ટ્રમ્પની વિસ્તારવાદી નીતિથી અનેક દેશોમાં ચિંતા: કેનેડા, પનામા બાદ હવે ગ્રીનલેન્ડ પર કબજાની ઈચ્છા
Trump’s Wish to Control Greenland: ડોનાલ્ડ ટ્રમ્પે ચીન જેવી વિસ્તારવાદી નીતિઓ લાગુ કરવાનું મન બનાવી લીધું છે. કેનેડાને અમેરિકામાં સામેલ કરીને તેને 51મું રાજ્ય બનાવવાનું સપનું જોઈ રહેલા ટ્રમ્પ હવે પનામા અને ગ્રીનલેન્ડને પણ અમેરિકન શાસન હેઠળ લાવવાની વાત કરી રહ્યા છે. ટ્રમ્પના નિવેદનોથી લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમણે અમેરિકાનો વિસ્તાર વધારવા માટે એક એજન્ડા તૈયાર કર્યો છે.
રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાત કરી હતી. વર્ષ 2019માં ટ્રમ્પે ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. જેના કારણે ગ્રીનલેન્ડની સરકાર ભડકી ગઈ હતી.
ગ્રીનલેન્ડ બાબતે ટ્રમ્પના ઈરાદા શું છે?
પ્રથમ કાર્યકાળથી ટ્રમ્પની ઈચ્છા ગ્રીનલેન્ડ ખરીદવાની હોવાથી એ પ્રશ્ન થાય કે શા માટે ગ્રીનલેન્ડ જ? ગ્રીનલેન્ડનું સ્ટ્રેટેજીક લોકેશન ઉત્તર એટલાન્ટિક મહાસાગર છે. આમ તો તે ઉત્તર અમેરિકા ખંડનો એક ભાગ છે, પરંતુ જો આપણે તેને ભૌગોલિક-રાજકીય રીતે જોઈએ, તો તે યુરોપ સાથે પણ કનેક્શન ધરાવે છે. ટ્રમ્પ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ સાચું કારણ એ છે કે ગ્રીનલેન્ડના કુદરતી સંસાધનો અને તેની ભૌગોલિક રાજકીય સ્થિતિના કારણે ટ્રમ્પની તેના પર નજર છે.
જો ગ્રીનલેન્ડની વાત કરીએ તો ગ્રીનલેન્ડ વર્ષ 1953 સુધી ડેનમાર્કના નિયંત્રણમાં હતું અને હાલમાં પણ ડેનમાર્કના નિયંત્રણમાં છે. પરંતુ વર્ષ 2009થી ત્યાં અર્ધ-સ્વાયત્ત સરકાર છે. સ્થાનિક નીતિઓથી લઈને અન્ય બાબતોમાં ગ્રીનલેન્ડની સરકાર સર્વોચ્ચ છે, પરંતુ સંરક્ષણ અને વિદેશી બાબતોને લગતા નિર્ણય લેવાનો અધિકાર ડેનમાર્કની સરકાર પાસે છે.
પનામા કેનાલથી કમાણી કરવા ઈચ્છે છે ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ એક બિઝનેસ માઈન્ડેડ વ્યક્તિ છે. આથી તે દરેક ડીલમાં ફાયદો અને નુકસાન જોવે છે. પનામા કેનાલ દ્વારા જહાજોની અવરજવર દ્વારા થતા વેપારથી અમેરિકાને ઘણો ફાયદો થાય છે. પરંતુ તાજેતરમાં, ટ્રમ્પ અચાનક પનામાની સરકાર પર ગુસ્સે થઈ ગયા અને જરૂરિયાત કરતાં વધુ ફી વસૂલવાની વાતને વાહિયાત ગણાવી.
એક અનુમાન મુજબ પનામા કેનાલથી રોજ લગભગ 14 હજાર જહાજ પસાર થાય છે. એવામાં એવું કહેવામાં આવે છે કે પનામા સરકારને તેના દ્વારા એક અરબ ડોલરની ટ્રાન્ઝીટ ફી મળે છે.
પનામા કેનાલની મદદથી ટ્રમ્પ ચીન પર નિયંત્રણ ઈચ્છે છે
આ સિવાય પનામા પર નિયંત્રણ મેળવવાનું બીજું મોટું કારણ ચીન પણ છે. પનામા કેનાલ અમેરિકાના ઈસ્ટ કોસ્ટને ચીન સાથે જોડે છે. ચીનનો ઘણો વેપાર પણ આ નહેર દ્વારા થાય છે, તેથી ટ્રમ્પને પણ લાગે છે કે આ નહેર દ્વારા વૈશ્વિક વેપારમાં ચીનનું વર્ચસ્વ વધી શકે છે. ચીનના આ સંભવિત વર્ચસ્વને રોકવા માટે ટ્રમ્પ આ નહેર પર નિયંત્રણ ઈચ્છે છે.
જાણો પનામા ક્યાં આવેલું છે
પનામા એ મધ્ય અમેરિકન દેશ છે. આ કેનાલ 82 કિલોમીટર લાંબી છે જે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને જોડે છે. આ નહેરનું નિર્માણ કાર્ય ફ્રાન્સના નેતૃત્વમાં 1900માં શરૂ થયું હતું. વર્ષ 1977 સુધીમાં, અમેરિકાએ તેના નિર્માણની જવાબદારી લીધી, ત્યારબાદ અમેરિકા અને પનામા બંનેએ સંયુક્ત રીતે તેના પર નિયંત્રણ કર્યું, પરંતુ વર્ષ 1999માં પનામાનું તેના પર સંપૂર્ણ નિયંત્રણ હતું.
આ પણ વાંચો: BRICSમાં ભારતે બતાવ્યો દબદબો: પાકિસ્તાનને મોટો ઝટકો, ચીનની ચાલાકી પણ કામ ન આવી
ટ્રમ્પે ટ્રુડોના ધબકારા વધાર્યા
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા ત્યારથી સૌથી વધુ ટીકા થઈ રહી છે. ટ્રમ્પ અને ટ્રુડો વચ્ચેના સંબંધોમાં સતત ઉતાર-ચઢાવ આવતા રહ્યા છે. ટ્રુડો સામે ટ્રમ્પનો એકમાત્ર વાંધો એ છે કે કેનેડાની સરહદેથી ઈમિગ્રન્ટ્સ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશી રહ્યા છે અને ટ્રુડો કશું જ કરતા નથી.
ટ્રુડોના વલણથી કંટાળીને ટ્રમ્પે તેમનું ટ્રમ્પ કાર્ડ રમ્યું. ફ્લોરિડામાં ટ્રમ્પના લક્ઝુરિયસ માર-એ-લાગોમાં પહોંચીને ટ્રુડોને કહ્યું કે કેનેડાએ અમેરિકાનું 51મું રાજ્ય બનવામાં વિલંબ ન કરવો જોઈએ. મજાકમાં કહેવામાં આવેલી આ વાતને લઇને હવે ટ્રમ્પ પોતે પણ ગંભીર થઇ ગયા છે. જ્યારે પણ તેમને તક મળે છે ત્યારે તેઓ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય અને ટ્રુડોને કેનેડાના ગવર્નર તરીકે કહી દે છે.