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જણાવ્યું હતું કે, 'હું મારા વેપારી ભાગીદારો સાથે વાતચીત માટે તૈયાર છું.' એરફોર્સ વનમાં ગુરુવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, 'દરેક દેશ ટેરિફને લઈને અમારી સાથે વાત કરવા માંગે છે. આ અમારી શ્રેષ્ઠતા છે કે, અમને જ્યાં સુધી કંઇક સારું નથી મળતું ત્યાં સુધી અમે ખુદને ડ્રાઈવીંગ સીટ પર રાખીએ છીએ. હવે ટિકટોકનું જ ઉદાહરણ લો. અમારી પાસે ટિકટોક સાથે એવી સ્થિતિ છે જ્યાં ચીન કદાચ કહેશે, અમે સોદાને મંજૂરી આપીશું, પરંતુ શું તમે ટેરિફ પર કંઈક કરશો? ટેરિફ અમને વાટાઘાટોની શક્તિ આપશે. આવું હંમેશા થતું આવ્યું છે.'
આ પણ વાંચો: 'અમારા જહાજ ડૂબાડી નહીં શકો...' 25 સેકન્ડમાં હુથીઓનું જૂથ તબાહ, ટ્રમ્પે શેર કર્યો VIDEO
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની રેસિપ્રોકલ ટેરિફ નીતિ હેઠળ 2 એપ્રિલે ભારત, વિયેતનામ અને ઇઝરાયલ પર નવા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. 9 એપ્રિલથી અમેરિકામાં ભારતની નિકાસ પર 26%, વિયેતનામ પર 46% અને ઈઝરાયલ પર 17% ટેરિફ લાગશે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ડિયા રેસિપ્રોકલ ટેરિફને બદલે માત્ર અડધો ટેરિફ લાદ્યો છે. કારણ કે ભારત અમેરિકન નિકાસ પર 52% ટેરિફ લાદે છે. ટ્રમ્પને આશા છે કે ટેરિફ મુદ્દે ભારત સાથેની વાતચીતથી સકારાત્મક પરિણામ આવશે.