'આ તો મિસકેરેજ ઓફ જસ્ટિસ કહેવાય..', બાઈડેને દીકરાના 'ગુના' માફ કરતાં ટ્રમ્પનું રિએક્શન
US President Joe Biden Pardons His Son Hunter: અમેરિકાના પ્રમુખ જો બાઈડેને પુત્ર હન્ટરના ગુનાને માફ કરવા માટે તેમની સત્તાનો ઉપયોગ કર્યો છે. હન્ટર સામે નોંધાયેલા તમામ ગુનાઇત કેસ રદ કરાયા છે. આ સ્થિતિમાં અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેન પર નિશાન સાધ્યું છે અને તેને સત્તાનો દુરુપયોગ ગણાવ્યો છે.
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'જો બાઈડેને પુત્ર હન્ટરને કેમ માફી આપી? શું તમે એ કેદીઓને માફ કરશો, જેમણે યુએસ કેપિટોલ પર હુમલો થયો કર્યો હતો અને છેલ્લા ઘણાં વર્ષોથી તેઓ જેલમાં છે? આ તો મિસકેરેજ ઓફ જસ્ટિસ કહેવાય!'
નોધનીય છે કે, યુએસ કેપિટોલ પર છઠ્ઠી જાન્યુઆરી 2021ના રોજ હુમલો થયો હતો. આ દરમિયાન ઘણાં ટ્રમ્પ સમર્થકોની તોફાનોના આરોપમાં ધરપકડ કરાઈ હતી, જે હજુ પણ જેલમાં છે.
મારા દીકરા સામેના આરોપો રાજકીય રીતે પ્રેરિત
અમેરિકાના પ્રમુખ પ્રમુખ બાઈડેને એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'આજે મેં મારા પુત્ર હન્ટરને માફ કરી દીધો છે. જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું છે ત્યારથી મેં કહ્યું છે કે હું ન્યાય વિભાગના નિર્ણયોમાં દખલ નહીં કરીશ અને મેં આ વચન પાળ્યું છે. પરંતુ મેં જોયું કે મારા પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને અન્યાયી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમના પર લગાવવામાં આવેલા આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા.'
હન્ટર સામે શું આરોપો છે?
જો બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેન પર કરચોરીથી લઈને ગેરકાયદે રીતે હથિયાર રાખવા, સરકારી નાણાનો દુરુપયોગ અને ખોટી જુબાની આપવા જેવા આરોપો છે. અગાઉ, ડેલાવેર કોર્ટમાં હન્ટરે કરચોરી અને ગેરકાયદે બંદૂક રાખવાનો સ્વીકાર કર્યો હતો. એવા આક્ષેપો છે કે હન્ટર બાઈડેને જાણી જોઈને આવકવેરો ચૂકવ્યો નથી.